Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

લોકોને જેવું સંગીત પીરસશો તેવું સાંભળશેઃ મોહમ્‍મદ સલામત

આજનું સંગીત પણ લોકોમાં ટેસ્‍ટ મુજબનું બને છેઃ મોહમ્‍મદ સલામત : રાજકોટની ઓડિયન્‍સ સંગીત પ્રિય અને સંગીતની જાણકાર છેઃ મનિષા કરંદીકર : ઓડિયન્‍સ સારી હોય તો કલાકારોનાં પર્ફોમન્‍સમાં ફેર પડે છેઃ નિરૂપમા ડે : સ્‍પર્ધા કરવી હોય તો સારા કલાકાર સાથે કામ કરવું જોઈએઃ દેવયાની બેન્‍દ્રે

રાજકોટ,તા.૬: રંગીલા રાજકોટની રવિવારની સાંજે જાણે સંગીતપ્રેમીઓ માટે સ્‍વરોત્‍સવની સાંજ બની ગઈ. મુંબઈથી આવેલા જાણીતા પ્‍લેબેક સીંગર અને ‘હમ દિલ દે ચૂકે સનમ' ટાઈટલ ગીતનાં ગાયક મોહમ્‍મદ સલામતે એક પછી એક ગીતોથી સંગીત ભર્યો માહોલ સર્જી દીધો. લોકોએ ફરમાઈશોનો ઢગલો કર્યો અને ગાયકોને તેમને વધાવી તેમની ફરમાઈશ પુરી કરી. રાતનાં ૨ વાગે પણ લોકો તેમની ખુરશી પરથી હલવા તૈયાર નહોતા. હજી શ્રોતાઓની તરસ છીપાઈ નહોતી. ધૂળેટી પહેલાની સાંજ રાજકોટવાસીઓ માટે સ્‍વરોથી રંગાઈ ગઈ. મોહમ્‍મદ સલામતની સાથે ગાયિકા દેવયાની બેન્‍દ્રે, નિરૂપમા ડે, સલિમ મલિક અને મનિષા કરંદીકરે પણ જમાવટ કરી. તાલતરંગ ગ્રુપનાં ભારતીબેન નાયક દ્વારા આયોજીત ‘ગોલ્‍ડન મેલોડીઝ'ની આ સાંજ ખરેખર યાદગાર બની ગઈ.

આ તમામ કલાકારો આજે અકિલાનાં આંગણે મહેમાન બન્‍યા હતા અને દિલ ખોલીને વાતો કરી હતી. પ્રખ્‍યાત ગાયક મહોમ્‍મદ સલામતે જણાવ્‍યું હતું કે, મારી સંગીતની કારકિર્દીની શરૂઆત દિલીપ કુમાર અને શાયરા બાનું દ્વારા હોમ પ્રોડકશન સીરિયલ ‘ઈસ દુનિયા કે સીતારે' (૧૯૯૭)માં આવેલી તેમાં અનીલ કપુર માટે મારી પાસે ગીત ગવરાવ્‍યું હતું. એ પછી વર્ષ ૨૦૦૪માં ‘કભી ફિલ્‍મ કભી લાઈફ' કે જે કલાકારોમાં જીવન વિશે ધારાવાહિક બની હતી. તેમાં ગાયું હતું. એ સમયે મોગલે આઝમ કલરમાં આવેલી હતી. એ પછી મને લક્ષ્મીકાંત પ્‍યારેલાલનો ખુબ સપોર્ટ મળ્‍યો. તેમનાં મ્‍યુઝિક ડિરેકશનમાં ગાવાની તક મળી. તેમની પણ એક સીરિયલ હતી ‘ખ્‍વાજા ગરીબ નવાઝ' જે બનવાની હતી. જેમાં ૮૦ ગીતો લેવાનાં હતાં. જેમાંથી ૪૦ ગીતો તેઓ મારી પાસે ગવરાવવાનાં હતા. જેમાંથી ૨ ગીતોનું રેકોર્ડિંગ પણ થઈ ગયું હતું. સંજોગોવસાત એ સીરિયલ પ્રસારીત થઈ નહીં. આ સીરીયલમાં પ્રાણ, વહિદા રહેમાન વગેરે અભિનય કરવાનાં હતાં. એ પછી મોન્‍ટી શર્મા સાથે પ્‍યારેલાલજી મુલાકાત કરાવી. એ બાદ તેઓ મને ઈસ્‍માઈલ દરબાર અને સંજયલીલા ભણસાલી પાસે લઈ ગયા. ફિલ્‍મ બની રહી હતી. ‘હમ દિલ દે ચૂકે સનમ'. જેમાં ટાઈટલ સોંગ મને ગાવાની તક મળી આજે ૨૩ વર્ષે પણ એ ગીત ચાલી રહ્યું છે.

