Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રામેશ્વર પાર્કમાં ઘર પાસે ઝાડના પાંદડા બાબતે બે પાડોશી પરિવાર વચ્‍ચે ધબધબાટી : સામસામી ફરિયાદ

પીયુશ ટાંક, બ્રિજેશ ટાંક, ગીરીશ ટાંક સામાપક્ષે લક્ષ્ય ગૌસ્‍વામી, કીશોર ગૌસ્‍વામી અને ગીતાબેન સામે ગુનો

રાજકોટ,તા. ૬ : રેલનગર મેઇન રોડ પર આવેલ રામેશ્વર પાર્કમાં ઘર પાસે ઝાડના પાંદડા બાબતે પાડોશી પરિવાર વચ્‍ચે મારામારી થતા સામસામી ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામેશ્વર પાર્ક -૧ -અ, માં રહેતા પીયુષભાઇ ગીરીશભાઇ ટાંક (ઉવ.૩૨) એ પ્ર.નગર પોલીસ મથકમાં પાડોશી કિશોર દેવગરભાઇ ગૌસ્‍વામી, તેની પત્‍ની ગીતા ગૌસ્‍વામી અને પુત્ર લક્ષ્ય ગૌસ્‍વામી સામે ફરિયાદ નોંધાવી છે. પીયુષભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે રેલનગરમાં ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે. ગઇ કાલે પોતે તથા પિતા અને નાનો ભાઇ ઘરે હતા ત્‍યારે ઘરની બાજુમાં રહેતા ગીતાબેન ગૌસ્‍વમી ઘર પાસે આવેલ અને કહેલ કે ત્‍યાં ઝાડવું ઉભુ છે તેના પાંદડા ખરે છે જેથી કાપી નાખવું છે' તેમ કહેતા પોતાના પિતા ગિરીશભાઇ અને નાનોભાઇ બ્રીજેશ ઘરની બહાર નીકળ્‍યા અને ઝાડ ન કયાય, તેમ કહેતા ગીતાબેનનો પુત્ર લક્ષ્ય ગૌસ્‍વામીએ આવી પિતાને ગાળો આપી ઝપાઝપી કરી પછાડી દીધેલ અને પોતે ત્‍યાં જતા લક્ષ્યએ ફોન કરી તેના પિતા અને માતાને બોલાવતા બંને ત્‍યાં આવી ગયા હતા. અને લક્ષ્ય એ લાકડાનો ધોકો અને માતા ગીતાબેને વાઇપર લઇને પોતાના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં નાનાભાઇ બ્રીજેશને ડાબા હાથે અને કમ્‍મરના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્‍યારે સામાપક્ષે પાડોશી કિશોરભાઇ દેવગરભાઇ ગૌસ્‍વામી (ઉવ.૫૮)એ ઘર પાસે રહેતા ગીરીશભાઇ ટાંક, પુત્ર બ્રીજેશ ટાંક અને પીયુષ ટાંક સામે ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે કોટન સેમ્‍પલને વેપાર કરે છે. ગઇ કાલે પોતે પત્‍ની ગીતાબેન અને પુત્ર લક્ષ્ય ઘરે હતા. તે વખતે પાડોશી પીયુષ ટાંક ઘરે આવેલ અને કહેલ કે બહાર આવો તો' તેમ કહેતા પોતે અને પુત્ર લક્ષ્ય બહાર આવતા થોડીવાર પહેલા ઝાડના પાંદડા બાબતે થયેલી બોલાચાલનો ખાર રાખી ઝઘો કરવા લાગ્‍યા હતા. અને લોખંડનો પાઇપ, લાકડાના પાટીયા વડે હુમલો કર્યો હતો. અને પત્‍ની ગીતાબેન બહાર નીકળતા સીમેન્‍ટના બ્‍લોકનો ઘા કરતા તેને છાતીના ભાગે લાગેલ બાદ સામસામે ઝપાઝપી થતા પુત્ર લક્ષ્યને માથાના ભાગે, પત્‍નીને ડાબા હાથ અને છાતીના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા શેરીના પાડોશી આવી જતા બધાને છોડાવ્‍યા હતા. બાદ ત્રણેયે ધમકી આપી હતી. બાદ ૧૦૮ મારફતે પોતાને અને પુત્રને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પ્રનગર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. જે.જી.તેરૈયાએ તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)