Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સામાન્‍ય માણસને મુખ્‍ય પ્રવાહમાં સામેલ કરવાનું નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્‍ન રાજકોટ પોલીસે ચરિતાર્થ કર્યું : ભુપેન્‍દ્રભાઇ પટેલ

વ્‍યાજખોરો સામેની ઝુંબેશ અંતર્ગત આર્થિક સહાય માટે લોન મેળાનું આયોજન કરી પોલીસે સામાજિક દાયિત્‍વ નિભાવ્‍યું છે : ૧૨૮૨ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૩.૫ કરોડની રકમની લોનનું વિતરણ કરાયું : લોન વિતરણ મેળાથી સામાન્‍ય માણસમાં પોલીસની છાપ વધુ ઉજળી બની છે અને પ્રજા પોલીસને પોતાનો મિત્ર માનતી થઈ છેઃ મુખ્‍યમંત્રીશ્રીએ ‘ટીમ રાજુ ભાર્ગવ'ના ભરપુર વખાણ કર્યા

પોલીસ હેડ કવાર્ટર ખાતે ગઇકાલે જરૂરીયાતમંદોને વ્‍યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવાની રાજય સરકારની ઝુંબેશ અંતર્ગત યોજાયેલા લોન મેળામાં ૧૨૮૨ લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ વર્ષ દરમિયાન ચોરાયેલા અને પોલીસે રીકવર કરેલા મોબાઇલ પણ ફરીયાદીઓને પરત કરાયા હતા. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૬ :  મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં આજે રાજકોટ ખાતે વ્‍યાજના વિષચક્રમાંથી મુક્‍ત કરાયેલા નાગરિકોને સહાયરૂપ થવા શહેર પોલીસ વિભાગ દ્વારા લોન વિતરણ મેળો યોજાયો હતો, જે અંતર્ગત મુખ્‍યમંત્રીશ્રીના વરદહસ્‍તે ૧૨૮૨ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૩.૫ કરોડની રકમની લોનનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે રાજયના સામાન્‍ય નાગરિકોને વ્‍યાજના વિષચક્રમાંથી બહાર કાઢવા અને જરૂરતમંદ નાગરિકોને જરૂરી આર્થિક સહાય મળી રહે તે માટે ઝુંબેશ સ્‍વરૂપે લોન મેળાનું આયોજન કરી સામાજિક દાયિત્‍વ નિભાવ્‍યું છે, જે બદલ સમગ્ર પોલીસ વિભાગ અભિનંદનના અધિકારી છે. સામાન્‍ય માણસ પોતાના ધંધા-રોજગારના વિકાસ, બાળકોના શિક્ષણ કે પરિવારજનોની માંદગી જેવા કારણોસર ઉદભવતી નાણાકીય જરૂરિયાત માટે થઈ વ્‍યાજે પૈસા લે છે. નાના માણસો  વ્‍યાજબી દરોએ લોન મેળવવા અંગે જરૂરી સિક્‍યુરિટી ન હોવાથી કે પ્રક્રિયાની જાણકારી ન હોવાથી વ્‍યાજખોરો પાસેથી ઊંચા દરોએ રૂપિયા વ્‍યાજે  મેળવવા મજબૂર થાય છે અને વ્‍યાજખોરીના ચુંગાલમાં ફસાય છે જેને ધ્‍યાને લઇ પોલીસ વિભાગ દ્વારા વ્‍યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોને વ્‍યાજખોરોના આતંકમાંથી મુક્‍ત કરાવવા સાથે તેમને લોન સ્‍વરૂપે જરૂરી નાણાકીય સહાય મળી રહે તે માટે સામાજિક દાયિત્‍વ નિભાવવાની ઉત્તમ ભાવના સાથે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

