Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો : બપોર સુધીમાં ૧૪૫ લોકોએ લાભ લીધો

રાજકોટ તા. ૬ : સમગ્ર દુનિયામાં કોરોના સામે લડત કરી રહયા છીએ ત્યારે પળે પળની જાણકારી આપતા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા માટે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, ભાજપના સૌરાષ્ટ્ર કચ્છ મીડિયા સેલના કન્વીનર રાજુભાઈ ધ્રુવ, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ ઉપસ્થિત રહયા હતા, તથા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાંથી બહોળી સંખ્યામાં પ્રતિનિધિ ઙ્ગમિત્રો પોતાનું આરોગ્ય તપાસ કરાવવા ઉપસ્થિત રહયા હતા. આ આયોજનમાં મીડિયામાંથી કુલ ૧૪૫ પ્રતિનિધિઓએ પોતાના સ્વાસ્થ્યનું નિદાન કરાવ્યું હતું.

મેયર બિનાબેન આચાર્યએ ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓને આવકારી પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે, અત્યારે આવી પડેલી કોરોના રૂપી મહામારી સામે આપણે સૌ ઝઝૂમી રહયા છીએ ત્યારે સમગ્ર સમાજની સાથે રહી પોતાના જીવના જોખમે લોકોને રોજબરોજના અહેવાલોથી વાકેફ કરી યોધ્ધા જેવી ભૂમિકા ભજવી રહેલા મીડિયા પ્રતિનિધિઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેઓની ફરજ નિષ્ઠા ખરેખર બિરદાવવાને પાત્ર છે.

મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશના લોકો કોરોના સામે લડવા પોતાના ઘરમાં રહેલા છે ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ પોતાના પરિવારથી દુર રહી દિવસરાત જોયા વગર સમાજને લેટેસ્ટ અપડેટ્સ પહોંચાડી રહયા છે તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર જે જવાબદારી નિભાવી રહયા છે તે ખુબ જ પ્રસંસનીય છે,

રાજુભાઈ ધ્રુવે સૌ મીડિયાના પ્રતિનિધિઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મેડીકલ તપાસ કેમ્પ બદલ પદાધિકારીઓ અને કમિશનર તથા આરોગ્ય તપાસ ટીમનો આભાર માન્યો હતો, તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાના પ્રતિનિધિઓ માટે પાઠવેલ સંદેશ રાજુભાઈએ વાંચી સંભળાવ્યો હતો.

૧૫૦ જેટલા મીડિયા પ્રતિનિધિઓના આરોગ્યની તપાસ માટે નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, આર.સી.એચ.ઓ. ડો. ભૂમિબેન કમાણી, ઈ.એમ.ઓ. ડો. જયદીપ જોષી, મેડીકલ ઓફિસરો ડો. મિલન પંડ્યા, ડો. હાર્દિક મેતા, ડો.નિશિતા સોમૈયા, ડો. ચાંદની મીંજરોલા, ડો. તોરલ શાહ, ડો. દેવલ ઓડેદરા, લેબોરેટરી ટેકનીશિયન મધુબેન,  દીપાબેન પરીખ,  હેતલબેન મેંદપરા, અંજનાબેન સોરઠિયા, ફાર્માસીસ્ટ દિવ્યાબેન અગોલા, શ્વેતાબેન રાદડિયા, સ્ટાફ નર્સ મીરાબેન પીઠડીયા, રમાબેન ભટ્ટી, ભાવનાબેન નારીગ્રા, તેજસ્વીનીબેન નોંધણવદરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

(4:32 pm IST)