Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કાલથી પારો ૩૯થી ૪૧ની રેન્જમાં: શનિથી મંગળ ગરમીનો જોરદાર રાઉન્ડઃ અમુક સેન્ટરોમાં ૪૩ને પણ વટાવશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૭ થી ૧૪ એપ્રિલ સુધીની આગાહી : હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી ગણાય. જે આવતા પાંચથી સાત દિવસમાં ૩૯ ડીગ્રીએ પહોંચી જશે

રાજકોટ, તા. ૬ : હાલમાં ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઇકાલે અનેક સેન્ટરોમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી ઉપર જોવા મળ્યો હતો. દરમિયાન આગામી શનિવારથી મંગળવાર સુધી ગરમીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે. અમુક સેન્ટરોમાં તો ગરમીનો પારો ૪૩ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે ગઇકાલે ઇન્ડિયા લેવલે ટોપટેન હોટ સેન્ટરોમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાંથી આઠેક સેન્ટરો હતા. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર ૪૧.૩, અમરેલી ૪૧, ડીસા ૪૧, કેશોદ અને ન્યુ કંડલા ૪૦.૮ તેમજ રાજકોટ અને ગાંધીનગરમાં ૪૦.૮ અને વડોદરામાં ૪૦.૬ ડીગ્રી તાપમાન નોંધાયેલ. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી ગણાય. જે આવતા પાંચથી સાત દિવસમાં ૩૯ ડીગ્રીએ પહોંચી જશે.અશોકભાઇએ તા. ૭ થી ૧૪ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે તા. ૭, ૮, ૯, ના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થશે. તેમ છંતા તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે. (૩૯ થી ૪૧ ડીગ્રીની રેન્જમાં), તા. ૧૦ થી ૧૪ દરમ્યાન મહતમ તાપમાન વધશે. (રેન્જ ૪૧ થી ૪૩ ડીગ્રી) કોઇ-કોઇ સેન્ટરોમાં તો ગરમી ૪૩ ડીગ્રીને પણ વટાવી જશે. મુખ્ય ગરમીનો રાઉન્ડ તા. ૧૧ થી ૧૪ માં જોવા મળશે. તા. ૭ થી ૧૦ સુધી સવારે ભજનું પ્રમાણ પણ વધશે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. તા. ૭ થી ૯ પશ્ચિમી પવન બાદ નોર્થ વેસ્ટ અને ઉત્તરના ફૂંકાશે.પવનની ગતિ ૧૦ થી ૨૦ કિ.મી. અને કયારેક-કયારેક ૨૫ કિ. મી.એ પહોંચી જાય.

(3:39 pm IST)