Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કેવલ લોહાણા ત્રણ મહિનાથી નકલી ઘી બનાવી રાજકોટ અને બાજુના ગામોમાં સપ્લાય કરતો'તો

ભકિતનગર પોલીસે અટીકા નારાયણનગરના વંડામાં ચાલતી 'ગોલમાલ'નો પર્દાફાશ કર્યો : વનસ્પતિ ઘી અને સોયાબીન તેલ ભેગા કરી બનાવતો હતો નકલી ઘીઃ ઓછા ભાવે રાજકોટ તથા અન્ય ગામોમાં વેંચી મારતો હતો : વનસ્પતિ ઘી અને સોયાબીન તેલને ખુબ ઉકાળતોઃ પછી તેમાં સુગંધ માટે એસેન્સ અને સ્હેજ પીળો કલર ભેળવતો, બજાર કરતાં થોડા ઓછા ભાવે વેંચતો : ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વાલજીભાઇ જાડા અને દેવરાજભાઇ ધરજીયાની બાતમી પરથી નારાયણનગરના વંડામાં દરોડો પાડી નકલી ઘી બનાવવાનું કારસ્તાન પકડી લઇ મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તસ્વીરમાં ઝડપાયેલો કેવલ માંડલીયા અને કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૬: નકલી ઘીનું ઉત્પાદન કરી વેંચાણ કરી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતાં લોહાણા શખ્સને ભકિતનગર પોલીસે દબોચી લીધો છે. અટીકાના નારાયણનગરના એક વરંડામાં વિજય પ્લોટ-૧૦માં વિવેક રેસિડેન્સી ફલેટ નં. ૨૦૧માં રહેતો કેવલ દિનેશભાઇ માંડલીયા (ઉ.૩૦) નકલી ઘી બનાવતો હોવાની બાતમી પરથી દરોડો પાડી આ શખ્સને રૂ. ૫૯૪૧૦ના મુદ્દામાલ સાથે પકડી લીધો છે. આ શખ્સ છેલ્લા ત્રણેક માસથી નકલી ઘી બનાવીને રાજકોટ તેમજ આસપાસના ગામોમાં સપ્લાય કરતો હોવાની પ્રાથમિક માહિતી મળતાં તેની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

એસીપી પૂર્વ બી. બી. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ભકિતનગરના એએસઆઇ ઇન્દુભા રાણા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, હરેન્દ્રસિંહ પરમાર, દિપકભાઇ ડાંગર, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાણાભાઇ કુગશીયા, પ્રવિણભાઇ ગઢવી સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે વાલજીભાઇ જાડા અને દેવરાજભાઇ ધરજીયાને બાતમી મળી હતી કે નારાયણનગર-૧૦માં આવેલા વંડામાં એક શખ્સ નકલી ઘી બનાવે છે.

તેના આધારે દરોડો પાડવામાં આવતાં કેવલ માંડલીયા નકલી ઘી બનાવતો ઝડપાઇ ગયો હતો. પોલીસે ૧૦ ડબ્બા નકલી ઘી, મહાકોષ કંપનીના વનસ્પતિ ઘીના ૩૦ ડબ્બા, સોયાબીન તેલના ૧૪ ડબ્બા, ગેસનો ચુલો, બે ગેસના બાટલા, મોટા તપેલા, ઇલેકટ્રીક વજન કાંટો, તાવીથો, ગરણી મળી કુલ રૂ. ૫૯૪૧૦નો મુદ્દામાલ મળતા કબ્જે લઇ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

કેવલે કબુલાત આપી છે કે પોતે ત્રણેક માસથી નકલી ઘી બનાવતો હતો અને રાજકોટ તેમજ આસપાસના ગામમાં મુળ બજાર ભાવ કરતાં થોડા ઓછા ભાવે નાના-નાના વેપારીઓને વેંચી દેતો હતો.  નકલી ઘી બનાવવા માટે તે વનસ્પતિ ઘી અને સોયાબીન તેલને મિકસ કરી ખુબ ઉકાળતો હતો અને બાદમાં તેમાં સુગંધ આવે તે માટે એસેન્સ અને ચોખ્ખુ ઘી દેખાય એ માટે થોડો પીળો કલર ભેળવી દેતો હતો.  આ શખ્સની સાથે બીજા કોઇ સામેલ છે કે કેમ? કોની મદદથી નકલી ઘીની સપ્લાય કરતો હતો? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

(1:06 pm IST)