Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

૧૧મીએ શ્રી શ્રી રવિશંકરજી રાજકોટમાં

સવારે ૧૦.૩૦ થી ૧ અને સાંજે ૪ થી ૬.૩૦ બે સેશનમાં કાર્યક્રમ : શિવજીએ પાર્વતીજીને શીખવેલા ૧૧૨ સૂત્રો અંગે શ્રી શ્રી ચર્ચા કરશે : એલિગન્‍સ પાર્ટી પ્‍લોટમાં વિજ્ઞાન ભૈરવનું દિવ્‍ય આયોજન

પત્રકાર પરિષદની તસવીરમાં આર્ટ ઓફ લીવિંગના દીપક પંજાબી, ડો. કિંજલ ભટ્ટ, નીલેશભાઇ ચંદારાણા, ભરતભાઇ ગણાત્રા, વી.વી.દુધાત્રા, ભૂપેન્‍દ્રસિંહ વાઘેલા, કુશલ મહેતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થાની સ્‍થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત આગામી ૧૧મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ રાજકોટ  ચેપ્‍ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્‍યમાં વિજ્ઞાન ભૈરવનુ આયોજન થવા જઈ રહ્યુ છે.

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રાજકોટમાં ૧૧ માર્ચના વિજ્ઞાન ભૈરવનું આયોજન કરવામાં આવી રહયુ છે. શ્રી શ્રી રવિશંકરજી રાજકોટમાં છઠ્ઠી વખત પધારી રહ્યા છે.  વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્‍ટેટ ટીચર કોર્ડિનેટર દીપક ભાઈ પંજાબી  જણાવ્‍યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રાજકોટના આંગણે તેમના સાનિધ્‍યમાં ૧૧મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ધી એલિગન્‍સ પાર્ટી પ્‍લોટ, અવધ રોડ, રાજકોટ ખાતે   યોજાનાર આ કાર્યક્રમમાં સ્‍વયં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા ૧૧૨ સૂત્રો દ્વારા મેડિટેશન ટેકનિક આધારિત એમના દ્વારા  શીખવવાના અને જ્ઞાન વાણીનો લાભ આપશે. આ કાર્યક્રમ સવારે ૧૦.૩૦ થી ૧ અને બપોરે ૪ થી ૬.૩૦ વાગે એમ બે સેશનમાં યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્‍ટર તરફથી એપેક્ષ મેમ્‍બર ડો. કિંજલ ભટ્ટ અને બ્રહ્મચારી કેતન સ્‍વામીએ  જણાવ્‍યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયાના ૧૮૦ દેશોમાં ફેલાયેલી સંસ્‍થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્‍યાત આધ્‍યાત્‍મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્‍થાનાં પ્રણેતા છે. ત્‍યારે આ સંસ્‍થાની સ્‍થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થતાં વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિજ્ઞાન ભૈરવ  અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્‍ટરના નીલેશભાઈ ચંદારાણા, ભરતભાઈ ગણાત્રા, ડો.વી.વી.દૂધાત્રા જેઓ હેડ ઓફ ડીપાર્ટમેન્‍ટ  છે તેઓએ વિજ્ઞાન ભૈરવ તંત્રઃ અંગે જણાવેલ કે વિજ્ઞાન ભૈરવએ ધ્‍યાનનું સાધન છે.

વિજ્ઞાન ભૈરવ તંત્રએ એક પ્રાચીન ભારતીય ગ્રંથ છે જે આવશ્‍યકપણે વિવિધ તક્‍નીકોનું વર્ણન કરે છે જે તમને સમય અને અવકાશની બહાર જવા અને ધારણા દ્વારા સમાધિની સ્‍થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વિજ્ઞાનનો સાદો અર્થ એ થાય છે જે વસ્‍તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેના જવાબો આપે છે. વિજ્ઞાન માત્ર તર્ક પર આધારિત નથી, પરંતુ પ્રયોગો અને પ્રયોગમૂલક પુરાવા પર આધારિત છે. ભૈરવ અહીં શાશ્વત સર્વવ્‍યાપી પરમ ચેતના માટે વપરાય છે જે બ્રહ્માંડની દરેક વસ્‍તુ બનાવે છે. તે એ છે જે આપણુ સર્જન કરે છે અને છતાં તે આપણી ધારણાની સીમાની બહાર છે. ભૈરવ એ ચેતના છે જે અજ્ઞાનનો નાશ કરે છે. જયારે તમે સાર્વત્રિક ચેતના સાથે એક છો, સંપૂર્ણ શરણાગતિની સ્‍થિતિમાં, ત્‍યારે તમે ભૈરવ બનો છો. જાગૃતિની તે ઉચ્‍ચ અવસ્‍થામાં, તમે જ્ઞાન માટે અત્‍યંત ગ્રહણશીલ બનો છો.

