Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચંદ્રેશનગરમાં ૨૪ કલાક પાણીઃ મુકાશે મીટરો

વોર્ડ નં. ૮-૧ર-૧૩ નાં અર્ધા વિસ્તારોમાં ૧પ થી પ૦૦ મી.મી. વોટર મીટર સપ્લાય, ફીટીંગ, મેઇન્ટેનન્શનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્તઃ વોર્ડ નં. ૭ અને ૧૪ માં ડી.આઇ. પાઇપ લાઇન નંખાશેઃ ૮ વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાંખવા સાહીતની ર૮ દરખાસ્તો અંગે ગુરુવારની સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે

રાજકોટ તા. ૬ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા ક્રમશઃ શહેરભરમાં પાણીનાં મીટરો મૂકી ર૪ કલાક પાણી વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત સૌપ્રથમ ચંદ્રેશનગર પાણીનાં ટાંકા હેઠળનાં વિસ્તારોમાં પાણીનાં મીટરો સપ્લાય કરી અને ફીટીંગ સહિતના કોન્ટ્રાકટ આપવા અંગે આગામી તા. ૮ ને ગુરુવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજૂ થઇ છે.

સ્ટેન્ડીંગ કમીટીનાં એજન્ડામાં આ દરખાસ્ત અંગે જણાવાયા મુજબ ચંદ્રેશનગર ઝોન આધારિત વિસ્તારોમાં ૧પ મી.મી.થી પ૦૦ મી. મી. વોટર મીટર સપ્લાય કરી તેનું ફીટીંગ, ટેસ્ટીંગ અને મેઇન્ટેનન્સ સહિતનાં કામનો કોન્ટ્રાકટ આપવા અંગે નિર્ણય લેવાશે.

આ ઉપરાંત વોર્ડ નં. ૭ અને ૧૪ ડી. આઇ. પાઇપ લાઇન નાંખવા અંગેનો કોન્ટ્રાકટ આપવા બાબતની દરખાસ્તનો પણ એજન્ડામાં સમાવેશ છે.

આ દરખાસ્તમાં જણાવાયા  મુજબ વોર્ડ નં. ૭ અને ૧૪ માં ડી. આઇ. પાઇપ લાઇન નાંખવા માટે કુલ રૂ. ૩૧,૭૦,ર૧,૯૦પ નાં ટેન્ડરમાં ર૧.૬૦ ટકા વધુ ભાવ આપનાર કે. એસ. ડી. કન્સટ્રકશનને કામ આપી કરારનામુ કરવા અંગે નિર્ણય લેવાશે.

આ ઉપરાંત એજન્ડા પૈકીની ૮ દરખાસ્તો વિવિધ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા માટેની છે.

જેમાં વોર્ડ નં. ૧ નાં ભારતીનગર, વોર્ડ નં. ૧૦ માં સત્ય સાંઇ રોડ પર વરસાદી પાણી નિકાલ માટે, વોર્ડ નં. ૧૧ નાં હેનરી એપાર્ટમેન્ટમાં પેવીંગ બ્લોક, પાળ રોડ ઉપર પાણીની પાઇપ લાઇન નાખવા ત્થા અવધથી અંબિકા ટાઉનશીપ સુધી પેવીંગ બ્લોક નાખવા  વોર્ડ નં. ૧ર માં નંદનવન રેસીડન્સીમાં પેવીંગ બ્લોક નાખવા, વોર્ડ નં. ૮ માં કરણપાર્ક થી રઘુનાથ પાર્ક સુધી પાઇપ, ગટર નાખવા અને વોર્ડ નં. ૧૩ માં મવડી રોડથી અલ્કા સોસાયટી સુધી રોડનાં પડખામાં પેવીંગ બ્લોક નાખવા સહિત કુલ ર૮ દરખાસ્તોનો નિર્ણય આગામી ગુરૂવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં લેવાશે. (પ-ર૭)

(3:06 pm IST)