Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

આઈપીએસ અધિકારી બનવા માટે કેવી મહેનત કરવી પડે તે દર્શાવતી ગુજરાતી ફિલ્મ 'રતનપુર' ૧૬મીએ રિલીઝ થશે

એકશન, પારીવારીક, કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ : ડાયરેકટર વિપુલ શર્માઃ તુષાર સાધુ અને પ્રિયંકા તિવારી મુખ્ય ભૂમિકામાં : સુનિધિ ચૌહાણે અવાજનો જાદુ પાથર્યો : ગોંડલ, અમદાવાદ, જાંબુગોડાના જંગલમાં શૂટીંગ

રાજકોટ, તા. ૬ : એક આઈપીએસ અધિકારી બનવા માટે કેટલી મહેનત કરવી પડે, આઈપીએસ અધિકારી બન્યા બાદ પણ કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે એ દર્શાવતી ગુજરાતી ફિલ્મ ''રતનપુર'' આગામી ૧૬મી માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકાર તુષાર સાધુએ અભિનય માટે લાંબા સમય સુધી કોર્ષ કર્યો છે. આઈપીએસ અધિકારીઓની વર્તણુક, કેવી રીતે અધિકારીઓ સાથે વાતચીત કરે છે જેવી બાબતો જીણવટભરી જાણકારી મેળવી હતી.

 

ફિલ્મના દિગ્દર્શક અને લેખક વિપુલ શર્માએ જણાવેલ કે છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડ ફિલ્મો સત્ય ઘટના આધારીત બની રહી છે. ત્યારે ગુજરાતમાં પણ એવી અનેક ઘટના બની ચૂકી છે કે જેના પર ફિલ્મ બનવી જરૂરી છે. ત્યારે આવા જ એક સદ્દઉદેશ્યથી પ્રોલાઈફ એન્ટરટેઈનમેન્ટ લાવી રહ્યુ છે કેટલીક સત્ય ઘટના પર આધારીત ફિલ્મ ''રતનપુર''. રતનપુર ફિલ્મ એક આઈપીએસ અધિકારી પર આધારીત ફિલ્મ છે. કઈ રીતે એક નવયુકત આઈપીએસ અધિકારીની ગુજરાત કેડર તરીકે પસંદગી થાય છે. ત્યારબાદ કઈ રીતે તે ગુજરાતના અંતરીયાળ જંગલોમાં આવેલ ગામ રતનપુર વિસ્તારમાં તેને ડ્યુટી ફાળવવામાં આવે છે. ત્યારબાદ એક મર્ડર મિસ્ટ્રી આકાર લે છે. રતનપુરના કુખ્યાત બુટલેગરો અને પોલીસ વચ્ચે શતરંજની રમત... રહસ્ય અને રોમાંચથી સભર એક સીનેમેટીક અનુભવ. ગુજરાતે આજ સુધી ન જોયેલા અદ્દભૂત લોકેશન્સ ને નયનરમ્ય રીતે શૂટ કરવામાં આવ્યા છે. રતનપુરનું ટ્રેલર જોઈને જ આહ ! નીકળી જાય તે બધાએ અનુભવ્યુ છે.

ફિલ્મ રતનપુરને ગુજરાત અને રાજસ્થાન બંને રાજયના લોકેશન પર શૂટ કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો ગોંડલ, અમદાવાદ અને જાંબુગોડાના ઘનઘોર જંગલોમાં શૂટીંગ કરવામાં આવ્યુ છે. તો સાથો સાથ રાજસ્થાનના જેસલમેરના રણમાં પણ શૂટીંગ કરવામાં આવ્યુ છે. રતનપુર ફિલ્મની વાત કરીએ તો એક ગીતમાં જાણીતી પ્લેબેક સીંગર સુનિધિ ચૌહાણે પણ પોતાનો અવાજ આપ્યો છે. ત્યારે રતનપુરના હિરોનો લીડ રોલ કરી રહ્યા છે. તુષાર સાધુ અને હિરોઈન તરીકે લીડ રોલ કરી રહ્યા છે પ્રિયંકા તિવારી. તુષાર સાધુ કે જેઓ અત્યાર સુધી દેશબુક, રોમિયો એન્ડ રાધિકા તેમજ તુ તે ગયો જેવી ફિલ્મ કરી ચૂકયા છે. તો હિરોઈન તરીકે લોડ કરી રહેલી પ્રિયંકા તિવારી અગાઉ આપણે તો છીએ બિન્દાસ નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી ચૂકેલી છે. તો સાથોસાથ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો વિશાલ વૈશ્ય, ઉદય ડાંગર, હરેશ ડાઘીયા, જય પંડ્યા, સુનિલ વાઘેલા, રીયા સુબોધ અને શિવાની ભટ્ટે અભિનયના ઓજસ પાથર્યા છે.

રતનપુર ફિલ્મ જાણીતા દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે કે જેઓ અગાઉ બે ફિલ્મ ડીરેકટ કરી ચૂકયા છે. જેમાં સામેલ છે મલ્ટીપ્લેક્ષના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવેલી અને માત્ર મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ થયેલી લવ ઈઝ બ્લાઈન્ડ (૨૦૦૫) કે જેમને રાજય સરકારના હસ્તે ૧૧ એવોર્ડ મળી ચૂકયા છે. તો સાથોસાથ ૨૦૧૪માં તેઓ સરદાર પટેલના વિચારો ધરાવતી નવતર ફિલ્મ દેશબુક લઈને આવ્યા હતા.

ફિલ્મમાં સંગીત જતીન પ્રતિકે આપ્યુ છે. આ ફિલ્મ પ્રોફાઈલ એન્ટરટેનઈનમેન્ટના એમ એસ જોલી અને કો પ્રોડ્યુસર યોગેશ પારીક દ્વારા ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. ત્યારે દર્શકોને પ્રોલાઈફ એન્ટરટેન્મેન્ટ વતી એક વિનંતી છે કે આગામી ૧૬મી માર્ચના રોજ આપ સૌ થિયેટરમાં જઈ એક એક એકશન પારીવારીક, કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ જોવાનુ ચૂકશો નહિં. આ ફિલ્મ બનાવવા પાછળ મનોરંજન ઉપરાંત એવો હેતુ છે કે દર વર્ષે યુપીએસસીનું જે પરિણામ આવે છે તેમાં ગુજરાતી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ ખૂબ ઓછી એટલે કે નહીવત સંખ્યામાં હોય છે. ત્યારે એક આઈપીએસ અધિકારી બનવા માટે કયા પ્રકારની મહેનત કરવી પડે. આઈપીએસ અધિકારી બન્યા બાદ કયા પ્રકારના કષ્ટો સહન કરવા પડે દેશ સેવા માટે તે તમામ જીણી જીણી બાબતો આ ફિલ્મમાં બતાવવામાં આવેલ છે.તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્મના ડાયરેકટર વિપુલ શર્મા, અભિનેતા તુષાર સાધુ, જીમ્મી નંદા અને ઉદય ડાંગર નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૭)

(4:13 pm IST)