Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

ગરમી કે દિન આતે હૈ, પ્રત્યાશી કો બહુત સતાતે હૈ, કર્હાં પ્રચારમેં જાયે હમ, તેજ ધૂપ મેં નિકલે દમ

'સૂર્ય'ની આચાર સંહિતા! બપોર વચ્ચે પ્રચાર ઠપ્પ

૧૨ થી ૫ વચ્ચે પરા વિસ્તારો સુમસામઃ રાજમાર્ગો પર પાંખી અવર જવર

રાજકોટ, તા. ૬ :. ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં એક તરફ લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલુ મહિનામાં જ છે. બીજી તરફ આભમાંથી આકરો તાપ વરસી રહ્યો છે. ઉમેદવારો માટે ચૂંટણીની આચારસંહિતાના પાલનમાં કયાંક છટકબારી મળી રહે છે પરંતુ સૂર્યની આચારસંહિતા ચૂસ્ત રીતે લાગી ગઈ છે. ઉનાળાની બરાબર જમાવટ થઈ જતા બપોર વચ્ચે જાહેર પ્રચાર કાર્ય ઠપ્પ જેવુ થઈ જાય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે એપ્રિલ ઉતરાર્ધથી આકરો તાપ પડતો હોય છે પરંતુ આ વખતે માર્ચ ઉતરાર્ધ અને એપ્રિલના પ્રારંભમાં જ મોસમે મિજાજ બરાબર બતાવ્યો છે. હાલના દિવસોમાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા તેની સીધી અસર જનજીવન પર પડી છે. પરા વિસ્તારોમાં બપોર વચ્ચે સ્વયંભુ કરફયુ જેવુ વાતાવરણ હોય છે. રાજમાર્ગો પર પણ વાહનો અને લોકોની અવરજવર ઘણી ઓછી દેખાય છે.

રાજ્યમાં ૨૩ એપ્રિલે મતદાન છે. ગઈકાલે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પુરી થતા પ્રચાર જોરશોરથી આરંભવાની ઉમેદવારો અને પક્ષોની તૈયારી છે પરંતુ તેમા કુદરતી વાતાવરણ વિઘ્નરૂપ બન્યુ છે. બપોરે ૧૨ થી ૫ સુધી સખત તડકો હોય છે તેથી તે સમયમાં કોઈ સોસાયટીમાં કે માર્ગ પર ઉમેદવારો જાહેર પ્રચારમાં જઈ શકતા નથી. આ સમયગાળો ટેલીફોનીક કામગીરી અને ટાઢે છાંયે બેઠકો કરીને વિતાવવો પડે છે. ચૂંટણી આડે હવે માંડ એક પખવાડીયુ બાકી રહ્યુ છે. તડકાનો સમય પ્રચારમાં અવરોધક છે. ચૂંટણી પંચની આચારસંહિતાના કારણે રાત્રે ૧૦ વાગ્યા પછી જાહેર પ્રચાર થઈ શકતો નથી. પ્રચારના દિવસોની રોજની બપોર વચ્ચેની કિંમતી ચાર-પાંચ કલાક તડકાને કારણે નકામી જાય છે. બપોરના સમયમાં સ્ટાર પ્રચારકોની જાહેરસભામાં મેદની એકત્ર કરવી પણ મુશ્કેલ છે. જેમ દિવસો જાય છે તેમ ગરમી વધવાની સંભાવનાને કારણે ઉમેદવારો અને કાર્યકરોની મુંઝવણ વધી છે. તડકો ઉપરાંત શાળા કક્ષાની પરીક્ષાની મોસમ પણ ચૂંટણી પ્રચારમાં અસરકર્તા છે.

(11:44 am IST)