Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સિંધી કોલોનીના સમીરભાઇ તન્‍ના પર રાત્રે હુમલોઃ ઘરેથી નીકળી રેસકોર્ષ પાસે ઘેનના ટીકડા પીધા

કાર લે વેંચનું કામ કરતાં આધેડના પત્‍નિના ત્રણ શખ્‍સો વિરૂધ્‍ધ વ્‍યાજખોરીના આક્ષેપઃ ભાનમાં આવ્‍યે પોલીસ કાર્યવાહી કરશેઃ મારકુટ થતી હોય તેવા સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા

રાજકોટ તા. ૬: જંકશન પ્‍લોટમાં ઝુલેલાલ મંદિર પાસે સિંધી કોલોનીમાં રહેતાં અને કાર લે-વેંચનો ધંધો કરતાં યુવાનને રાતે ઘર સાથે જ આવેલી ઓફિસમાં ઘુસી ત્રણેક શખ્‍સોએ મારકુટ કરતાં આ યુવાને ઘરેથી નીકળી ગયા બાદ રેસકોર્ષની ફૂટપાથ પર ઘેનના ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

 

પ્રારંભે અજાણ્‍યા તરીકે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલા આધેડની બાદમાં ઓળખ થઇ હતી. તેણે રાતે બારેક વાગ્‍યે રેસકોર્ષની ફૂટપાથ પર ઉંઘના ટીકડા પી લીધાનું જણાવાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી. એ પછી તેના પરિવારજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતાં. આ આધેડનું નામ સમીરભાઇ નટવરલાલ તન્‍ના (ઉ.વ.૪૨) હોવાનું અને તે જંકશન પ્‍લોટ સિંધી કોલોની ઝુલેલાલ મંદિર પાસે રહેતાં હોવાનું ખુલ્‍યું હતું.

રાતે તે બરાબર ભાનમાં ન હોઇ પોલીસે તેમના ધર્મપત્‍નિ ધર્મિષ્‍ઠાબેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવી નિવેદન નોંધવા તજવીજ કરી હતી. ભરતભાઇ ભાનમાં આવ્‍યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

સવારે હોસ્‍પિટલ ખાતેથી ધર્મિષ્‍ઠાબેને કહ્યું હતું કે મારા પતિ કાર લે વેંચનો આઠેક વર્ષથી ધંધો કરે છે. અમારી પંદર વર્ષની દિકરીને મગજની તકલીફ થઇ ગઇ હોઇ તેની સારવારમાં મોટી રકમ ખર્ચાઇ જતાં અમે વ્‍યાજમાં આવી ગયા હતાં. પતિએ ઉદભાઇ, દિગુભાઇ અને જયદિપભાઇ પાસેથી કાર ગિરવે મુકી નાણા લીધા હતાં. આઠથી નવ લાખ જેવી રકમ અમે લીધી હતી. તેમજ ડેઇલી ડાયરીથી પણ રકમ લીધી હતી જેના રોજ પાંચ હજાર ભરવાના હતાં. અમે બે કાર ઉપલેટામાં વેંચવા મુકી હોઇ તે વેંચીને આ રકમ ચુકવવાની હતી. પણ રાત્રીના ત્રણેય શખ્‍સોએ અમારી ઘરે આવી ઘર સાથે જ નીચે અમારે ઓફિસ છે ત્‍યાં મારા પતિને મારકુટ ચાલુ કરી હતી અને ઉપલેટાથી કાર લાવીને આપી દેવા કહ્યું હતું.

મારકુટ વખતે મારા પતિ ગમે તેમ કરીને બચીને બહાર જતાં રહ્યા હતાં. અમે તેની શોધખોળ ચાલુ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. બાદમાં મોડેથી મારા પતિએ રેસકોર્ષની ફૂટપાથ પર દવા પી લીધાની ખબર પડી હતી. તેણે પોલીસને જાણ કરીને ઘેનના ટીકડા પી લીધા હતાં.  લાખોના વ્‍યાજ મામલે આ માથાકુટ થયાનું તેણીએ કહ્યું હતું. સમીરભાઇ સંપુર્ણ ભાનમાં આવ્‍યે પોલીસ આગળની કાર્યવાહી કરશે. મારકુટ થતી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ ધર્મિષ્‍ઠાબેને રજૂ કર્યા હતાં.

(3:52 pm IST)