Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજકોટના ૨૧માં મેયર કોણ? આવતા શુક્રવારે ફેંસલો

મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટિનાં ૧૨ સભ્યોની વરણી માટે તા.૧૨નાં ખાસ બોર્ડ બોલાવતા મ્યુ.કમિશ્નરઃ તારીખ અને સ્થળમાં એકાએક ફેરફાર કરાયો

રાજકોટ તા. ૫ : શહેરના ૨૧માં મેયરની ચૂંટણી આગામી તા. ૧૨ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનના રમેશભાઇ છાયા સભાગૃહમાં વર્તમાન કોરોના કાળમાં ૧ વર્ષ બાદ યોજાનાર છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ મ.ન.પા.ની ૨૦૨૧થી ૨૦૨૬ સુધીની પાંચ વર્ષની ટર્મ માટે કોર્પોરેટરોની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ ગઇ. જેમાં ભાજપે ૭૨માંથી ૬૮ બેઠકો મેળવી ભવ્યાતિભવ્ય વિજય મેળવી અને શાસન જાળવી રાખ્યું છે.

દરમિયાન મ.ન.પા.ના વહીવટદાર ઉદિત અગ્રવાલે આગામી તા. ૧૨ને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ના રમેશભાઇ છાયા સભાગૃહમાં ખાસ બોર્ડનું આયોજન કર્યું છે.

આ ખાસ બોર્ડમાં ૨ાા વર્ષ માટે મેયર, ડે.મેયર તેમજ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સહિત સમિતિનાં ૧૨ સભ્યોની ચુંટણી યોજાશે.

તારીખ અને સ્થળ એકાએક ફેરવાયા

અત્રે એ નોંધનિય છે કે મેયરની ચુંટણી માટે ગઇસાંજે સૌ પ્રથમ જે એજન્ડા પ્રસિધ્ધ કરેલ તેમાં તા. ૧૧ને મહાશિવરાત્રીની જાહેર રજાએ પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં સામાન્ય સભા યોજવી તે પ્રકારની વિગતો હતી અને આ એજન્ડા અંગે પ્રેસનોટ પણ રવાના કરી દેવાયેલ. પરંતુ અર્ધા કલાક બાદ ગમે તે કારણથી ફરી નવો એજન્ડા બનાવાયો.જેમાં સામાન્ય સભાને બદલે તા. ૧૨ને શુક્રવારે મેયરની ચુંટણી માટે ખાસ સભા પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમને બદલે મ.ન.પા.ના સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજવાનું જણાવાયું.

આમ, મેયરની ચુંટણી જેવી મહત્વની બાબતનો એજન્ડા બે-બે વાર ફેરવાતા અને સામાન્ય બદલે ખાસ સભામાં બદલાવવા, તારીખ અને સ્થળમાં પણ એકાએક ફેરફારો થતાં આ બાબતે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

જો કે હવે શુક્રવારે રાજકોટના ૨૧માં મેયર સત્તાનું સુકાન સંભાળી લેશે તે નિશ્ચિત થઇ ગયું છે ત્યારે મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનના દાવેદારોમાં નવો ઉત્સાહ જાગ્યો છે. આ સાથે જ શાસક નેતા અને દંડકની પણ નિમણૂંકો થઇ જશે.

(3:55 pm IST)
  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST

  • 2001 ના રોજ યુએપીએ હેઠળ પ્રતિબંધિત આઉટફિટ સિમીના સભ્ય હોવાના આરોપસર સુરતમાં ધરપકડ કરાયેલા 122 લોકોને ગુજરાત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા : કોર્ટનું કહેવું છે કે પ્રોસેક્યુશન 'આકસ્મિક, વિશ્વાસપાત્ર અને સંતોષકારક' પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. access_time 6:04 pm IST

  • દિલ્હીનું પોતાનું હશે સ્વતંત્ર શિક્ષણ બોર્ડ : કેબીનેટે લીલીઝંડી આપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં જણાવ્યુ કે હવેથી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે : કેબીનેટે આ નિર્ણયને લીલીઝંડી પણ આપી દીધી છે : અત્યાર સુધી રાજયમાં માત્ર સીબીએસઈ અને આઈસીએસસી બોર્ડનું શિક્ષણ હતુ, પરંતુ હવેથી વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડની સંલગ્ન શાળાઓમાં દિલ્હી બોર્ડના નેજા હેઠળ અભ્યાસક્રમમાં ભણી શકશે : દિલ્હી બોર્ડનો અભ્યાસ ૨૦૨૧-૨૨ સત્રથી શરૂ થશે access_time 3:27 pm IST