તંત્રનો અર્થ થાય છે ટેકનિક. યંત્ર અને મંત્ર પણ શરીરની ચેતનાને પાર કરવામાં અને આપણને પરમ ચેતનાના સંપર્કમાં આવવા માટે લાયક બનાવવામાં મદદરૂપ છે. યંત્રો એ ભૌતિક ઉર્જા આકૃતિઓ છે જે ચેતનાના વિવિધ ગુણોને અનુરૂપ છે અને મંત્ર એ ધ્‍વનિ સ્‍પંદનો માટે વપરાય છે જે આપણને સ્‍વની જગ્‍યામાં ઉન્નત કરી શકે છે. તંત્ર એ વિશેષ અને ચોક્કસ પરિણામ મેળવવા માટે શારીરિક આકૃતિઓ અથવા મુદ્રાઓને ઘણીવાર અવાજ સાથે જોડવાનું કૌશલ્‍ય છે.

વિજ્ઞાન ભૈરવ તંત્રમાં આવી ૧૧૨ અનુભવ-આધારિત ટકનીકોનો સમાવેશ થાય છે જે ગુરૂના માર્ગદર્શન અને કૃપા હેઠળ ઊંડા ધ્‍યાનની સ્‍થિતિના પ્રવેશદ્વાર તરીકે કામ કરી શકે છે. તમે તેમના વિશે પ્રાચીન ગ્રંથોમાં વાંચી શકો છો પરંતુ આવા ઊંડા અને સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાની ક્ષમતા સંપૂર્ણ શરણાગતિની સ્‍થિતિમાં અને ગુરુ અને ગુરૂતત્‍વ પરની શ્રદ્ધા સાથે જ પ્રગટ થાય છે.

વિજ્ઞાન ભૈરવનું જ્ઞાન  ભગવાન શિવજી દ્વારા તેમની પત્‍ની પાર્વતીને આપવામાં આવ્‍યું હોવાનું કહેવાય છે. શિવ તત્‍વ એ છે જેને આપણે સર્વોચ્‍ચ ચેતના અથવા ભૈરવ તરીકે વર્ણવીએ છીએ; તે તમારૂં આંતરિક સત્‍ય છે, સૌથી શુદ્ધ સ્‍વ,  અને બીજી બાજુ પાર્વતીને  શક્‍તિ, સર્વોચ્‍ચ સાર્વત્રિક ઉર્જા તરીકે માનવામાં આવે છે જે સર્જનમાં દરેક વસ્‍તુમા પ્રસરે છે. અહીં, પાર્વતી છે જે શિવને શરણે થઈને જ્ઞાન અને સત્‍યની શોધ કરી રહી છે; તે આપણું એટલે કે સાઘકોનુ પ્રતિનિધિત્‍વ કરે છે. શિવ અને શક્‍તિ - ચેતના અને ઊર્જા સાથે મળીને બ્રહ્માંડનું સંચાલન કરે છે. પતિ-પત્‍નીનો સંબંધ આત્‍મીયતા, વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ, પ્રેમ અને શરણાગતિનો છે અને તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી; જયારે નિકટતાની ભાવના હોય ત્‍યારે શંકા અસ્‍તિત્‍વમાં નથી. જયારે તમે ગુરુની, ચેતનાની નજીક હોવ ત્‍યારે જ તમે વિજ્ઞાન ભૈરવને આંતરિક બનાવવા માટે સક્ષમ છો. માસ્‍ટર આપણી ચેતનાને ઉત્‍થાન આપે છે અને તે તેમની હાજરી છે કે જ્ઞાન સરળતાથી અનુભવમાં અનુવાદિત થાય છે. જયારે સાધક ગુરૂની હાજરીમાં સમાઈ જાય છે, ત્‍યારે તે અહંકારને પાર કરી શકે છે અને જાગૃતિની ઉચ્‍ચ સ્‍થિતિમાં પ્રવેશ કરી શકે છે.

ત્‍યારબાદ આર્ટ ઓફ લિવિંગના  ભુપેન્‍દ્રસિંહ વાઘેલા  શ્રી શ્રી એકેડેમી ટ્રસ્‍ટી રાજકોટ તથા  કુશલભાઈ મહેતા મીડીયા કોર્ડિનેટરએ વધુમા જણાવ્‍યું કે ૧૧મી માર્ચના રોજ આ કાર્યક્રમમા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. આ કાર્યક્રમમા ગુજરાતી કલાકાર મિત્રો ગુરૂદેવને સાંભળવા આવશે અને બાકીના પણ તમામ ક્ષેત્રના લોકો જોડાશે જેમકે ડોક્‍ટર્સ, ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ, એડવોકેટ્‍સ, બ્‍યુરોકેટ્‍સ, ટ્રસ્‍ટી શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગના સ્‍વયંસેવકો પુરાજોશમા તૈયારીઓ લાગી ગયા છે

 

(3:02 pm IST)