 વિકાસની રાજનીતિમાં સૌને સાથે રાખી સૌનો વિકાસ કરવાની વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિભાવના સ્‍પષ્ટ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિકાસની રાજનીતિમાં જનસંવેદનાને સાંકળીને સામાન્‍ય માણસ આર્થિક શોષણનો ભોગ ન બને અને આર્થિક રીતે  સુરક્ષિત બને તેનું ધ્‍યાન વડાપ્રધાનશ્રીએ રાખ્‍યુ છે ત્‍યારે આ ઝુંબેશ અંતર્ગત સુંદર કામગીરી કરીને રાજકોટ પોલીસે વડાપ્રધાનશ્રીના સામાન્‍ય માણસને વિકાસના મુખ્‍ય પ્રવાહમાં સામેલ કરવાના સ્‍વપ્‍નને ચરિતાર્થ કર્યું છે. દરેક વર્ગનો માનવી આર્થિક પ્રગતિ સાધી શકે તે માટે વિવિધ સ્‍તરોએ સરકારે વિવિધ તકો ઉપલબ્‍ધ કરાવી છે તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ  આ સંદર્ભમાં  સરકારે અમલી બનાવેલી  વિવિધ લોકકલ્‍યાણલક્ષી યોજનાઓ વિશે વાત કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈએ પોલીસ કર્મચારીઓની કાર્યદક્ષતાની સરાહના કરતા જણાવ્‍યું હતું કે વ્‍યાજખોરી સામેની ઝુંબેશ અને આજે યોજાયેલા લોન વિતરણ મેળાથી સામાન્‍ય માણસમાં પોલીસની છાપ વધુ ઉજળી બની છે, અને સામાન્‍ય પ્રજા પોલીસને પોતાનો મિત્ર માનતી થઈ છે.

પી એમ. સ્‍વનિધિ યોજના સંદર્ભે મુખ્‍યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની સામાન્‍ય નાગરિકો પ્રત્‍યેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે નાના માણસો માટે કોરોના કાળમાં સરકારે કોઈ પણ ગેરંટી વગરની લોન આપીને દેશના આર્થિક વિકાસની ગતિ જાળવી રાખી છે. વેપાર, સ્‍વરોજગાર માટે નાણાની તંગી અનુભવતા લોકોને પી.એમ.સ્‍વનિધિ યોજના થકી મોટી રાહત મળી છે, તેમ સ્‍પષ્ટપણે જણાવતા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે આ યોજનાનો લાભ લઇ વિકાસની રાહમાં અગ્રેસર થવા રાજયના નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રી તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે લોન મેળાના ૧૦ લાભાર્થીઓને ગોલ્‍ડ, હાઉસિંગ, પી.એમ.સ્‍વનિધિ, મુદ્રા,એગ્રીકલ્‍ચર, પર્સનલ વગેરે લોનનું પ્રતીક વિતરણ કરવામાં આવ્‍યું હતું. સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને તેમણે ગુમાવેલ રોકડ રકમ તથા મોબાઈલ ગુમાવનાર નાગરિકોને તેમના મોબાઈલ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પરત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સભાસ્‍થળે ઉપસ્‍થિત લોનમેળાના લાભાર્થીઓ સાથે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈએ સંવેદનાસભર સંવાદ સાધ્‍યો હતો.

રાજકોટના પ્રભારી મંત્રી અને રાજયના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે કાયદો વ્‍યવસ્‍થા જાળવનારી પોલીસ લોકોની આર્થિક તકલીફોમાં પણ મિત્ર બની તેમની ચિંતા દૂર કરવા આગળ આવી છે તે આનંદ અને ગૌરવની બાબત છે. વ્‍યાજખોરોના ત્રાસ થકી નાના અને મધ્‍યમ વર્ગના લોકોએ ખૂબ સહન કરવું પડ્‍યું છે ત્‍યારે વ્‍યાજંકવાદથી ત્રસ્‍ત લોકોને રૂબરૂ મળી, સાંભળી લોકોની તકલીફોનો અંત લાવવા રાજકોટ પોલીસ દ્વારા ઉત્‍કૃષ્ટ કામગીરી હાથ ધરી શ્નઉંડજીહ્વક્રદ્ગટ મિત્ર-પોલીસ' સૂત્ર સાર્થક કરવામાં આવ્‍યું છે. મંત્રીશ્રીએ લાભાર્થીઓને પોતાને મળેલ લોનનો સદુપયોગ કરી આર્થિક રીતે આત્‍મનિર્ભર બનવાની અભ્‍યર્થના વ્‍યક્‍ત કરી હતી. આ અગાઉ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીનું ઉપસ્‍થિત મહાનુભાવોએ પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સ્‍વાગત પ્રવચનમાં વ્‍યાજંકવાદમાં ફસાયેલા નાગરિકોને આ વિષચક્રમાંથી બહાર કાઢવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની રૂપરેખા આપી હતી. આ અંગેની ડોક્‍યુમેન્‍ટ્રી ફિલ્‍મ પણ આ પ્રસંગે રજૂ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સંસદસભ્‍ય શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડ અને શ્રી રમેશભાઈ ટીલાળા, મેયરશ્રી પ્રદીપ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી,  રેન્‍જ આઈ. જી. શ્રી અશોકકુમાર યાદવ, જેલ અધિક્ષક સુશ્રી બન્નો જોશી, એ.સી.પી સૌરભ તોલંબીયા,  ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણીશ્રી જૈમિન ઠાકર,  શ્રી કમલેશ મીરાણી શ્રી દેવાંગ માંકડ, શ્રી રાજુ ધ્રુવ, સૌરાષ્ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી નલિન ઝવેરી, પૂર્વ ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ તથા મોટી સંખ્‍યામાં શહેરી નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

