Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ઠંડા પીણા - બરફના કારખાના - ફ્રુટના વેપારીઓ પર ધોંસ બોલાવોઃ મનીષ રાડિયા

જો..જો.. રોગચાળો વકરે નહીઃ અધિકારીઓને આરોગ્ય ચેરમેનની તાકીદઃ ખાણીપીણીના સ્થળોએ ઘનિષ્ઠ ચેકીંગઃ વાસી ખોરાકનો નાશઃ ફૂડ લાયસન્સ - ગંદકી સહિતની બાબતોની ચકાસણી થશેઃ શેરડીના ચીચોડા અને ચા-નાસ્તામાં ડીસ્પોઝીબલ ડીશ - ગ્લાસનો ઉપયોગ કરવા તાકિદઃ કાર્બાઇડથી પકાવેલા ફળફળાદીનો નાશ કરાશે

રાજકોટ તા. ૬ : ઉનાળાની ઋતુમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો વકરતો અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડિયાએ ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરી દીધા છે અને આ માટે આરોગ્ય અધિકારી - ફૂડ ઇન્સ્પેકટરો સહિતના અધિકારીઓ સાથે ચેરમેનશ્રીએ બેઠક યોજી ઠંડાપીણા, આઇસ્ક્રીમ, ફ્રૂટના વેપારીઓ, બરફના કારખાનાઓ સહિત ખાણીપીણીના સ્થળોએ ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવા સહિતના સૂચનો કર્યા હતા.

શહેરમાં ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય ખોરાકજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ ફૂડ વિભાગના તમામ અધિકારીઓ સાથે ખાસ મીટીંગનું આયોજન કરેલ. જેમાં આરોગ્ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ, ફૂડ વિભાગના અધિકારીશ્રી એ.એન.પંચાલ, ફૂડ ઈન્સ્પેકટરઓ, ચન્દ્રકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે.સરવૈયા,  કેતન એમ. રાઠોડ, રાજુલ આર.પરમાર વગેરે હાજર રહ્યા હતા.

ઉકત મીટીંગમાં શ્રી રાડીયાએ હાલમાં ચાલી રહેલ આરોગ્યલક્ષી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરેલ. ત્યાર બાદ તેઓએ સઘન ચર્ચા વિચારણા કરી વિવિધ સુચનો કર્યા હતા.

જેમાં આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા ફૂડ લાયસન્સ માટે આવેલ અરજીઓ તાત્કાલિક ધોરણે નિકાલ કરી વેપારીઓ હેરાન ન થાય તે માટે ખાસ તાકીદ કરેલ અને ડેઝીગ્નેટેડ ઓફિસર તથા તમામ ફૂડ ઈન્સ્પેકટરોને કડક સૂચનાઓ આપેલ.

દરેક ફૂડ ઈન્સ્પેકટરોએ તેમનાં કાર્યક્ષેત્રમાં ગોલા, ગુલ્ફી, આઈસક્રીમ, શેરડીમો રસ, ફ્રુટ શેક, આઈસ ફેકટરી વગેરેનાં વેચાણકર્તાઓની સઘન મુલાકાતો લઈ ફૂડ સેફટી એકટનું યોગ્ય અમલીકરણ થાય તે માટે ઘટિત કરવું. જરૂર જણાયે કાયદાકીય પગલાં લેવા જેમાં સેમ્પલ લેવા, અખાદ્ય પદાર્થોનો નાશ કરવો, નોટીસ આપવી વગેરે.

આરોગ્યની ટીમે વેચાણકર્તાઓ દિવસ દરમ્યાન જે સમયે વધુ વેચાણ કરવામાં આવતું હોય, તે સમયે ખાસ મુલાકાત લેવી. બજારમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાય નહી તે માટે પગલાં લેવા. બરફનાં ઉત્પાદકો બરફનાં ઉત્પાદન માટે પાણીનું નિયમિતપણે કલોરીનેશન કરે તે જોવું.

રેકડી તથા લારી ગલ્લા પર વેચાતા ખાદ્ય પદાર્થો ડીસ્પોઝેબલ પેપર ડીસ અથવા ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ પીરસાઈ તે સુનિશ્યિત કરવું. (ખાસ કરીને શેરડીનો રસ), એફ.પી.ઓ. લાયસન્સવાળા ઠંડા પીણા (પેકડ) તેમજ બી.આઈ.એસ. માર્કવાળા પેકેજ ડ્રીન્કીંગ વોટરનું જ વેચાણ થાય તે ખાસ ચેક કરવું.

કેરી તેમજ અન્ય ફળફળાદીને પકવવા માટે કાર્બાઈડ અથવા અન્ય કેમીકલનો ઉપયોગ ન થાય તે માટે પણ ખાસ પગલાં લેવા. બરફ ગોલાનાં ઉત્પાદકો ગોલામાં માવાનો ઉપયોગ ન કરે તે માટે પગલાં લેવા. આ તકે મનીષભાઇ રાડિયાએ વધુમાં શહેરનાં ખાણીપીણી વિક્રેતાઓને ફૂડ સેફટી એકટનો ચોઈકસાઈ પૂર્વક અમલ કરવા તથા શહેરીજનોનાં આરોગ્ય પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા નમ્ર અપીલ કરી છે.(૨૧.૨૬)

(4:09 pm IST)