મોહમ્‍મદ સલામત કહે છે કે, એ પછી તો સંગીતનો સીલસીલો ચાલવા લાગ્‍યો અમિતાભ બચ્‍ચન, શાહરૂખ ખાન વગેરે સાથે વર્લ્‍ડ ટુર કરી અનેક શો પણ કર્યા. એ વખતે  ‘કહોના પ્‍યારે હૈ' ફિલ્‍મ હિટ થઈ હતી. ત્‍યારે રોશનજી સાથે કોલકતામાં શો કર્યો જયાં ૧૮૦૦૦૦ ઓડિયન્‍સની સામે મેં પર્ફોમ કર્યું હતું. આ શોનું ઓપનીંગ મારા ગીત દ્વારા થયું હતું. હમ દિલ દે ચૂકે સનમ પછી મારી બીજી હિટ ફિલ્‍મ આવી ‘દેવદાસ', કિષ્‍ના, શક્‍તિ, બાઝ, હથિયાર, ૧૯૩૧ શહિદ, ઝીંદાદીલ, મેરે બ્રધર કરી દુલ્‍હન, મેં કિષ્‍ના હું, ૩૧ ઓકટોબર વગેરે ૨૫ થી ૩૦ હિન્‍દી ફિલ્‍મોમાં ગાયું છે. જયારે ટીપ્‍સ, ટીસીરીઝ વગેરે માટે અનેક આલ્‍બમમાં હજારો ગીતો ગાયા છે અને દેશ- વિદેશમાં અનેક શો પણ કર્યા છે.

મોહમ્‍મદ સલામતે આશા ભોંસલે અલ્‍કા યાજ્ઞિક, કવિતા કૃષ્‍ણમુર્તિ, જસમીન્‍દર નરૂલા, કુમાર શાનુ, સાધના સરગમ વગેરે સાથે અનેક લાઈવ શો કર્યા છે. તાજેતરમાં જ કેનેડામાં લક્ષ્મીકાંત પ્‍યારેલાલ નાઈટમાં સુદેશ ભોંસલે, અમિત કુમાર, સાધના સરગમ, ઝીન્‍નત અમાન, રતી અગ્નિહોત્રી, પદ્મીની કોલ્‍હાપુરે વગેરે સાથે સુપર ડુપર હીટ લાઈવ શો કર્યો. જયારે આગામી એપ્રીલમાં પણ આજ લક્ષ્મીકાંત- પ્‍યારેલાલ નાઈટનો ઓસ્‍ટ્રેલિયા ન્‍યુઝીલેન્‍ડમાં યોજાવાનો છે.

આજનાં યુવાનોને ધ્‍યાનમાં રાખી મહોમ્‍મદ સલામતે કહ્યું કે આજની જનરેશનને ફટાફટ બધું જોઈએ છે. આજનો જમાનો ભાગમભાગનો છે. એટલે આજનું સંગીત પણ લોકોનાં ટેસ્‍ટ મુજબ બને છે. આપણે લોકોને જે ટેસ્‍ટ આપશું તેવું તે સાંભળશે. પહેલાની સરખામણીમાં આજનાં ગીતો પણ સારા બને છે. આજનાં સમય મુજબ સંગીત આવે છે. તેમાંય આજની જનરેશન માટે સંગીતમાં આગળ વધવા ખુબ સારી સગવડો છે. અમારા સમયે આવું ન હોતું. આજે સારો રિયાજ કરે, સારૂં સંગીત સાંભળે તે સોશ્‍યલ મીડિયા થકી જલ્‍દીથી લોકો સુધી પહોંચી શકે છે. આજે મીડિયાથી લોકોને ફાયદો થાય છે. આજની  યુવા પેઢી માટે રીયાલિટી શો પણ સારા છે. જેનાથી તેને ગ્‍લેમર મળે છે. પછી તો દરેકનું કામ બોલે છે. આજે સોશ્‍યલ મીડિયા થકી હિટ થવું ખુબ સરળ બની ગયું છે.

