Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ડર સૌથી ખતરનાક વાયરસઃ ઓશો

મહામારીથી બચવું આસાન છે, તેના ભયથી બચવું મુશ્કેલ : ૧૯૭૦માં હૈઝા મહામારી ફેલાઈ ત્યારે ઓશો સાથે થયેલો વાર્તાલાપ કોરોના મહામારી વખતે ઉપયોગી છેઃ ધૈર્ય રાખો, બધું જ બદલાઈ જશેઃ ડર પેદા કરે તેવા ન્યુઝ-માહિતીથી દૂર રહો...

રાજકોટઃ. કોરોના મહામારી વિશ્વસ્તરે ફેલાઈ છે. ૧૯૭૦ના દાયકામાં હૈઝા નામની મહામારી વિશ્વભરમાં ફેલાઈ હતી. આ સમયે અમેરિકામાં ઓશો રજનીશ સાથે વાર્તાલાપ થયો હતો. મહામારી અંગે ઓશોએ જે સમજાવ્યુ તે કોરોના સમયે પ્રાસંગિક લાગે છે.

ઓશોને કોઈએ પૂછયુ હતુ 'આ મહામારીથી કઈ રીતે બચી શકાય ? ઓશોએ જવાબમાં કહ્યું, આપ પ્રશ્ન ખોટી રીતે પૂછો છો. પ્રશ્ન એવો હોવો જોઈએ કે, મહામારી અંગે મારા મનમાં ડર છે તેનાથી કઈ રીતે બચી શકાય ?

ઓશોએ આગળ જણાવ્યુ હતુ કે, મહામારીથી બચવું આસાન છે, પરંતુ તેના ડરથી બચવુ મુશ્કેલ છે. મહામારી કરતા તેના ડરથી વધારે લોકો જીવ ગુમાવે છે. ડરથી વધારે ખતરનાક વાયરસ અન્ય કોઈ નથી. મહામારી વખતે ભયાવહ માહોલ દેખાય છે તેને વાયરસ સાથે કંઈ લેવા દેવા નથી. વધારે લોકો ડરથી મૃત્યુ પામે છે. આવનારા વર્ષોમાં યુદ્ધ તોપોથી નહિ, જૈવિક હથિયારોથી લડાશે.

ફરીથી કહું છું કે, આવી સમસ્યા મુરખો માટે ડર સાબિત થાય છે, વિદ્વાનો માટે અવસર બને છે. મહામારીમાં ઘેર બેસો - વ્યાયામ - યોગ કરો. પુસ્તકો વાંચો - ચહેરા પર બાળકો જેવી તાજગી લાવો.

ભય અને ભીડનું મનોવિજ્ઞાન બધાની સમજમાં નથી આવતુ. સામાન્ય રીતે દરેક માણસ ડરમાં રસ લે છે. ડરવાની મજા ન આવતી હોત તો ભૂતડા ફિલ્મો શા માટે જુએ છે ?

અખબારો અને ટીવીના માધ્યમથી ભીડને પાગલપન વેચવામાં આવે છે. આપ મહામારીથી ડરવા લાગો તો આપ પણ ભીડનો હિસ્સો જ છો.

ઓશો આગળ કહે છે ન્યૂઝ જોવા - વાંચવાનુ બંધ કરો. એવું કંઈ જ ન જાણો જેનાથી તમારી અંદર ડર જાગે. મહામારી અંગે વાત કરવાનું પણ બંધ કરો.

ડર પણ એક પ્રકારનું આત્મ સંમોહન જ છે. એક જ પ્રકારનો વિચાર વારંવાર થોપ્યે રાખવાથી શરીરની અંદર રાસાયણિક પરિવર્તન થાય છે. આ રાસાયણિક બદલાવ એટલો જોખમી હોય છે કે જીવ પણ લઈ શકે છે.

મહામારી સિવાય પણ દુનિયામાં ઘણુ બધુ છે, અન્ય વિષયો પર ધ્યાન આપો. ધ્યાન સાધનાથી સાધકની ચારેબાજુ સુરક્ષિત ઓરાનું નિર્માણ થાય છે. જેનાથી નકારાત્મક ઉર્જા સાધકની અંદર પ્રવેશી શકતી નથી. ધ્યાનની નાવમાં બેસીને ઝંઝાવાતથી બચી શકાય છે.

શાસ્ત્રોનું અધ્યયન કરો, આહાર પર વિશેષ ધ્યાન આપો, જલ શુદ્ધ પીઓ, સાધુની સંગત કરો, વિદ્વાનો પાસેથી શીખો, સાધના કરો. છેલ્લી વાત ધૈર્ય રાખો. ઝડપથી બધુ બદલી જશે. જ્યાં સુધી મોત ન આવી જાય ત્યાં સુધી ડરવાની જરૂર નથી. ડર એક પ્રકારની મુઢતા છે. વિદ્વાનોમાંથી પ્રેરણા લઈને જીવો, ટોળા જીવે છે તેમ જીવવામાં કોઈ મજા નથી.

('મૈં જીના શીખાતા હું'' પુસ્તકમાંથી)

 

(4:19 pm IST)