Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂએ રાત્રે વધુ ત્રણ જીવ લીધાઃ કુલ મૃત્યુઆંક ૭૬

રાજુલાના ૪૦ વર્ષના મહિલાનું સાંજે મૃત્યુ થયા બાદ રાત્રે બે વાગ્યે કુંકાવાવના ૫૫ વર્ષના મહિલા, સવારે પોણા પાંચે કોઠારીયા સોલવન્ટની ૬ વર્ષની બાળાએ સિવિલ હોસ્પિટલમાં અને રાજકોટ સુભાષનગરના ૪૪ વર્ષના યુવાને ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૬: સ્વાઇન ફલૂ સતત જિંદગી હણી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ગત સાંજે રાજુલા પંથકના ૪૦ વર્ષના મહિલાનું મોત નિપજ્યા બાદ મોડી રાત્રે કુંકાવાવ પંથકના ૫૫ વર્ષના મહિલાનું અને વહેલી સવારે કોઠારીયા સોલવન્ટ વિસ્તારની ૬ વર્ષની બાળાનું મોત નિપજતાં સ્વાઇન ફલૂ વોર્ડમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં રૈયા રોડ સુભાષનગર પાસે રહેતાં ૪૪ વર્ષના યુવાનનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તે સાથે કુલ મૃત્યુઆંક ૭૬ થઇ ગયો છે.

ગત સાંજે રાજુલા પંથકના ગામના ૪૦ વર્ષના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સાંજે પોણા સાત વાગ્યે મોત નિપજ્યું હતું. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. દરમિયાન રાત્રીના બે વાગ્યે કુંકાવાવના ઢોલરવા ગામના ૫૫ વર્ષના મહિલાનું પણ સિવિલના સ્વાઇન ફલૂ વોર્ડમાં મોત થયું હતું અને વહેલી સવારે પોણા પાંચેક વાગ્યે રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારની ૬ વર્ષની બાળકીનું પણ મોત નિપજ્યું હતું. ઢોલરવાના મહિલાને તા. ૨૨/૨ના રોજ સિવિલમાં દાખલ કરાયા હતાં અને બાળકીને તા. ૨/૩ના રોજ દાખલ કરાઇ હતી. આ બંનેના રિપોર્ટ પોઝિટીવ હતાં.

આ ઉપરાંત સુભાષનગર પાસે રહેતાં ૪૪ વર્ષના યુવાનનું વાત્સલ્ય હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ જાહેર થયેલો હતો. આ ત્રણ મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૭૬ થઇ ગયો છે.

 ઉલ્લેખનિય છે કે તા. ૧-૧-૧૯ થી ૪-૩-૧૯ સુધીમાં સ્વાઇન ફલુના કુલ ૩૧૬ કેસ જાહેર થયા છે. આજના દિવસે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૫૬ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી ૧૪ દર્દી સિવિલમાં છે. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

જે દર્દીઓ દાખલ છે તેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, સુરત, બોટાદ સહિતના ગામ-શહેરોના દર્દીઓનો સમાવેશ થાય છે. (૧૪.૫)

(11:53 am IST)