Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે એક્શન મોડમાં રહેશે ૧૦૮ ઈમરજન્સી સેવા

૪૨ જેટલી એમ્બ્યુલન્સ સાથે ૨૨૦ જેટલા તૈનાત રહેનાર આરોગ્યકર્મીઓએ સ્થળ પર જ ધુળેટીનાં પર્વની કરી ઉજવણી

રાજકોટ તા. ૦૬ માર્ચ - ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ઈમરજન્સી સેવા ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી અવિરત દોડી રહી છે.

પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ લોકોને સલામત અને સુરક્ષિત હોળી ધુળેટીના પર્વની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, હોળીનો તહેવાર એટલે રંગ અને ઉલ્લાસનો તહેવાર. આ તહેવાર પણ ક્યારેક અનેક લોકો માટે પીડાદાયક બની જાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં હોળીના દિવસે ૭% જેટલો ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. તેમજ ધુળેટીમાં ૧૮% જેટલો વધારો નોંધાય છે. હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અક્સ્માત થવાની ઈમરજન્સી, મારામારી થવાની ઈમરજન્સી, પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી, પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે ૧૦૮ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરશે. ૧૦૮ ઈમરજન્સી સેવાની ૪૨ જેટલી એમ્બ્યુલન્સ તેના ૨૨૦ જેટલા આરોગ્યકર્મીઓ પોતાના કાર્ય સ્થળ પર રહી લોકોના જીવ બચાવવા માટે તૈયાર અને તૈનાત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હશે ત્યારે ફરજ ઉપર તૈનાત રહેનાર આરોગ્યકર્મીઓએ પોતાના કાર્ય સ્થળ ઉપર રહીને જ કાર્યરત રહેવાના હોવાથી ૧૦૮ ઈમરજન્સી સેવાના આરોગ્યકર્મીઓએ તહેવાર પહેલા જ પોતાના કાર્ય સ્થળ પર જ એકબીજાને રંગ લગાવી ધુળેટીનાં પાવન પર્વની ઉજવણી કરી લોકોનો જીવ બચાવવા સંકલ્પ કર્યો હતો.

(1:00 am IST)