Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પિસ્‍તોલ અને ૧૧ કાર્ટીઝ સાથે પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૪: રાજકોટ શહેરના જામનગર રોડ પર સંજયનગર વિસ્‍તારમાં રહેતો આરોપી ઇમરાન ઉર્ફે ઇમુ હબીબભાઇ સાંધને આર્મ્‍સ એકટના ગુન્‍હામાં રહે.સંજયનગર, જામનગર રોડ, રાજકોટ વાળાને જામનગર છોડવા રાજકોટ સેશન્‍સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે તા.૨૨-૨-૨૦૨૩ના કલાક ૧૭.૦૦ વાગ્‍યે રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. તથા તેઓના સ્‍ટાફ પેટ્રોલીંગમાં જામનગર રોડ, બજરંગવાડી વિસ્‍તારમાં ફરતા હતા ત્‍યારે તેઓને ખાનગી રાહે હકીકત મળેલ કે જામનગર રોડ, સંજયનગરમાં રહેતો આરોપી ઇમરાન પાસે ગેરકાયદેસર હથિયાર છે અને તે તેના ઘર પાસે હાજર છે. જેથી ચોકકસ બાતમીના આધારે એ.એસ.આઇ. તથા તેઓનો સ્‍ટાફ સાંજે ૧૮:૧૫ કલાકે બે પંચોની હાજરીમાં ઉપરોકત આરોપીને તુરંત જ કોર્ડન કરી પોલીસ તથા પંચોની ઓળખ આપી ગેરકાયદેસર હથિયાર તથા ૧૧-કાર્ટીઝ જેની કિંમત રૂા.૧૧,૧૦૦/ હોય તે કબજે કરી આરોપીની અટક કરી તેઓને તુરંત જ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન ખાતે લઇ લઇ તેના વિરૂધ્‍ધ આર્મ્‍સ એકટની કલમ-૨૫ (૧-બી)(એ) મુજબ ગુન્‍હો નોંધી કોર્ટમાં રજુ કરી આરોપીના ૩- દિવસના રીમાન્‍ડની માંગણી કરી હતી અને નામદાર કોર્ટને ૧-દિવસની રીમાન્‍ડ મંજુર કરેલ હતી. ત્‍યારબાદ આ આરોપીએ પોતાના એડવોકેટ વૈભવ બી. કુંડલીયા મારફત રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ઉપરોકત ગુન્‍હામાં રેગ્‍યુલર જામીન અરજી કરી હતી. જેથી આરોપીના એડવોકેટ દલીલો તથા સરકારી વકિલશ્રીની દલીલોને ગ્રાહય રાખીને સેશન્‍સ કોર્ટએ આરોપીને રૂા.૧૫૦૦૦/ના રેગ્‍યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

 આ કામમાં અરજદાર/આરોપી વતી રાજકોટના એડવોકેટ વૈભવ બી.કુંડલીયા તથા ગૌરાંગ પી.ગોકાણી રોકાયેલ હતા.

(4:50 pm IST)