Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના કહેર તથા લોકડાઉન દરમ્યાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં દવાની સપ્લાય ચેઇન અતૂટઃ લોકોને કયાંય હેરાન થવું પડતું નથી

હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં દવાઓની સ્થિતિ અંગે ગ્રાસ રૂટ લેવલનો સ્પેશ્યલ રીપોર્ટ

રાજકોટ તા. ૬: - સૌરાષ્ટ્ર - ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અને વિશ્વમાં    કોરોના (COVID 19)એ  કાળોકેર વર્તાવ્યો છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ કોરોના (COVID 19)ને વૈશ્વિક મહામારી જાહેર  કરેલ છે. ત્યારે તકેદારીરૂપે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર  દ્વારા તા. ૧૪-૪-૨૦૨૦ સુધી  ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. આ લોકડાઉન દરમ્યાન લોકો માટે લાઇફલાઇન  અને અનિવાર્ય ગણાતી લાઇફટાઇમ ડીસીઝ  સહિતની તમામ એલોપેથિક દવાઓની સપ્લાય તથા ઉપલબ્ધતા કેવી છે અને તમામ દવાઓ લોકોને સરળતાથી  મળે છે કે નહી?  સમગ્ર તંત્રનો સહયોગ કેવો છે? માસ્ક - સેનીટાઇઝરની સ્થિતી શું છે? દવાની દુકાનો  ખુલી રાખવાનો સમય શૂં છે? વિગેરે બાબતો વિષે સૌરાષ્ટ્રના જુદા - જુદા ગામોના કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ - મંત્રીએ  અકિલાને સચોટ અને સમાજોયોગી માહિતી  આપી હતી. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયૂરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇનો પણ ખાસ સહયોગ પ્રાપ્ત થયો હતો.

વાતચીત દરમ્યાન જાણવા મળ્યુ  હતુ કે સૌરાષ્ટ્ર - કચ્છમાં લગભગ તમામ ગામોમાં દવાની સપ્લાય  ચેઇન અતૂટ છે અને લાઇફડીસીઝ (બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હાર્ટની તકલીફ, કોલેસ્ટ્રોલ, માનસિક રોગો વિગેરે) સહિતની તમામ દવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે. દવાઓ મેળવવામાં લોકોને આમ તેમ ભટકવુ પડતુ નથી કે હેરાન થવુ પડતુ ન હોવાનું જાણવા મળે છે. સાથે - સાથે હાલના કોરોના ગ્રસ્ત સમયમાં સૌથી વધુ ડીમાન્ડ ધરાવતા માસ્ક અને સેનીટાઈઝર્સ પણ સરકાર માન્ય  વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોવાનું સ્થાનિક હોદ્દેદારો  જણાવી રહ્યા છે.

મોટાભાગના સેન્ટર્સ ઉપર તો સ્થાનિક કેમીસ્ટ એસોસિએશન દ્વારા જ ટ્રાન્સપોર્ટમાં માલ મંગાવીને  જે તે હોલસેલર્સને પુરો પાડવામાં આવે છે. કે જેથી રીટેઇલર્સ અને  ત્યાંથી  કસ્ટમર્સ સરળતાથી દવા મેળવી શકે.  ઉપરાંત લગભગ તમામ જગ્યાએ જિલ્લા તથા સ્થાનિક વહીવટીતંત્ર , પુરવઠાતંત્ર તથા રાજ્યના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટનો સહયોગ પણ સારો મળી રહ્યાનું જાણવા મળે છે. જો કે અમૂક જગ્યાએ દવાના  વેપારીના સ્ટાફને તથા વેપારીને કલેકટરતંત્ર અને પોલીસતંત્ર સાથે સામાન્ય ઘર્ષણ થયાનું જાણવા મળે છે. આ બાબતે સ્થાનિક હોદ્દેદારોની દરમ્યાનગીરીથી મામલો થાળે પણ પડી ગયો હતો. હવે સૌરાષ્ટ્ર - કચ્છના વિવિધ સેન્ટર્સ ઉપર દવાબજાર સંદર્ભેની સાચી સ્થિતીનો તાગ મેળવીએ તો...

