Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મેં પ્રિન્સને અગિયારસના શુભ ચોઘડીયે મોક્ષ આપ્યો છે, હવે એ સ્વર્ગમાં જશે... પુત્રને પતાવી દેનારી દયાહિન દક્ષાનો બફાટ

મગજની ગાંઠની બીમારીથી પીડાતા ૧૭ વર્ષના દિકરાનો જીવ લેનારી જનેતાને લગીરે અફસોસ નથીઃ રણછોડવાડીની હત્યાની ઘટનાનો બી-ડિવીઝન પોલીસે ભેદ ઉકેલતા ખળભળાટ મચાવતી વિગતો સામે આવી 'હિરાઘસુ અને ક્રાંતિ માનવ આશ્રમના કાર્યકર કિશોરભાઈ પટેલ લાડકવાયાની હત્યાથી હતપ્રભઃ પ્રિન્સની બહેન પણ આઘાતમાં ગરક

હત્યાનો ભોગ બનનાર પ્રિન્સ (ફાઈલ ફોટો) તથા હત્યારણ માતા દક્ષા ડાગરીયા

રાજકોટ, તા. ૬ :. 'સાહેબ મારો દીકરો પ્રિન્સ બિમારીથી ખૂબ પીડાતો હતો, હું જોઈ શકતી નહોતી, મેં એને અગિયારસના દિવસે શુભ ચોઘડીયામાં મોક્ષ આપી દીધો છે, હવે એ સીધો સ્વર્ગમાં જ જશે...' આવો બફાટ એકના એક લાડકવાયા દિકરા પ્રિન્સ (ઉ.વ. ૧૭)ની હત્યા કરનાર રણછોડવાડીની પટેલ મહિલા દક્ષા કિશોરભાઈ ડાંગરીયાએ કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા દક્ષાએ જ્યારે હત્યા કરી ત્યારે શુભ ચોઘડીયુ જ ચાલી રહ્યુ હતુ. સગી જનેતા જ દિકરાની હત્યારણ બન્યાની ઘટનાથી સામાકાંઠે અને પટેલ પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રે લોકઅપમાં ઉંઘી ગયેલી દક્ષાએ સવારે પોલીસને કહ્યુ હતુ કે સાહેબ અહીં મચ્છર કરડે છે, પંખા નીચે લઈ જાવને...! દયાહિન દક્ષાના ચહેરા પર પછતાવાનો જરા પણ અણસાર નથી.

હત્યાની આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનનાર પ્રિન્સ (ઉ.વ. ૧૭)ના પિતા કિશોરભાઈ પોપટભાઈ ડાંગરીયા (પટેલ) (ઉ.વ. ૪૦)ની ફરીયાદ પરથી તેની પત્નિ દક્ષા ડાંગરીયા સામે આઈપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તેની પૂછતાછમાં તેણીએ નિષ્ઠુરતાપૂર્વક દિકરાની હત્યાની કબુલાત આપી હતી. જે સાંભળી સૌ ચોંકી ગયા હતા.

