Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

દસ-દસ લાખના ત્રણ ચેકો પાછા ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૬: ગોંડલ શહેરમાં જેલ ચોક પાસે રહેતા મગન કેશુભાઇ વણપરીયાએ પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ રકમ રૂ. ૩૦,૦૦,૦૦૦/- પરત કરવા રૂ. ૧૦,૦૦,૦૦૦/- ના ત્રણ ચેકો ફરિયાદી કાનજીભાઇ નરશીભાઇ વઘાસીયાની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ ત્રણે ચેકો રીર્ટન થતા અદાલતમાં જુદી જુદી ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવતા ત્રણે ફરિયાદોમાં મગન વણપરીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ભોજપરા શેરીનં.-૪, જેલ ચોક પાસે, ગોંડલ શહેરમાં રહેતા મગન વણપરીયાએ પોતાના અંગત ઉપયોગ માટે સંબંધના નાતે રેફયુઝી કોલોની પાછળ, હંસરાજનગર પાછળ, રાજકોટમાં રહેતા ફરિયાદી કાનજીભાઇ નરશીભાઇ વઘાસીયા પાસેથી રૂ. ૩૦,૦૦,૦૦૦/- મેળવી તે રકમ પરત કરવા બાહેંધરી આપી સ્વીકારેલ રકમ પરત કરવા તહોમતદારે તેની બેંકના ત્રણ ચેકો જેમા રૂપિયા દસ લાખના ત્રણ ચેકો મળી કુલ રૂ. ૩૦,૦૦,૦૦૦/- ચુકવવા ઇસ્યુ કરી આપેલ.

આ ત્રણેય ચેકો ફરિયાદીને સુપ્રત કરતી વખતે ચેકો રીટર્ન થશે નહિ અને ચેકો માંહેનું ફરિયાદીનું લેણું વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેકો રીટર્ન થતા અને તેની જાણ કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરિયાદીનું લેણું ન આપી પ્રથમથી જ ફરિયાદનું લેણું ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂદ્ધ ચેકો રીટર્ન સંબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ રકમ પરત કરવા ચેકો આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને ત્રણેય કેસોમાં અદાલતમાં હાજર થવા સમન્સો ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરિયાદી કાનજીભાઇ વઘાસીયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:16 pm IST)