જામનગર

જામગનર કેમીસ્ટ એસો.ના પ્રમુખ રાજુભાઇ રાબડીયા તથા મંત્રી હીરેનભાઇ સંઘાણીના જણાવ્યા મુજબ જે ક્ષેત્રોમાં સાચે જ જરૂર છે તેવા સેવાકીય કાર્ય સાથે જોડાયેલા લોકો માટે આશરે ૧૬૦ રૂપિયામાં  N 95 માસ્ક  અવેલેબલ છે. જેમાં ડોકટર્સ, નર્સ, અગ્રણી હોપિટલો, રીલાયન્સ - એસ્સાર જેવી જાયન્ટ  ઈન્ડસ્ટ્રીઝ , આર્મી - નેવી તથા એરફોર્સનો સ્ટાફ વિગેરેને તો એસો. તરફથી લોકસેવાના ભાગરૂપે ફ્રીમાં માસ્ક  આપવામાં આવ્યા છે. વર્ષોથી મેડીકલ  પ્રોફેશન - હોસ્પિટલોમાં વપરાતુ સ્ટેરીલીયમ (સેનીટાઇઝર) તો જામનગરમાં ૫,૨૫,૫૦ અને ૨૦૦ લીટરના કેરબાના રૂપે પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જીવન-જરૂરીયાતની તમામ વસ્તુઓ એક જ એરીયામાં મળી જાય તેવી ગોઠવણ કરવામાં આવી છે.  કાલાવડ, જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના ગામો જામનગર  હેઠળ આવે છે.  રીટેલર્સ તથા હોલસેલર્સ થઇને કુલ અંદાજે ૬૨૫ જેટલા દવાના વેપારીઓ છે તથા હાલમાં જામનગર ખાતે રોજના ૧.૨૫ કરોડના દવાના જથ્થાની આવક છે.

કચ્છ

કચ્છ કેમીસ્ટ કાઉન્સીલના પ્રમુખ  જયપ્રકાશભાઇ પાઠક તથા મંત્રી  કિરીટભાઇ  પલાણ (જોઇન્ટ સેક્રેટરી- ફેડેરેશન ઓફ ગુજરાત  કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ) એ જણાવ્યુ હતુ કે દવા બજારનો મોટાભાગનો  માલ હાલમાં અમદાવાદ અને રાજકોટથી ટ્રક મારફત આવે છે. કચ્છમાં જી.કે. અદાણી હોસ્પિટલ તથા કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ હોસ્પિટલ રાઉન્ડ ધ કલોક ચાલુ હોય છે. સાથે - સાથે  દવાની દુકાનો પણ આખો દિવસ ખૂલી રહે છે. સિનિયર  સિટીઝનને   જરૂરીયાત પ્રમાણે  દવાની ફ્રી હોમ ડીલીવરી  આપવામાં આવે છે.  કચ્છની સમગ્ર દવા બજારનું માસિક ટર્ન ઓવર આશરે ૫ થી ૭ કરોડ છે. નખત્રાણા, અંજાર, ભચાઉ, રાપર , મુન્દ્રા, નલીયા, લખપત, ગાંધીગ્રામ, માંડવી, ભુજ સહિતના સેન્ટર્સ લાગુ પડે છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર કેમીસ્ટ એસો.ના  પ્રમુખ  પ્રશાંતભાઇ શાહ તથા મંત્રી  યોગેશભાઇ શાહ જણાવે છે કે એસો. દ્વારા સમગ્ર દવાબજારના નિયમનની સાથે સાથે  ચકલીના માળાનું વિતરણ , વૃક્ષો માટેના કુંડા વિતરણ, વેકેશનમાં ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ વિગેરે ફ્રીમાં કરવામાં આવે છે.  એસો.ના  મેમ્બર્સ  તથા  મેમ્બર્સને ત્યાં સર્વિસ કરતા સ્ટાફ મિત્રો પણ આનો  લાભ લઇ શકે છે. કોરોના મહામારી સંદર્ભે  પી.એમ. રાહત ફંડમાં એક લાખ રૂપિયાનું અનુદાન પણ તાજેતરમાં આપ્યુ છે. સુરેન્દ્રનગરમાં દવાના કુલ વેપારીઓ (રીટેઇલર્સ- હોલસેલર્સ) ની સંખ્યા ૩૦૦ જેટલી અને દવાબજારનું રોજનું ટર્ન ઓવર આશરે ૩૦ થી ૩૫ લાખ જેટલુ છે. ચોટીલા , મુળી, થાન , લીંબડી  ધ્રાંગધ્રા વિગેરે સેન્ટર્સ લાગુ પડે છે.

