Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

રાજકોટમાં હોળી- ધુળેટી પ્રસંગે જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઠક્કર

રાજકોટ: આગામી હોળી તથા ધુળેટીનો તહેવારો દરમ્યાન શહેરના મુખ્ય ચોકમાં યોજાનાર  હોલિકા દહન કરનાર અને શહેરના વિસ્તારોમાં રંગોથી રમવાના પ્રસંગો દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા સ્ત્રીઓ ઉપર રંગ છાંટવાના બનાવ અને છેડતી તથા રસ્તા ઉપર આડસ મૂકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવવા કે તેમના પર રંગો ફેંકવા જેવા બનાવ બનતા હોય છે.  

 આ  બનાવોથી જાહેર સુલેહ શાંતિ જોખમાતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઠક્કરે  આગામી ૭ થી ૯ માર્ચ-૨૦૨૩ સુધી રાજકોટ જિલ્લામાં કોઈ પણ ઈસમ અથવા ઈસમોએ જાહેર રસ્તાઓ પર કોરા રંગ, પાણી ભરેલા ફુગ્ગાઓ, રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, કેમિકલ યુક્ત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ કે તેવા કોઈપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર કે વાહનો ઉપર પણ ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

  ઉપરાંત તે માટેના સાધનો લઈ જાહેર રસ્તા ઉપર દોડવા, પોતાના હાથમાં રાખી કોઈને કે પોતાને ઈજા કે હાનિ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવા તેમજ અન્ય કોમની લાગણી દુભાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તે કોઈપણ પ્રકારનું વર્તન કરવા પર મનાઈ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

 

(11:35 pm IST)