Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નવાગામમાં જેન્તી અને તેના ભાઇ રવજી પર પિત્રાઇ ભાઇ અને ભત્રીજાનો હુમલો

વતન ખડગુંદાની વાડીના સહિયારા કૂવા બાબતે ચાલતો ઝઘડો કારણભુતઃ એક ભાઇએ બીજા ભાઇના હોઠ પર બટકુ પણ ભર્યુ

રાજકોટ તા. ૬: નવાગામ માંધાતા સોસાયટીમાં રહેતાં જેન્તી દાનાભાઇ રાઠોડ (કોળી) (ઉ.૩૫) અને તેના ભાઇ રવજી દાનભાઇ રાઠોડ (ઉ.૨૫) પર તેના જ પિત્રાઇ ભાઇ વલ્લભ રામજીભાઇ કોળી અને ભત્રીજા પંકજ સહિતે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેન્તીના હોઠ પર બટકુ પણ ભરી લેવાયું હતું.

 

જેન્તીના કહેવા મુજબ પોતે અને ભાઇ છુટક મજૂરી કરે છે. મુળ વતન ચોટીલાનું ખડગુંદા ગામ છે. અગાઉ પોતે અને પિત્રાઇ વલ્લભ ત્યાં જ રહેતાં હતાં. ત્યારે વાડીમાં આવેલા સહીયારા કૂવા બાબતે મનદુઃખ ચાલતું હોઇ પોતે નવાગામ રહેવા આવી ગયેલ. પાછળથી વલ્ભભ પણ અહિ રહેવા આવ્યો હતો. આજે પોતે રસ્તામાં ચાલીને જતો હતો ત્યારે જુના મનદુઃખને લીધે પિત્રાઇ અને ભત્રીજાએ હુમલો કરી હોઠ પર બટકુ ભરી લીધુ હતું. તેમજ ભાઇ રવજીને ઘરે જઇ માર મારવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

પત્નિ સાથે માથાકુટ થતાં નરેશભાઇએ ફિનાઇલ પીધું

ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર ત્રણ માળીયામાં રહેતાં નરેશભાઇ જાદવભાઇ લુણીયાતર (ભીલ) (ઉ.૫૨) ફિનાઇલ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. પત્નિ સાથેની માથાકુટમાં પગલું ભર્યાનું તેણે કહ્યું હતું. પોતે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. (૧૪.૧૨)

(2:20 pm IST)