મોહમ્‍મદ સલામતનું કહેવું હતું કે, ભારતીય શાષાી સંગીત શ્રેષ્‍ઠ છે. આજે ગીતોમાં રાગોની અસર ઓછી જોવા મળે છે. મારૂં માનવું છે કે, લોકોને જેવું સંગીત પીરસશો તેવું સાંભળશે. હવે ફરી ૯૦નો દાયકો આવી રહ્યો છે. ટુંક સમયમાં મારા ગીતો આવવાના છે જે તમને ફરી ૯૦નાં  દશકમાં લઈ જશે.

જયારે રાજકોટમાં પોતાની  ગાયિકીથી ઓડિયન્‍સની વાહવાહી લુંટનાર પ્‍લેબેક સંગીર નિરૂપમા ડે એ જણાવ્‍યું હતું કે  રાજકોટની ઓડિયન્‍સ ખુબ સારી છે. અહિં આવી ખુબ સારૂં આપવાની, ગાવાની ઈચ્‍છા થઈ. સારી ઓડિયન્‍સ હોય તો કલાકારોનાં પર્ફોમન્‍સમાં પણ ફેરી પડી જાય છે. નિરૂપમા ડે કહે છે. મારા નાનપણથી જ ઘરમાં સંગીતનો માહોલ હતો. મારા ગુરૂ ભજન ચક્રવર્તી પાસે હું શાષાીય સંગીત શીખી એ પછી વર્ષ ૨૦૦૭માં સારેગામાપા માં પણ ભાગ લીધો હતો. મે આજ સુધી અનેક રેકોર્ડિગ કર્યા છે. અનેક સોલો શો પણ કર્યા છે. ઉપરાંત કનસેપ્‍ટ શો પણ ઘણાં કર્યાં છે. રાજકોટમાં મોહમ્‍મદ સલામતજી સાથે ગાવાનો અનુભવ પણ ખુબ જ યાદગાર રહ્યો. તેમાંય ફરમાઈશી રાઉન્‍ડ અને એક એકથી ચઢિયાતા ગીતોમાં ઓડિયન્‍સનો સપોર્ટ એટલો સુંદર રહ્યો કે એક કલાકાર તરીકે પર્ફોમ કરવાની મજા આવી ગઈ.

જયારે ગાયિકા દેવાયાની બેન્‍દ્રેએ જણાવ્‍યું હતું કે, મોહમ્‍મદ સલામતજી દિલથી ગાય છે. તેઓ ખાનદાની પ્રશિક્ષીત ગાયક છે. તેમનાં લોહીમાં સંગીત વહે છે. હું ક્રિએટીવીટીમાં માનું છું. એટલે સ્‍ટેજ પર ક્રિએટીવી દર્શાવવી જરૂરી છે. બાકી લોકો રેડિયોમાં પણ ગીતો સાંભળે છે.

આ તકે એન્‍કર અને સીંગર મનિષા કરંદીકરે જણાવ્‍યું હતું કે, મને ગાયનની સાથે એન્‍કરીંગ કરવું પણ એટલુ જ લોકોને જેવું સંગીત પીરસશો તેવું સાંભળશેઃ મોહમ્‍મદ સલામત ગમે છે. તાલ તરંગનાં આ શોનો મને પહેલો અનુભવ છે કે, લોકોએ ફરમાઈશી રાઉન્‍ડમાં જમાવટ કરી દીધી. રાત્રે લોકોને શો પૂર્ણ થયો તેવું એનાઉન્‍સ કરવું પડયું હતું. મોહમ્‍મદ સલામત સાથેનો આ કાર્યક્રમ યાદગાર રહ્યો. તેઓ ખુબ સારા ગાયકની સાથે ખુબ સારા વ્‍યકિત પણ છે. એક કલાકારને બીજા કલાકાર માટે જે ભાવ હોવો જઈએ તે તેમનામાં જોવા મળે છે. મનિષાજીએ વધુમાં કહ્યું કે, રાજકોટની ઓડિયન્‍સ સંગીતપ્રિય છે અને સંગીતની જાણકાર છે.

રવિવારની સાંજે આયોજીત તાલતરંગ ગ્રુપનાં ભારતીબેન નાયક પ્રસ્‍તુત ‘ગોલ્‍ડન મેલોડીઝ' પ્રોગ્રામમાં લેડીઝ ઓરકેસ્‍ટ્રાએ પણ રમઝટ બોલાવી હતી. કિબોર્ડ પર ઉમા દેવરાજ, સેકસોફોન પર ફેની ભાવસાર, તબલાં પર દેવયાની મોહિલે, ઢોલક પર નિશા મોકાલ, રીધમમાં ભકિત કાપડિયાએ જમાવટ કરી હતી.