જુનાગઢ

જુનાગઢ દવાબજારના નરસિંહ મહેતા તરીકે ઓળખાતા સૌરાષ્ટ્ર - કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના ચેરમેન તથા જુનાગઢ કેમીસ્ટ એસો.ના  પ્રમુખશ્રી કાંતીભાઇ પટેલ જણાવે છે કે હાલની સ્થિતીમાં જૂનાગઢના દરેક  વિસ્તારમાં એક મેડીકલ  સ્ટોર દવાની ફ્રી હોમ ડીલીવરી  કરે છે. સામાન્ય રીતે હાલમાં સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી દુકાનો ખૂલે છે. ડે એન્ડ નાઇટ ૩ મેડીકલ  સ્ટોર છે. તે તથા હોસ્પિટલો ખાતે ડોકટર્સના પોતાના મેડીકલ સ્ટોર્સ રાઉન્ડ ધ કલોક ખૂલા રહે છે. દવાના કુલ વેપારીઓ અંદાજે ૨૫૦ છે તથા કેશોદ , વેરાવળ, કોડીનાર, ઉના, દિવ, બિલખા, વિસાવદર, વંથલી, માણાવદર, બાંટવા, રાણાવાવ, કુતિયાણા સહિતની જગ્યાએ ઓછા વતા પ્રમાણમાં જુનાગઢથી દવાઓ સપ્લાય થાય છે.

ઉના - દિવ

ઉના કેમીસ્ટ એસો.ના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન તથા ચાર ટર્મથી ચુંટાતા  ભાજપના કોર્પોરેટરશ્રી વિજયભાઇ જોષી જણાવે છે કે હાલમાં સંસ્થાની જવાબદારી ખૂબ વધી છે. ઉના ખાતે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી  મેડીકલ અને પ્રવિઝન સ્ટોર ખૂલા હોય છે જેને કારણે જીવન જરૂરીયાતની બધી  જ વસ્તુઓ, એક સાથે મળી રહે છે. સોશ્યલ ડીસ્ટન્સીંગનું પણ પાલન થાય તેની  તકેદારી લેવાઇ રહી છે. ઉના ખાતેની નટરાજ તથા મહેતા હોસ્પિટલ ખાતે બધા જ પ્રકારના ડોકટર્સ અવેલેબલ  રહે છે.

દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્દ્ર સરકાર પોતે જ માસ્ક અને સેનીટાઇઝર્સની સામુહિક ધોરણે વ્યવસ્થા કરતી હોવાનું વિજયભાઇ જોષીએ  જણાવ્યુ હતુ. કોરોના - લોકડાઉનની શરૂઆતમાં  તો કેન્દ્ર સરકારે ઘરદીઠ એક સેનીટાઇઝર ફ્રી આપ્યુ હોવાનું જણાવી રહ્યા છે. ઉપરાંત  આધારકાર્ડની ઝેરોક્ષ (ફોટોકોપી) બતાવવાથી ૧૧ મેડીકલ સ્ટોર્સ ઉપર શરૂઆતમાં અપાયેલા  આશરે ૮૮૦ જેટલા સેનીટાઇઝર્સ પણ ફ્રી અપાયા હોવાનું જાણવા મળે છે. હાલમાં પણ દિવમાં ઓછામાં ઓછા ૩૦રૂ. માં ૧૦૦ એમ.એલ. નું સેનીટાઇઝર મળતુ હોવાનું વિજયભાઇ જોષી જણાવે છે. સરકાર તથા ડ્રગ ઈન્સપેકટર જ સગવડ કરી આપે છે. ઉના, દિવ, ગીરગઢડા સહિત આશરે ૧૦૨ જેટલા  દવાના વેપારીઓ છે અને તેઓનું રોજનું કુલ અંદાજે દોઢથી બે લાખ રૂપીયાનું ટર્ન ઓવર છે. દિવસમાં સાદુ માસ્ક ૭ રૂ. આસપાસ મળે છે.

વેરાવળ(સોમનાથ)

વેરાવળ કેમીસ્ટ એસો.ના પ્રમુખ પ્રવિણભાઇ મેઘપરા તથા મંત્રી યુસુફખાન જણાવે છે કે દવાના કુલ ૧૦૦ જેટલા વેપારીઓ ધરાવતા વેરાવળમાં હાલમાં દવાનો બિઝનેસ પ્રમાણમાં ઘટી ગયો છે. રોટેશન પ્રમાણે  વારાફરતી અમૂક દવાની દુકાનો, ખુલી રહે છે. બધા દૂકાનદારોને મામલતદારશ્રીએ પાસ ઈસ્યુ કરેલા છે. સોશ્યલ  મિડીયાનો હકારાત્મક ઉપયોગ પણ દવાબજારમાં થઇ રહ્યો છે. તથા એસો.ની સમગ્ર કારોબારી  પણ સતત કાર્યરત છે. દવાના વેપારીનો ખરીદીનો એક સ્ટાફ વારંવાર  ખરીદીમાં જતો હોય, પોલીસે અટકાવતા થોડી સંઘર્ષભરી સ્થિતીનું નિમાર્ણ થયુ હોવાની ચર્ચા છે.

પોરબંદર

પોરબંદર કેમીસ્ટ એસો.ના પ્રમુખ રાકેશભાઇ પટેલ, તથા મંત્રી નિખિલભાઇ પારેખ, જણાવે છે કે સરકાર  માન્ય ભાવથી જ  પોરબંદરમાં માસ્ક  અને સેનીટાઇઝર મળે છે. ૧ એમ.એલ.ના ૫૦ પૈસાના હિસાબે સેનીટાઇઝર મળે છે. દવાના વડીલ દર્દીઓ માટે  ફ્રી હોમ ડીલીવરી રાખવામાં  આવી છે. કુલ અંદાજે ૧૫૦ જેટલા દવાના વેપારીઓ (રીટેઇલર્સ - હોલસેલર્સ) છે. અને દવા બજારનું માસિક  ટર્નઓવર આશરે ૫ કરોડ જેટલુ છે. માધવપુર, રાણાવાવ, બગવદર, તથા આજુબાજુના ૧૦૦ જેટલા ગામડા સહિતનો વિસ્તાર લાગુ પડે છે.

પોરબંદરમાં દવાના એક વેપારી સાથે માસ્કના કાળાબજાર થતાં હોવા અંગે કલેકટર તથા એસ.પી.ની હાજરીમાં તંત્રને ઘર્ષણ થયુ હોવાની જોરદાર ચર્ચા છે.

