Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહાપાલિકા - કલેકટર કચેરી - પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ : કોંગ્રેસ

વેપારીઓને દુકાનો ખોલવા મનપા અપીલ કરે ને પોલીસ બંધ કરાવે : રાજાણી - આસવાણી - પુજારાનો આક્ષેપ

રાજકોટ તા. ૬ : કોરોના વાયરસના સંક્રમણને ટાળવા જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન રાજકોટ શહેરમાં મહાપાલિકા, શહેર પોલીસ અને જિલ્લા કલેકટર તંત્ર વચ્ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે જેનો સીધો ભોગ વેપારીઓ અને જનતા બની રહી છે. તેવો આક્ષેપ વોર્ડ નં. ૩ના કોંગ્રેસી કોર્પોરેટર અતુલ રાજાણી, દિલીપ આસવાણી તથા કોંગી અગ્રણી ગૌરવ પુજારાએ આક્ષેપ કર્યો છે.

આ અંગે રાજાણી, આસવાણી અને પૂજારાએ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે એક તરફ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા અનાજ-કરિયાણાના વેપારીઓને દુકાનો ખોલવા જાહેર અપીલ કરાઇ હતી અને તેમાં જણાવ્યું હતું કે વેપારીઓ દુકાનો ખોલે જેથી જે તે વિસ્તારના રહીશો તેમના વિસ્તારમાંથી જ ખરીદી કરી લે અને દુર બજાર સુધી ન જાય. બીજી બાજુ કમિશનરની અપીલને માન આપીને વેપારીઓ દુકાનો ખુલી રાખે તો સાંજ ઢળતાની સાથે જ પોલીસ બંધ કરાવવા આવે છે અને વેપારીઓ સાથે માથાકૂટ કરે છે! હવે આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર દરમિયાનગીરી કરે અને વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરની જાહેર અપીલ મુજબ દુકાનો ખુલી રાખવાની કે પછી પોલીસની ઈચ્છા મુજબ પોલીસ કહે ત્યારે બંધ કરતી રહેવાની તે અંગે જિલ્લા કલેકટર સ્પષ્ટતા કરે તે જરૂરી છે.

અંતમાં તેમણે જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વેપારીઓને દુકાનો ખોલી પૈસા કમાવવામાં કોઇ રસ નથી, વેપારીઓને પણ તેમના ઘરે પરિવાર સાથે રહીને વડાપ્રધાનએ જાહેર કરેલા લોકડાઉનનું પાલન કરવું છે પરંતુ વેપારીઓ તંત્રની અપીલને માન આપીને જાહેર જનતાની સુવિધા માટે દુકાનો ખોલીને બેઠા છે. હોમ કવોરેન્ટાઇન કરેલા પરિવારો તેમજ અન્ય ગ્રાહકોએ આપેલા ઓર્ડર મુજબનો માલ સવારથી હોમ ડિલિવરી કરવાનો હોય તેથી વેપારીઓ રાત્રે દુકાને બેસી ચીજ વસ્તુઓનું પેકીંગ કરતા હોય ત્યારે જ પોલીસ ત્રાટકે છે અને અપમાનજનક વર્તન કરી દુકાનો બંધ કરાવે છે. આવા સંકટ સમયે તંત્રને મદદરૂપ થતા વેપારીઓની વ્હારે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર આવે તેવી પણ માંગણી રાજાણી, આસવાણી અને પુજારા દ્વારા કરાઇ છે.

(4:10 pm IST)