અકિલાનાં આંગણે આવેલા કલાકારો મોહમ્‍મદ સલામત, દેવયાની બેન્‍દ્રે, નિરૂપમા ડે, મનિષા કરંદીકર અને રીધમ આર્ટીસ્‍ટ શેખર સરકરેએ રાજકોટનાં કાર્યક્રમ વિશે પોતાનો આનંદ વ્‍યકત કર્યો હતો. આ તકે તાલ તરંગ ગ્રુપનાં ભારતીબેન નાયક પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

તાલ તરંગ ગ્રુપ દ્વારા આયોજીત ‘ગોલ્‍ડન મેલોડીઝ' શિર્ષક હેઠળ બોલીવુડ પ્‍લેબેક સીંગર મોહમ્‍મદ સલામત દ્વારા એક એકથી ચઢિયાતા ગીતોની જમાવટ કરવામાં આવી હતી. સાથે સલીમ મલિક, નિરૂપમા ડે, દેવયાની બેન્‍દ્રે, મનિષા કરંદીકરે પણ જમાવટ કરી હતી. લેડીઝ ઓરકેસ્‍ટ્રાએ ચાર ચાંદ લગાવ્‍યા હતા. તસવીરમાં અકિલાના મોભિ શ્રી કિરીટભાઈ ગણાત્રા, પુરૂષોત્તમભાઈ પીપળિયા, રાકેશભાઈ પોપટ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સરગમ કલબના ગુણુભાઈ ડેલાવાળા, ભારતીબેન નાયક, ઘનશ્‍યામ રાવલ, પરાગ દેવાણી વગેરે નજરે પડે છે.

તાલતરંગ ગ્રુપ આયોજીત ‘ગોલ્‍ડન મેલોડીઝ' કાર્યક્રમના કલાકારો આજે અકિલાના મહેમાન બન્‍યા હતા. તસ્‍વીરમાં અકિલાનાં મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રખ્‍યાત પ્‍લેબેક સીંગર મોહમ્‍મદમ સલામત, નિરૂપમા ડે, મનિષા કરંદીકર, દેવયાની બેન્‍દ્રે તેમજ તાલ તરંગ ગ્રુપનાં ભારતીબેન નાયક, શેખર સરકરે અને રાકેશભાઈ પોપટ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૩૦.૯)

રફિ સાહેબની મઝાર સામે આવેલ સ્‍ટુડિયોમાં હમ દિલ દે ચૂકે સનમનું રેકોર્ડિંગ થયું અને...

મોહમ્‍મદ સલામતે તેમનાં જીવનમાં બનેલ યાદગાર પ્રસંગને  યાદ કરતાં જણાવ્‍યું હતું કે જયારે હમ દિલ દે ચૂકે સનમનું ટાઈટલ ગીત પહેલીવાર ગોલ્‍ડન ચેરીયટ ટીસીરીઝનાં સ્‍ટુડિયોમાં રેકોર્ડિંગ થયું. હવે કંઈપણ ટેકનીકલ ખરાબીને લીધે તે રેકોર્ડિંગમાંથી મારો અવાજ ઉડી ગયો. ઈસ્‍માલ દરબારે તે ગીત ફરી રેકોર્ડ કરવા મને બોલાવ્‍યો ત્‍યારે હું જેમને મારા ગુરૂ, મારા સર્વસ્‍વ માનું છું એવા મોહમ્‍મદ રફી સાહેબની જયાં મઝાર આવેલી છે. તેમની સામે આવેલ સ્‍ટુડિયોમાં રેકોર્ડિંગ હતું અને એ દિવસે શુક્રવાર હતો. હું રફિસાહેબની મઝાર પર ગયો અને દુઆ કરી રેકોર્ડિંગમાં ગયો અને હમ દિલ દે ચૂકે સનમનું તે હિટ ગીત રેકોર્ડ કર્યું. આજે ખરેખર તે હિટ સાબીત થયું. આજે પણ તેને લોકો યાદ કરી ગાય છે અને ફરમાઈશ પણ કરે છે.