મોરબી

મોરબી કેમીસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઇ મહેશ્વરી તથા મંત્રી જયેશભાઇ ટોળીયા જણાવે છે કે ગુજરાત તથા  સમગ્ર ભારતમાં મોરબી કેમીસ્ટ એસો. કદાચ એકમાત્ર કેમીસ્ટ એસો. છે કે જેની માત્ર એન્ટ્રી ફી ૧૫ હજાર  રૂપીયા જેટલી છે.  સમગ્ર વર્ષ દરમ્યાન સંસ્થા વિધાર્થી પારિતોષિક  વિતરણ, ફેમીલી ગેટ ટુ ગેધર, સમગ્ર  કારોબારીએ એકસાથે  ભેગા મળીને અડદીયા, ચીકી બનાવવી વિગેરે પ્રવૃતિઓ કરે છે. હાલની મહામારીની સ્થિતીમાં દવા બજારની સ્થિતી જાણવા સંસ્થાના હોદ્દેદારો સવારે - સાંજે એમ રોજ બે વખત રાઉન્ડમાં નિકળે છે. દવાની દુકાનો આખો દિવસ ખૂલી રહે છે તથા ક્રિષ્ના, સદ્ભાવના અને આયુષ એમ ત્રણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ૨૪ કલાક ખૂલી રહે છે.

અમરેલી

અમરેલી કેમીસ્ટ  એસો.ના ચેરમેન હરેશભાઇ વેકરીયા, પ્રમુખ રોહિતભાઇ રૈયાણી તથા મંત્રી મનિષભાઇ ડોબરીયા જણાવે છે કે હાલમાં દવાની દુકાનો સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ખૂલી રહે છે. દરેક  વેપારીને તંત્ર દ્વારા સ્પેશ્યલ પાસ ઈસ્યુ થયેલા છે. હોસ્પિટલ સાથેના મેડીકલ સ્ટોર્સ ૨૪ કલાક ખૂલા રહેતા હોય છે. જિલ્લાના કુલ અંદાજે ૩૭૫ દવાના વેપારીઓ વચ્ચે સમગ્ર  દવાબજારનું કુલ ટર્નઓવર આશરે દૈનિક ૫૦ લાખ તથા માસિક ૧૫ કરોડ જેટલુ ગણાઇ રહ્યુ છે. એક મેડીકલ સ્ટોર ઉપર માસ્કના કાળાબજાર થતાં હોવાની  વાતો આવતા પોલીસ તપાસ થઇ હોવાની ચર્ચા છે. પરંતુ માસ્કનો જથ્થો DPCO(ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર) ૧૩ માર્ચથી લાગુ થયો તે પહેલાનો  ૧૨ માર્ચ સુધીનો હોવાનું સંભળાઇ રહ્યુ છે.

ગોંડલ

ગોંડલ કેમીસ્ટ  એસો.ના પ્રમુખ અનિલભાઇ ટીલવા તથા મંત્રી ભરતભાઇ ભટ્ટ જણાવે છે  તાલુકાના ૮૨ જેટલા ગામડાઓ તથા કુલ ૧૨૩ જેટલા દવાના વેપારીઓ સાથેના ગોંડલમાં દવાબજારમાં હજજારો  માસ્ક અને સેનીટાઇઝર ઉપલબ્ધ છે. (આશરે ૮૦ હજાર જેટલા માસ્ક). તમામ મેડીકલ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી ખૂલ્લા રહે છે. તથા હાલમાં સાંજે ૫ થી ૮ દરમ્યાન માત્ર  ૩ જેટલા મેડીકલ ખૂલ્લા રહે છે.  જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે. સમગ્ર દવા બજાનુ કુલ માસિક ટર્ન ઓવર આશરે અઢીથી ત્રણ કરોડ રૂપિયાનું છે.

જામખંભાળીયા

દેવભૂમિ દ્વારકા  જીલ્લાના જામખંભાળીયા કેમીસ્ટ એસો.ના પ્રમુખ હિતેષભાઇ ગોકાણી અને મંત્રી મનસુખભાઇ નકુમ જણાવે છે કે જામખંભાળીયામાં દવાના કુલ વેપારીઓની સખ્યા ૬૫ જેટલી તથા રોજનુ ટર્નઓવર  આશરે ૮ લાખ  રૂપિયા  તથા માસિક  ૨.૪૦ કરોડ જેટલુ છે. તમામ દુકાનો આખો દિવસ ખૂલી રહે છે તથા જામનગર અને ખંભાળીયામાં જ દવાનો માલ મળી રહે છે. સરકાર માન્ય વ્યાજબી ભાવે જ માસ્ક અને સેનીટાઈઝર હાલમાં ઉપલબ્ધ છે.

