Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

આજથી રાજકોટ શહેર-જીલ્લામાં જેમની પાસે રેશનકાર્ડ નથી નિરાધાર છે એવા ૭પ૦૦ પરિવારના ૩૦ હજાર લાભાર્થીને રાશન અપાશે

રાજકોટ શહેરની ૪૩ દુકાનો ઉપર ગોઠવાતી વ્યવસ્થાઃ ગામડાઓમાં દરેક પ્રાંત હોમ ડિલીવરી કરશે : શહેરમાં પપ૦૦ કુટુંબોના ર૦ હજાર લાભાર્થીઓઃ પૂર્વ વિસ્તારમાં રર દુકાનો ઉપર ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ-દાળની કીટ તૈયાર... : દક્ષિણમાં ૧૩ દુકાનો તો પશ્ચિમમાં ૮ દુકાનો ઉપર સવારથી કાર્યવાહી DSO પૂજા બાવળા સાથે 'અકિલા'ની વાતચીતઃ દરેક દુકાન ઉપર સરકારી સ્ટાફ-પોલીસનો બંદોબસ્ત મૂકાયો : રેશનીંગ કાર્ડ ધારકોને ૮૬% માલ અપાઇ ગયોઃ મે મહીનાની પરમીટ પણ જનરેટ થવા માંડી

રાજકોટ તા. ૬ :.. રાજકોટ શહેર - જીલ્લામાં પોણા ત્રણ લાખથી વધુ લોકોને કે જે લોકો એનએફએસએ યોજનામાં સામેલ છે, તેવા ૮૬ ટકાથી વધુ રેશન કાર્ડ હોલ્ડરોએ ઘઉં-ચોખા-ખાંડ-દાળ-મીઠુ અપાઇ ગયાનું અને હવે જે જૂજ બાકી રહ્યા છે, અને લેવા આવશે તે તમામને પણ આપી દેવાશે તેમ આજે જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પુજા બાવળાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે હાલ એપ્રિલ માસમાં જ પુરવઠો ફ્રી આપવાની સુચના છે, પરંતુ મે મહિનાની પરમીટ જનરેટ થવાનું શરૂ થઇ ગયું છે.

દરમિયાન આજથી જે લોકો પાસે રેશનીંગ કાર્ડ નથી, વૃધ્ધ કે વિધવા કે જે નિરાધાર છે, અથવા તો ઘરનું મકાન નથી, એવા નિરાધાર અત્યંત ગરીબ વર્ગના લોકોનો મામલતદારો દ્વારા સર્વે રીપોર્ટ બાદ અનાજ વિતરણનો સવારથી પ્રારંભ કરી દેવાયો છે.

ડીએસઓ શ્રી પુજા બાવળાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જીલ્લાના કુલ ૭પ૦૦  પરિવારોના ૩૦ હજાર લાભાર્થીઓને વિતરણ આજથી શરૂ કરાયું છે.

જેમાં રાજકોટમાં પપ૦૦ પરિવારના ર૦ હજાર લોકોનો સમાવેશ થાય છે. શહેરમાં ૪૩ રેશનીંગ દુકાનો ઉપર પુરવઠા દૂકાનદારની મદદથી વ્યકિત દીઠ ૩ાા કિલો ઘઉં, ૧ાા કિલો ચોખા, અને પરિવાર દીઠ ૧ કિલો દાળ, ૧ કિલો મીઠુ અપાશે. જયારે ગામડાઓમાં દરેક પ્રાંત દ્વારા આવા પરિવારોને હોમ ડીલીવરી શરૂ કરી દેવાઇ છે.

તેમણે જણાવેલ કે પૂર્વ વિસ્તારમાં રર દુકાનો ઉપર વિતરણ થશે, આ માટે કીટો જ બનાવી લેવાઇ છે, દક્ષિણમાં ૧૩ અને પશ્ચિમમાં ૮ દુકાનો ઉપર વિતરણ થશે, તમામ કાર્યવાહી ર થી ૩ દિવસમાં બોલાવી લેવાશે. દરેક આવા પરીવારને બોલાવી સરકારની સુચના મુજબ ઘઉં-ચોખા-ખાંડ-દાળ-મીઠુ આપી દેવાશે.

(3:38 pm IST)