Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કાલે વર્ચ્યુઅલ સાયકલોફન : સેલીબ્રીટીઓ જોડાશે

વેબસાઇટ પર રજીસ્ટ્રેશન : તમારા ઘરે કે આસપાસ સાઇકલ ચલાવીને ઓનલાઇન ભાગ લઇ શકશો : રોટરી કલબ અને સાઇકલ કલબનું સહીયારૂ આયોજન

રાજકોટ,તા. ૬: શહેરમાં અત્યારે દ્યેર-દ્યેર જેટલા વ્યકિત હશે તેના કરતાં વધુ વાહનોની સંખ્યા વધી જતાં પ્રદૂષણની માત્રામાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને 'કાબૂ'માં લેવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ કલબ દ્વારા બીડું ઝડપી લઈ શહેરીજનો સાઈકલ ચલાવવા પ્રત્યે પ્રેરાય તે માટે 'સાઈકલોફન'નું આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ વર્ષે સતત પાંચમી વખત સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે રાજકોટ સહિત દેશમાં કોરોનાની કપરી પરિસ્થિત પ્રવર્તી રહી હોવાને કારણે આ વખતની સાઈકલોફનને વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવી છે. દરમિયાન રવિવારે આખો દિવસ ચાલનારી આ સાઈકલોફનમાં ભાગ લેવા માટે રાજકોટ સહિત દેશ-વિદેશના સાઈકલીસ્ટોએ અદમ્ય ઉત્સાહ દાખવતાં આયોજકોમાં પણ નવા જોમનો સંચાર થવા પામ્યો છે.

આયોજકોએ જણાવ્યું હતું કે આવતીકાલે રવિવારે રાજકોટમાં વિશ્રની સૌથી મોટી સાઈકલોફન યોજાશે અને તેમાં વિદેશી સાઈકલીસ્ટો પણ ભાગ લેશે. સાઈકલીસ્ટોને અપીલ કરતાં આયોજકોએ એમ પણ જણાવ્યું હતું કે તમે તમારી સાઈકલને મારેલું એક પેડલ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી દવા પહોંચવાનું ઉમદા માધ્યમ બનશે તેથી શહેરના દરેક વ્યકિતએ આ સાઈકલોફનમાં ભાગ લેવો જ જોઈએ.

ઉલ્લેખનીય છે કે જે સ્પર્ધકો સાઈકલ ચલાવશે તેમને રોટરી-૩૦૬૦ અને ઈવેન્ટના મુખ્ય આયોજક એવા બાનલેબ તરફથી પ્રતિ કિલોમીટરદીઠ રૂ.૧ની દવા આપવામાં આવશે તેમજ એલીગન્ટ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા પણ આ ઈવેન્ટમાં કો-સ્પોન્સર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હોવાથી જો સ્પર્ધકો પાંચ લાખ કિલોમીટર સાઈકલ ચલાવશે તો તેના વળતર સ્વરૂપે રૂ.૫ લાખની દવા રોટરી કલબને આપવામાં આવશે અને બદલામાં રોટરી કલબ દ્વારા આ દાનની રકમમાંથી જરૂરિયાતમંદ લોકોને દવાઓ સહિતની પાયાની સવલતો પૂરી પાડવામાં આવશે.

આ ઇવેન્ટમાં ૧૦૪ રોટરી કલબ ભાગ લેશે. ખાસ કરીને સાઇકલ કલબ દ્વારા દેશના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં નિયુકત કરાયેલા ૧૦૦ થી વધુ સાઇકલ એમ્બેસેડર પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ દેશભરમાં 'સાઈકલોફન-રાજકોટ'નો પ્રચાર અને પ્રસાર કરશે.

આયોજકોએ આગળ ઉમેર્યું કે રાજકોટમાં આયોજિત આ સાઈકલોફનને વિશ્વની સૌથી મોટી સાઈકલોફનનો દરજ્જો આપવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ-યુ.કે.માં દાવો કરવામાં આવ્યો છે.

ખાસ કરીને શહેરના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ૧૦૦ કિલોમીટરની કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાથી તેઓ રવિવારે ૧૦૦ કિલોમીટર સાઈકલ ચલાવશે તેવું પણ આયોજકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ સહિતના આ સાઈકલોફનમાં ભાગીદાર થઈને શહેરને પ્રદૂષણમુકત અને જરૂરિયાતમંદ લોકો સુધી ડોનેશન પહોંચાડવાની આ ઝુંબેશમાં સહભાગી બનશે.

હજુ પણ જો કોઈ સાઈકલવીર રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા હોય તો તેઓ ‘www.cyclofun.org’ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ રવિવારે સાઈકલીસ્ટ તેમની અનુકુળતા અનુસાર ઘરના પટાંગણમાં કે ઘરની આસપાસના વિસ્તારમાં સરકારની માર્ગદર્શિકાને અનુસરીને સાઈકલ ચલાવવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો ગૂગલ ફીટ, ગાર્મીન, મેપ માય રન, સેમસંગ હેલ્થ, એપલ એકિટવિટી સહિતની એપ્લીકેશનના માધ્યમથી પોતાની સાઈકલ ચલાવવાની એકિટવીટીને રેકોર્ડ કરીને મોકલાવી શકશે. આ પછી ભાગ લેનારા સ્પર્ધકોને એક ઈ-મેઈલની લીન્ક પ્રાપ્ત થશે તેમાં સ્પર્ધકોએ સવારી પૂર્ણ કર્યા પછીનો સ્ક્રીનશોપ અપલોડ કરવાનો રહેશે. સ્ક્રીનશોટ અપલોડ કરવાની લીન્ક તા.૭થી ઓનલાઈન થશે અને દરેક સ્પર્ધકે એક જ વખત સ્ક્રીનશોટ અપલોડ કરવા અનુરોધ કરાયો છે.

(2:56 pm IST)