સ્થાનિક  દ્વારકામાં તો પ્રમાણમાં જેનેરીક દવાના વેપારીઓની પણ વધુ સંખ્યા જોવા  મળતી હોવાનું જાણવા મળે છે. 

સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટર્સના દવાના વેપારીઓ તથા  કેમીસ્ટ એસો.ના હોદ્દેદારો અને કારોબારી મેમ્બર્સ ઈચ્છી રહ્યા છે કે કોરના કહેર વહેલી તકે સમી જાય અને  લોકોની સુખાકારી માટે વહેલાસર જનજીવન સામાન્ય અને ધબકતું થઇ જાય. ઈશ્વર સૌને સ્વસ્થાપૂર્વક દીર્ઘઆયુષ્ય આપે તેવી પ્રાર્થના.

-  સમગ્ર ગુજરાતમાં એકમાત્ર મોરબીમાં કેમીસ્ટ એસો.ના મેમ્બર બનવા માટેની એન્ટ્રી ફી ૧પ હજાર રૂપિયા !

- મોટાભાગના સેન્ટર્સ ઉપર માસ્ક અને સેનીટાઇઝર્સ વ્યાજબી ભાવે મળે છે : જામનગરમાં તો સેવાભાવીઓ, ડોકટર્સ તથા નર્સને,અગ્રણી હોસ્પિટલો, રીલાયન્સ-એસ્સાર સહિતની ઇન્ડસ્ટ્રીઝ, આર્મી, નેવી, એરફોર્સ વિગેરેમાં N 95 માસ્ક જરૂરીયાત પ્રમાણે ફ્રી અપાયાઃ સ્ટેરીલીયમ (સેનીટાઇઝર)ના પ,રપ, પ૦ તથા ર૦૦ લીટરના કેરબા પણ ઉપલબ્ધ.

-  મોટાભાગના સેન્ટર્સ ઉપર હાલમાં લોકલ કેમીસ્ટ એસો. દ્વારા દવાઓની ઉપલબ્ધતા કરાવવામાં આવે છે : સિનિયર સીટીઝન્સને દવાઓની ફ્રી હોમ ડીલીવરી પણ થાય છે

-  અમરેલીમાં સવારે ૧૦ થી પ વાગ્યા સુધી દવાના વેપારીઓ દુકાનો ખૂલી રાખે છે

-  સુરેન્દ્રનગર કેમીસ્ટ એસો. દ્વારા તો દવાના વેપારની સાથે ઘણીબધી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ વિનામૂલ્યે થઇ રહી છે

-  લગભગ તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર, પુરવઠા તંત્ર તથા ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટનો સહયોગ મળી રહ્યો છે

-  વેરાવળ (સોમનાથ)માં વેપારીના સ્ટાફ સાથે પોલીસને તથા પોરબંદરમાં વેપારી સાથે કલેકટર તંત્ર તથા પોલીસ તંત્રને ઘર્ષણ થયું : અમરેલીમાં પોલીસ તપાસ થઇ ?

-  કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં તો કોરોના-લોકડાઉનની શરૂઆતમાં તંત્ર દ્વારા ઘરદીઠ એક સેનીટાઇઝર ફ્રી અપાયું : ૧૧ મેડીકલ સ્ટોર્સને કુલ ૮૮૦ સેનીટાઇઝર્સ પણ ફ્રી અપાયા : હાલમાં દીવમાં ઓછામાં ઓછા ૩૦ રૂપિયામાં ૧૦૦ એમએલ સેનીટાઇઝર મળે છે

-  જુનાગઢ-કચ્છ-ઉના-જામખંભાળીયા-અમરેલી - ગોંડલ સહિતના તમામ કેમીસ્ટ એસો.ના પ્રમુખ-મંત્રીએ અકિલાને માહિતી આપી : સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇનો ખાસ સહયોગ

દવાના વેપારીઓને હાલમાં પુરવઠા ખાતા સાથે 'મેચીંગ' નથી આવતુ ?

