Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રામચરિત માનસ મંદિરે બુધવારે ફુલડોલ ઉત્‍સવ

અબીલ ગુલાલનો ઉપયોગ નહિ થાય,પુષ્‍પોની પાંદડીઓનો વરસાદ થશેઃ પુ.જયરામદાસજીબાપુ આશીર્વચન પાઠવશેઃ મહાપ્રસાદ

 

રાજકોટઃ શહેરની ભાગોળે મોરબીરોડ પર રતનપર ખાતે સુપ્રસિદ્ધ દર્શનીય યાત્રાધામ શ્રીરામચરિતમાનસ મંદિરનું મહાતીર્થ સમું આ વિશાળ મંદિર પરમેશ્વરના ઘરેણા સમુ છે. એવોઅહોભાવ સદગુરુશ્રી રણછોડદાસજીબાપુએ વરદાનભીની ભુમિ માટે વ્‍યકત કર્યો છે. એવા રામચરિતમાનસમંદિરમાં બુધવાર તા.૮ને ધૂળેટીના અવસરે અલૌકિક મધુમય ભકિતભીના ફુલડોલ ઉત્‍સવનું આયોજન થયુ છે.

પૂ.શ્રી રણછોડદાસજીબાપુ તથા મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ.શ્રી હરિચરણદાસજી બાપુના શુભાશિષથી આયોજિત આ પાવન મહોત્‍સવમાં રાજકોટ ગીતા વિદ્યાલયથી ૧૪ કિમી.ની પદયાત્રા કરીને આવેલા પદયાત્રીઓએ  લાવેલ ૧૦૮ મંગલકર્તા ધજાઓ સદગુરૂ અને જગદગુરુના સંગમરૂપ રણછોડદાસજીબાપુના મંદિરે ચડાવવામાં આવશે. આ પ્રસંગે દેવભુમિ દ્વારકા અને દિવ્‍યભુમિ ડાકોરના ફુલડોલ મંગલોત્‍સવની ઝાંખી સાથે અલૌકિક દર્શનનું સુરમ્‍ય વાતાવરણ સર્જાશે.

આ ઉત્‍સવમાં પ્રાર્થનાસત્‍સંગખંડમાં સવારે ૧૦.૩૦ કલાકે ધર્મસભા યોજાશે. જેના પ્રમુખસ્‍થાને પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના ઉતરાધિકારી અને રામજી મંદિર ગોંડલના અધ્‍યક્ષ પૂ.શ્રી જયરામદાસજીબાપુ આશીર્વચન પાઠવશે. મુખ્‍ય મહેમાનપદે સદવિદ્યાધામ ગુરુકુળ વિરપુરના શાષાી નિર્મળદાસજી સ્‍વામી, કથાકારશ્રી અશોકભાઇ ભટ્ટ, મીરાબેન ભટ્ટ, ગાયત્રીમંદિર વાકાંનેરના અધ્‍યક્ષ શ્રી અશ્વિનભાઇ રાવલ અને અતિથિવિશેષ તરીકે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ, દિપકભાઇ રાજાણી ઉપસ્‍થિત રહેશે

સંતો અને મહેમાનોના ઉદબોધન બાદ શ્‍લોકોના મંત્રોચ્‍ચાર સાથે શ્રીરામચંદ્રજી તથા બાલકૃષ્‍ણલાલની પુજા-મહાઆરતી થશે. સંતોના હસ્‍તે પુષ્‍પ પાંખડીઓના છંટકાવ થશે. હજારો ભાવિકોની હાજરીમાં ભકિતભાવપૂર્વક ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે. બપોરે ૧૨ કલાકે રામમંદિરના વિશાળ પટાંગણના સર્વે ભાવિકો માટે શુદ્ધ ઘીમાંથી નિર્મિત ભોજન મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સ્‍વ.જયંતિલાલ નાથાલાલ લાખાણી તથા અન્‍ય દાતાઓ તરફથી સહયોગ મળેલ હોવાનું જણાવાયુ છે.

અત્રેએ ઉલ્લેખનીય છેકે રામમંદિરે ફુલડોલ ઉત્‍સવમાં બપોરે ૧૨થી રાત્રે ૯ સુધી ભાવિકો માટે સતત રસોડુ કાર્યરત હોય છે.

તસ્‍વીરમાં રામમંદિરના કારોબારી સભ્‍યો અજયભાઇ સંઘાણી, પ્રવિણસિંહ ઝાલા, ડો.કૃષ્‍ણકુમાર મહેતા, સંદીપભાઇ લાખાણી, કેતનભાઇ મસરાણી, આશીષભાઇ નથવાણી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)