પોલીસે જે વિગતો જાહેર કરી તે આ મુજબ છે. ભોગ બનનાર પ્રિન્સ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો. પિતા કિશોરભાઈ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રણછોડવાડી શેરી નં. ૭મા રહેતા પ્રિન્સ કિશોરભાઈ ડાંગરીયા (ઉ.વ. ૧૭)ને શનિવારે બપોરે બેભાન હાલતમાં સિવીલ હોસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તરૂણને મૃત જાહેર કર્યો હતો. પ્રિન્સની માતા દક્ષાએ પોલીસ સમક્ષ કહ્યુ હતુ કે તેનો બિમાર પુત્ર પ્રિન્સ સેટી પરથી પડી ગયા બાદ બેભાન થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પ્રિન્સનું મોત પડી જવાથી નહીં પરંતુ ગળાટુંપો આપવાથી થયાનું પોસ્ટમોર્ટમમાં ખૂલતા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને દક્ષાની આગવીઢબે પૂછપરછ કરતા પટેલ મહિલા ભાંગી પડી હતી અને તેણે પુત્રની હત્યા કર્યાની કબુલાત આપી હતી. દક્ષાએ કેફીયત આપી હતી કે પ્રિન્સને ત્રણેક વર્ષથી મગજમાં ગાંઠ થઈ હતી અને રાજકોટ તથા અમદાવાદના તબીબની સારવાર ચાલતી હતી. એક ઓપરેશન પણ કરાવ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી પ્રિન્સને જોવામાં અને સાંભળવામાં પણ તકલીફ થવા લાગી હતી અને તે પથારીવશ થઈ ગયો હતો. પોતે પુત્રની સેવા કરતી હતી, પરંતુ પુત્રની પીડા અને સારવાર તેનાથી સહન નહી થતા પુત્રની હત્યા કરવાનો વિચાર આવ્યો હતો. શનિવારે સવારે પતિ કિશોરભાઈ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટમાં સેવાના કામે ગયા હતા ત્યારે ઘરમાં પોતે તથા પ્રિન્સ બે જ હતા. પ્રિન્સને સેટી પરથી નીચે લાદીમાં સુવડાવ્યો હતો અને દુપટ્ટાને ગોળગોળ ફેરવી મજબૂત રસ્સી બનાવી હતી. રસ્સીનો એક છેડો સિલાઈ મશીન સાથે બાંધ્યો હતો અને રસ્સી પ્રિન્સના ગળા ફરતે વિંટાળી બીજો છેડો ખેંચતા જ પ્રિન્સના નાક અને મોઢામાંથી લોહી નિકળી ગયુ હતુ. પુત્રની હત્યા કર્યા બાદ પતિ કિશોરભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને પુત્ર સેટી પરથી પડી ગયાની ખોટી સ્ટોરી કહી હતી. પુત્રની પીડા સહન નહી થતા તેમજ પોતે પુત્રની સેવા કરીને કંટાળી ગઈ હોય, ખતરનાક વિચાર આવ્યો હતો અને શનિવારે અગિયારસ હોય શુભ ચોઘડીયે પુત્રને મોક્ષ મળે તે માટે હત્યા કરી નાખી હતી.

આ મામલે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવીમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.જે. ફર્નાન્ડીસ, એએસઆઈ કયાબેન ચોટાલીયા, મીતલબેન ઝાલા, હેડ કોન્સ. વિરમભાઈ ધગલ, ચંદ્રસિંહ ઝાલા, જનકસિંહ ગોહીલ, મહેશભાઈ તથા મહિલા કોન્સ. શબાનાબેન સહિતે દક્ષા કિશોરભાઈ ડાંગરીયાની ધરપકડ કરી હતી અને તેને આજે બે દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

 

(1:08 pm IST)
  • દરેડના ૧૪ મહિના બાળકના માતા-પિતા અને જામનગર તથા પોરબંદરના મળીને ૧૯ સેમ્પલના કોરોના રીપોર્ટ નેગેટીવ : જામનગરઃ ગઈકાલે જામનગર જિલ્લાના દરેડ જિલ્લામાં ૧૪ મહિનાના બાળકને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમના માતા-પિતાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. આ બન્નેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ ઉપરાંત જામનગર શહેરના ૧૪ અને પોરબંદરના ૫ મળીને ૧૯ સેમ્પલોનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે access_time 5:00 pm IST

  • આરોગ્ય મંત્રાલય પ્રમાણે આજે સાંજે 6-45 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 4,554 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને દેશમાં અત્યાર સુધીમાં 342 દર્દીઓ સ્વસ્થ થયા અને 125 લોકોનાં મોત નીપજ્યાં છે. access_time 8:00 pm IST

  • જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફોટોગ્રાફરો-કેમેરામેનોને નહિ પ્રવેશવા કલેકટરની તાકિદ : કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા અને એકબીજાને ચેપ ન લાગે તે માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં તમામ પ્રેસ ફોટોગ્રાફરો અને કેમેરામેનોને નહિ પ્રવેશવા દેવા કલેકટરનો આદેશઃ દર્દીઓની તથા અન્ય વિગતો તંત્ર આપશે access_time 5:00 pm IST