આશાજી પાસેથી અમે સંગીત શિખ્‍યાઃ શેખર સરકરે

તાલ- તરંગ ગ્રુપ દ્વારા આયોજીત ગોલ્‍ડન મેલોડીઝ પ્રોગ્રામમાં પકર્યુસન એટલકે રીધમ આર્ટીસ્‍ટ તરીકે ખુબજ અનુભવી મુંબઈમાં શેખર સરકરે આવ્‍યા હતા. તેઓ ૪૦ વર્ષથી સંગીત ક્ષેત્રે છે. ૨૦ વર્ષનાં હતા ત્‍યારથી રીધમ વગાડે છે. તેમનાં મોટાભાઈ વિલાસ સાવંતજી પણ રીધમ આર્ટીસ્‍ટ હતા. શેખરજીએ બપ્‍પી લેહરી, આનંદ મિલિન્‍દની ફિલ્‍મોમાં રીધમ વગાડી છે. જાવેદ અલી સાથે તેમજ ઈન્‍ડિયન આઈડલમાં પણ વગાડયું છે. ૧૯૯૦ સુધી તેઓ એકોસ્‍ટીક વગાડતાં ત્‍યાર બાદ ઈલેકટ્રીક રીધમ પર પણ જોરદાર પકકડ ધરાવે છે. શેખરજીએ લતાજી સાથે લાઈવ શો ‘મેરી આવાઝ સુનો'માં પર્ફોમ કર્યુ છે. એ ઉપરાંત  આશા ભોંસલે સાથે ૧૦ વર્ષ કામ કર્યું છે. તેઓ કહે છે આશાજી પાસેથી અમે સંગીત શિખ્‍યા એમ કહી શકાય છે. આ ઉપરાંત અનુરાધા પોંડવાલ, સુરેશ વાડકર, અભિજીત ભટ્ટાચાર્ય વગેરે સાથે દેશ- વિદેશમાં પ્રોગ્રામ કર્યા છે. એટલું જ નહિં શેખર સરકરેએ તેમનાં પાર્ટનર રવિ ખરાત સાથે એક સિન્‍ધી ફિલ્‍મમાં સંગીત પણ આપ્‍યું છે. હાલ તેઓ અનેક લાઈવ શો તેમજ રેકોર્ડિંગમાં વ્‍યસ્‍ત રહે છે.(૩૦.૧૦)

રાજકોટને હજુ ઘણું  આપવું છેઃ ભારતીબેન નાયક

ઓલ બોલીવુડ ઈવેન્‍ટસ ‘તાલ-તરંગ' ગ્રુપ દ્વારા આયોજીત મોહમ્‍મદ સલામતની સુપર ડુપર હિટ પ્રોગ્રામ ઉપરાંત અન્‍વેષા, સારિકા સિંઘ, સુદેશ ભોંસલે, સંજીવની ભેંલાદેના પણ અદ્દભુત કાર્યક્રમ ઉપરાતં એક ચેરીટી શો સાથી હાથ બઢાનાં જેવા લાજવાબ શો રાજકોટને આપનાર ભારતીબેન નાયકે જણાવ્‍યું હતું કે, રાજકોટની કલાપ્રેમી જનતાને હું હૃદયપૂર્વક આભાર વ્‍યકત કરૂં છું. આ ઉપરાતં આવા કાર્યક્રમ આપવા તેઓ ઈચ્‍છે છે તાલતરંગમાં ઘણા સભ્‍યો બન્‍યા છે અને ઘણા સભ્‍યો હજી બને તેવી અપેક્ષા છે કારણ રાજકોટને સંગીતમાં હજુ ઘણું આપવું છે. આ ઉપરાંત અમે સેલેબ્રીટી મેનેજમેન્‍ટ મુંબઈ અરેન્‍જ ઓલ બોલીવુડ સેલીબ્રીટી, પ્‍લેબેક ગાયકો, બોલીવુડ ફિલ્‍મ સ્‍ટાર ઉપરાંત વેડીંગ શો કોર્પોરેટ શો, એવોર્ડ ફંકશન, ફંડ રાઈઝીંગ શો તેમજ તમામ પ્રકારનાં સંગીતનાં શો તેઓ  સુપેરે આયોજન કરે છે. તેમજ લગ્ન હોયની તમામ ઈવેન્‍ટ સંગીત સંધ્‍યાનું આયોજન પણ ભારતીબેન ઓલ બોલીવુડ ઈન્‍વેન્‍ટમાં નેજા હેઠળ કરે છે. આ ઉપરાંત તેઓએ ભારત ઉપરાંત વિદેશોમાં પણ અનેક હિટ શો કર્યા છે. આવા શો ઓર્ગેનાઈઝ કરવા અને વધુ વિગત માટે મો.૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(4:26 pm IST)