વ્‍યકતવ્‍ય દરમિયાન માઇક બગડયુ છતાં ધૈર્યવાન મુખ્‍યમંત્રીશ્રીએ ગજબનો સંયમ જાળવી રાખ્‍યો

રાજકોટ, તા., ૬: લોનમેળા દરમિયાન મુખ્‍યમંત્રીશ્રીના વકતવ્‍ય પહેલા મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે વકતવ્‍ય આપ્‍યું હતું. સ્‍ટેજ પરથી ઉદઘોષકે પણ કાર્યક્રમનું સંચાલન સુપેરે કર્યુ હતું. આ દરમિયાન માઇકની કલીયરીટી ખુબ જ સારી રહી હતી. પરંતુ જેવું મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે વકતવ્‍ય આપવાનું શરૂ કર્યુ કે તુરંત જ માઇકમાં સતત તરતરાટી શરૂ થઇ ગઇ હતી. ખાસ્‍સી મિનીટો સુધી આ ડીર્સ્‍ટબન્‍સ ચાલુ રહયું હતું. છતાં પણ સાલસ અને સરળ સ્‍વભાવના મુખ્‍યમંત્રીશ્રીએ આ બાબતને ખુબ જ હળવાશથી લેતા જણાવ્‍યું હતું કે, ‘માણસો પણ બગડી જાય છે, ત્‍યારે આ તો મશીન છે.' તેમના આ અભિગમને ઉપસ્‍થિત સૌએ ભારોભાર વખાણ્‍યો હતો. ભુતકાળમાં વીઆઇપીઓના કાર્યક્રમોમાં જયારે-જયારે આવી તકલીફો ઉભી થઇ છે ત્‍યારે તંત્રને ઠપકાના શબ્‍દો સાંભળવા મળ્‍યા હોય ત્‍યારે પ્રથમ વખત ભુપેન્‍દ્રભાઇ પટેલે આ તકલીફને સાવ હળવાશથી લેતા તંત્રનો જીવ હેઠો બેઠો હતો.

સૌથી વધુ ૧ર૪૬ લાભાર્થીઓને ‘મોદી લોન' (પીએમ સ્‍વનીધી યોજના)માંથી લોન ફાળવાઇ

આ લોન હવે ‘મોદી લોન' તરીકે જાણીતી બની છેઃ સમયસર લોનની ચુકવણી કરશો તો બીજી વખત આ યોજના

હેઠળ ડબલ રકમની લોન ફાળવાશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ

રાજકોટ, તા., ૬: ગઇકાલે યોજાયેલા લોનમેળામાં ૧ર૮ર લાભાર્થીઓને ૩,૪પ,ર૯,૦૦૦ રકમના ચેકો ફાળવવામાં આવ્‍યા હતા. ગોલ્‍ડ લોન, હાઉસીંગ લોન, મુદ્રા લોન, પર્સનલ લોન, એગ્રીકલ્‍ચર લોન અને પીએમ સ્‍વનીધી યોજનાના જુદા જુદા હેડ હેઠળ બેન્‍કો અને સરકારી બેન્‍કીંગ સંસ્‍થાઓ દ્વારા લોન ફાળવણી કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે પોતાના વકતવ્‍યમાં જણાવ્‍યું હતું કે, નાના માણસો માટે કોરોના કાળમાં સરકારે કોઇ પણ ગેરંટી વગરની લોન આપીને દેશના આર્થીક વિકાસની ગતી જાળવી રાખી છે. વેપાર, સ્‍વરોજગાર માટે નાણાની તંગી અનુભવતા લોકોને પીએમ સ્‍વનીધી યોજના થકી મોટી રાહત મળી છે. માટે આ લોન હવે ‘મોદી લોન' તરીકે પણ વધુ  પ્રચલીત બની છે. લાભાર્થીઓ પાસેથી કોઇ પણ પ્રકારના મોર્ગેજ કે ગેરંટી વગર ૧૦,૦૦૦ થી પ૦,૦૦૦ સુધીની લોન ફાળવવામાં આવે છે. લાભાર્થીઓ નિયમાનુસાર આ લોનનું ચુકવણું કરશે તો તેમને આગલી લોનથી ડબલ રકમની લોન ફાળવવામાં આવશે.

(3:36 pm IST)