Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

''પપ્પા આવતા વર્ષે 'કોરોના' આવે ત્યારે મનેય ફટાકડા લઇ દેજો''

કોરોના મહામારી ભગાવવા ઘરે ઘરે દીપ પ્રગટયા બાદ ફટાકડ પણ ફુટતા બાળ સહજ ઉદ્દગારો સરી પડયા...

રાજકોટ તા. ૬ : કોરોનામાંથી મુકત થવા ઇશ્વરીય શકિત પ્રાપ્ત થાય તેવા આશય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અંધારા ઉલેચી દીવડાની દિવ્ય ઝયોત ઘરે ઘરે ઝળહળાવવા અપીલ કરી હતી.

આ અપીલને અનુસરીને જયારે સમગ્ર દેશની જનતા અનુસરી રહી હતી. ત્યારે ઉત્સાહના વધામણા કરવા ઘણા લોકોએ સોશ્યલ ડીસ્ટન્સને અનુસરીને ફટાકડા પણ ફોડયા હતા. રાજકોટમાં પણ ઘણા સ્થળોએ ફટાકડાની આતશબાજી થઇ હતી.

આ દરમિયાન અહીંના ગાંધીગ્રામ, સત્યનારાયણનગર ખાતે રહેતા અને એચ.સી.જી હોસ્પિટલમા ફરજ બજાવતા અમિતભાઇ અગ્રાવતનો ત્રણ, ચાર વર્ષનો મિતાંશ અગાસી પરથી આ બધો નજારો નિહાળતા નિહાળતા બોલી ઉઠયો હતો '' પપ્પા આવતા વર્ષે 'કોરોના' આવે ત્યારે મનેય ફટાકડા લઇ દેજો, હું પણ ફોડીશ''

ભલે આ ઉદ્દગારો બાળ સહજ સ્વભાવે જ નિકળી પડયા હોય, પરંતુ તેની ગંભીરતા ઘણી ઉંડી છે. એ બાળકને કયાં ખબર છે કે કોરોના એ કોઇ ઉત્સવ નહીં પણ ભયાવહ ભયાનકતા છે. વિચાર તો કરો આ કોરોના શબ્દ બાળ માનસ પર પણ સવાર થઇ ચુકયો છે તો તેની છાપ ભુસાતા હજી કેટલો સમય લાગશે?

ભગવાન કરેને સૌ જલ્દી સેઇફ બની જાય અને લોકડાઉન ઝડપથી ઉઠી જાય. પરંતુ આ લોકડાઉન ઉઠી ગયા પછીએ સૌના માનસપટલ પર સવાર થઇ ગયેલા આ 'કોરોના' શબ્દને ભુસાતા લાંબો સમય લાગી જશે.

આંખે દેખ્યો અને કાને સાંભળેલો અહેવાલ

- મિતેષ આહી

(11:52 am IST)