Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભાણવડના આંબરડી ગામના ખુનકેસમાં પકડાયેલ આરોપીને શંકાનો લાભ

રાજકોટ,તા. ૬ : ભાણવડ તાલુકાના આંબરડી ગામે થયેલ ચકચારી ખુન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ખંભાળીયાના ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી પી.એસ.કાલાએ ફરમાવી આરોપીને ‘શંકાનો લાભ' આપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બનાવની ફરિયાદ મુજબ ફરિયાદીના પતિ રાણાભાઇ સાદીયાને ભાણવડ તાલુકાના આંબરડી ગામે આજથી બે વર્ષ પહેલા આરોપી નં.૧ મહેશ મનસુખભાઇ સાદીયાએ પોતાના ઘરે બોલાવી અને તેણે ગળામાં પહેરેલ કિંમતી સોનાનો ચેન લુટ કરવાના ઇરાદે પીતળના કળશીયાના ઘા મારી હત્‍યા નીપજાવેલ અને લાશને સેટી નીચે છુપાવી અને ચેનને ફાયનાન્‍સ કંપનીમાં કંપનીમાં ગીરો મૂકી રૂપિયા મેળવી અને પ્રસંગમાં જતો રહેલ અને ત્‍યારબાદ ઘરે આવી પોતાના મોટા ભાઇ આરોપી નં. ૨ વાળા હિતેષ મનસુખભાઇ સાદીયાને સાથે રાખી લાશને ગોદઠામાં વીંટી અને હોન્‍ડામાં બંનેએ સાથે જઇ અને ગામની દૂર આવેલ અવાવરૂ કુવામાં આ લાશને ફેંકી દીધેલ હતી. બે દિવસ સુધી મરણજનાર ગુમ હોય જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા મરણજનારને છેલ્લે મહેશ સાથે બે વ્‍યકિતએ જોયેલ હોવાનું જાણવા મળતા તે દિશામાં તપાસ કરતા આરોપી સુધી પહોંચી અને લાશ મળી જતા ગુન્‍હો દાખલ કરેલ, અને બંને આરોપીઓ ઉપર આઇપીસી ૩૦૨, ૩૯૪, ૨૦૧, ૧૨૦બી, ૧૧૪ મુજબ આરોપ મુકી અને ચાર્જશીટ પોલીસ દ્વારા મહે. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટ સમક્ષ મુકવામાં આવેલ હતું.

આ કામે સરકાર પક્ષ આરોપી નં. ૨ વિરૂધ્‍ધ પુરતા પુરાવા રજુ રાખી શકેલ નથી આરોપી વિરૂધ્‍ધ કોઇ મજબુત પુરાવો નથી, આરોપી નં. ૨ વાળા વિરૂધ્‍ધ માત્ર અને માત્ર આરોપી નં. ૧ વાળાની કબુલાતના આધારે જ ગુન્‍હો દાખલ થયેલ છે તેનો આ હત્‍યામાં કોઇ રોલ હોય તેવો એક પણ સાહેદ નથી કે એક પણ પુરાવો નથી, જેથી આરોપી નં. ૨ વાળાને નિદોર્ષ છોડી મુકવા રજુઆત કરેલ હતી, આમ આરોપીના વકીલની દલીલો તેમજ સાક્ષીઓની ઉલટ તપાસમાં આવેલ તફાવતોને ધ્‍યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને ‘શંકાનો લાભ' આપી છોડી મુકવા મહત્‍વપૂર્ણ ચુકાદો જાહેર કરેલ હતો.

આ કામમાં અરજદાર તરફે વકીલ શ્રી સંજય જે. જોષી તથા ત્રિશાલા જોષી તથા લીગલ આસીસ્‍ટન્‍ટ તરીકે રૂષિ જોષી તથા યશ પાણ રોકાયેલ હતા.

(4:42 pm IST)