Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પોલીસમાં હોય એટલે મારી નાંખવાના હેં?...મમરા ભરી દઇશ હોઃ કારચાલક પોલીસમેનને ધમકાવતો વિડીયો થયો વાયરલ

રાજકોટઃ પાછળ પોલીસ લખેલી એક કાર પાસે ખાખી ડ્રેસ પહેરેલા એક યુવાનને બે ત્રણ શખ્સો ખુબ ઉંચા અવાજે તતડાવી રહ્યા છે...પોલીસ હોય એટલે મારી નાંખવાના હેં, ઓલા છોકરાને અમે હોસ્પિટલે દાખલ કરીને આવ્યા છીએ...ઓળખતો નથી હો તું, મમરા ભરી દઇશ...સામે ખાખી કપડા પહેરલ વ્યકિત સોરી-સોરી મારી ભુલ થઇ એવું કહે છે. ભુલ શેની? પોલીસ હોય તો જવાબદારી તો રાખવી જોઇએ ને, બીજો એક શખ્સ પણ ધમકાવે છે. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો વિડીયો જોતાં અને વાતચીત સાંભળતા એવું લાગે છે કે પોલીસ લખેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ એક છોકરાને ઇજા થઇ હતી અને બાદમાં કાર ભગાવી મુકી હોવી જોઇએ. એ પછી કેટલાક શખ્સો જેમાંથી એકના હાથમાં લાઠી પણ છે એ કારનો પીછો કરી કારને આંતરી લે છે અને બાદમાં કાર ચાલકને બેફામ રીતે ખખડાવે છે. એક શખ્સ બીજા એક ખાખી વર્દીધારીની સામે જોઇને બોલે છે-મામા અમે આની ઇજ્જત કરીએ છીએ. આ મામલે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેની આ ઘટના હોવાનું વાયરલ થયેલા વિડીયો મેસેજ સાથે લખેલું છે. તસ્વીરમાં ચડભડ કરનારા શખ્સો અને કારચાલક જોઇ શકાય છે.

(2:56 pm IST)