સામાન્ય રીતે દવાના વેપારમાં મોટેભાગે સરકારી ખાતારૂપે માત્ર રાજ્યનું ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ જ નિયમન અને નિયંત્રણ કરતુ હોય છે. પરંતુ હાલની કોરોના મહામારીમાં માસ્ક અને સેનીટાઈઝરને એસેન્સીયલ કોમોડીટી એકટમાં લાવવામાં આવતા દવાના વેપારમાં પુરવઠા ખાતાની પણ એન્ટ્રી થઈ છે. જેને કારણે માસ્ક અને સેનીટાઈઝર્સના રોજેરોજના સ્ટોકનો રેકર્ડ રાખવા સહિતની કહેવાતી પળોજણ વેપારીઓને વધી હોવાની ચર્ચા છે. જેને કારણે દવાના વેપારીઓને પુરવઠા ખાતા સાથે મેચીંગ ન આવતંુ હોવાનું સંભળાઈ રહ્યુ છે.

માસ્ક, સેનીટાઈઝર્સ, PPE કીટ અને વેન્ટીલેટર્સને GSTમાંથી મુકિતની માંગ

AIOCDના પ્રમુખ જે.એસ. શીંદેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રીશ્રી નિર્મલા સિતારામનને પત્ર પાઠવ્યો

સમગ્ર ભારતમાં ૮.૫૦ લાખ મેમ્બર્સ ધરાવતા ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના પ્રમુખ જે.એસ. શીંદે અને જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રીશ્રી નિર્મલા સિતારામનને એક પત્ર પાઠવી કોરોના (કોવીડ-૧૯) મહામારીમાં અનિવાર્ય જરૂરીયાત ગણાતા માસ્ક, સેનીટાઈઝર્સ, PPE (પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ) કીટ, ટેસ્ટીંગ કીટ, વેન્ટીલેટર્સ જેવી વસ્તુઓને તાત્કાલીક જીએસટીમાંથી મુકિત આપવા માંગ કરી છે.

દવાઓ માટે તુરત જ કુરીયર સર્વિસ શરૂ કરવા રાજ્યોને સૂચના

 કુરીયર સર્વિસના અભાવે લાઇફ સેવિંગ ડ્રગ્સની શોર્ટેજ થઇ શકે

 કેન્દ્ર સરકારની કેમીકલ એન્ડ ફર્ટીલાઇઝર મિનિસ્ટ્રીના ફાર્મા ડીપાર્ટમેન્ટના સેક્રેટરી ડો.પી.ડી. વાઘેલાએ દરેક રાજ્યોને સૂચના આપી છે કે તેઓ દવાઓની સપ્લાઇ માટે કુરીયર સર્વિસ શરૂ કરાવે. કારણ કે કોલ્ડ ચેઇન ડ્રગ (ઈન્સ્યુલીન, વેકસીન), ક્રિટીકલ કેર તથા હાર્ટ માટેની દવાઓ કે જેમાં ચોક્કસ ડીગ્રી સુધી ટેમ્પરેચર જાળવવું પડતું હોય છે તેવી મોટાભાગની લાઇફસેવિંગ ડ્રગ્સ કુરીયર મારફતે જ આવે છે. અમૂક મલ્ટી નેશનલ કંપનીઓ તો માત્ર કુરીયરમાં જ આવી મેડીસીન્સ મોકલે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં રોજ ૧૨૦૦ થી ૧૩૦૦ દવાના પાર્સલ કુરીયર્સ થી આવે છે. ખાસ કરીને દવાના સી એન્ડ એફ થી સ્ટોકીસ્ટસ સુધી માલ પહોંચાડવા પણ કુરીયર સર્વિસ જરૂરી છે.

(4:36 pm IST)