News of Monday, 6th March 2023
રાજકોટ તા. ૬: શહેરમાં બે ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બાવીસ વર્ષની દિકરી પર પંચાવન વર્ષના સાવકા બાપે નજર બગાડી છરી બતાવી તેની સાથે બિભત્સ છેડછાડ કરતાં અને મારી નાખવાની ધમકી આપતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે. બીજા બનાવમાં બાલાજી હોલ નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાની ઉપર પડી રાજસ્થાની શખ્સે છેડછાડ કરતાં દેકારો મચી જતાં લોકોએ ભેગા થઇ આ શખ્સને પકડી લઇ પોલીસને સોંપ્યો હતો.
બનાવ અંગે આજીડેમ પોલીસે બાવીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી તેના પંચાવન વર્ષિય સાવકા બાપ વિરૂધ્ધ આઇપીસી ૩૫૪, ૫૦૬ (૨), ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો છે. યુવતિ સાથે છેડતી નિર્લજ્જ હુમલાની ઘટના ગત જાન્યુઆરીમાં બની હતી. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે યુવતિને તેના સાવકા બાપે ૨૫મીની રાતે છરી બતાવી ધમકી આપી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી અને ગંદા ઇશારા કર્યા હતાં. તેમજ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી.
યુવતિએ પોલીસ એફઆઇઆરમાં વિતક વર્ણવતા કહ્યું હતું કે મારા મુળ પિતા સાથે માતાને છુટુ થઇ ગયું હતું. હાલમાં સાવકા પિતાથી પણ મારા માતા અલગ રહે છે. હું અને સાવકી બહેન સાવકા પિતા સાથે રહેતાં હતાં. એકાદ મહિના પહેલા હું રાત્રીના ઘરે સુતી હતી ત્યારે સાવકા પિતાએ પાસી આવી શારીરિક છેડછાડ કરી ગંદા ઇશારા કર્યા હતાં. મેં તેને અટકાવ્યા હતાં અને હું સાવકી બહેનને લઇને માતાના ઘરે જતી રહી હતી. એ પછી મેં માતા તથા ભાઇને વાત કરી હતી. આબરૂ જવાની બીકે અમે ફરિયાદ કરી નહોતી. ત્યારપછી સાવકા પિતા ફરીથી મને અને સાવકી બહેનને પોતાની સાથે લઇ જવા માંગતા હોઇ અમે તેની સાથે જવાની ના પાડતાં છરી કાઢી બતાવી તું નહિ આવે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તે સતત ગાળો દઇ ધરાર સાથે લઇ જવા દબાણ કરતાં હોઇ જેથી અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં હેડકોન્સ. એમ. ડી. પરમારે ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ પીએસઆઇ એચ. બી. ગઢવીએ હાથજ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે આવેલા પૂલ નીચે જ પતિ સાથે રહેતી અને છટક મજૂરી કરતી મુળ જામનગર પંથકની મજૂર મહિલા રવિવારે સાંજે પૂલ નીચે પોતે જ્યાં રહે છે ત્યાં સુતી હતી ત્યારે અચાનક એક શખ્સ આવી માથે પડી જતાં અને ખરાબ વર્તન કરવા માંડતા તેણીએ દેકારો મચાવી દીધો હતો. આ કારણે માણસો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન મહિલાનો પતિ પાણી ભરવા ગયો હોઇ તે પણ આવી ગયો હતો.
લોકોએ છેડછાડ કરનાર શખ્સને પકડી લઇ ધોલધપાટ કરી હતી. માલવીયાનગર પોલીસને જાણ થતાં હેડકોન્સ. કમલેશભાઇ મોરીએ મહિલાની ફરિયાદ પરથી મુળ રાજસ્થાનના હાલ રાજકોટ ફૂટપાથ પર જ રહેતાં અને મજૂરી કરતાં વિનોદ કોમનનાથ ડામોર (ઉ.વ.૩૫) સામે આઇપીસી ૩૫૪ (એ) મુજબ નિર્લજ્જ હુમલો, છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં એએસઆઇ પી. એન. પરમાર વધુ તપાસ કરે છે. આ બંને ઘટનાઓએ શહેરમાં ચકચાર જગાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.