Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

જાહેરમાં રંગ ઉડાડનારા ૪ શખ્સોએ રાત લોકઅપમાં વિતાવીઃ ભોૈમેકે પોતે ભાજપ કાર્યકર હોવાનું કહ્યું'તું

જેણે છેડતી કર્યાનું કહેવાય છે એ હજુ હાથમાં જ આવ્યો નથીઃ પકડાયેલા શખ્સો તેને ઓળખતા નથી : જે પકડાયા તેણે રાહદારીઓને પરાણે રંગ ઉડાડ્યાનું પોલીસનું કથનઃ છેડતી કરનાર પકડાશે તો અલગ ગુનો નોંધાશે : પોલીસે જેની સામે ૧૫૧ હેઠળ અટકાયત કરી તે શખ્સો દેખાય છે. (જેમાં બીજા નંબરે ખિસ્સામાં હાથ રાખી ઉભેલા ભોૈમેકે પોતે ભાજપ કાર્યકર હોવાની શેખી મારી હતી

રાજકોટ તા. ૬: ધૂળેટીના દિવસે બાલભવન અને કિસાનપરા ચોકમાંથી પસાર થતાં રાહદારીઓ,  વાહનચાલકો અને યુવતિઓ પર કેટલાક શખ્સોએ પરાણે રંગ ઉડાડ્યો હતો. આ અંગેનો વિડીયો વાઇરલ થયો હતો. જેમાં એક શખ્સ એક યુવતિને હાથ લગાડી છેડતી કરતો હોય તેમ જણાતું હતું. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે આવા શખ્સોને શોધી કાઢવા સુચના આપતાં પ્ર.નગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાહનોની નંબર પ્લેટને આધારે ગઇકાલે બે સગીર સહિત છને પકડી લીધા હતાં અને ૧૫૧ મુજબ અટકાયત કરી હતી. જેમાં સગીરને મુકત કરી બાકીના ચારને રાતભર લોકઅપમાં રાખી કાયદાનું ભાન કરાવાયું છે. આ ચાર પૈકી એક ભાજપનો કાર્યકર હોવાની ચર્ચા છે. જો કે એ શખ્સે અને ખુદ ભાજપના હોદ્દેદારોએ આ શખ્સ ભાજપ કાર્યકર હોવાનો ઇન્કાર કર્યો છે. વળી પોલીસે જણાવ્યું છે કે જેણે છેડતી કર્યાનું ફૂટેજ પરથી કહેવામાં આવે છે એ શખ્સ હજુ હાથમાં જ આવ્યો નથી અને પકડાયેલા શખ્સો તેને ઓળખતા પણ નથી. એ પકડાશે તો છેડતીનો અલગથી ગુનો નોંધાશે.

ધૂળેટીના દિવસે બાલભવન પાસે છેડતી થયાની અને પરાણે લોકોને રંગ ઉડાડવામાં આવ્યાની ફરિયાદો ઉઠતાં પોલીસ કમિશ્નરન્ી સુચનાથી પ્ર.નગર પી.આઇ. બી. એમ. કાતરીયા અને ડી. સ્ટાફના એમ. જે. રાઠોડ, દેવશીભાઇ ખાંભલા, મોહસીનખાન મલેક, અજીતસિંહ, પ્રદિપસિંહ, જયદિપભાઇ, હેમેન્દ્રભાઇ, મનજીભાઇ, અરવિંદભાઇ મકવાણા સહિતે તપાસનો ધમધમાટ શરૂ કરી ધૂળેટીના દિવસના કિસાનપરા ચોક, બાલભવન આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેના આધારે વાહનોના નંબર મળતાં તપાસ કરી બે સગીર અને ચાર યુવાનો ભોૈમેક જયેશભાઇ મહેતા (ઉ.૨૪-રહે. બહુમાળી ભવન હોમગાર્ડ કેમ્પસ),  દર્શિત કિરીટભાઇ મહેતા (ઉ.૩૦-રહે. ગાંધીગ્રામ-૬), નવલ ધીરૂભાઇ મછોયા (ઉ.૨૧-રહે. ભગવતીપરા સુખસાગર સોસાયટી) અને મનિષ હરેશભાઇ રોઇડા (ઉ.૨૩-રહે. પુષ્કરધામ મેઇન રોડ)ને શોધી કાઢી ૧૫૧ મુજબ અટકાયતી પગલા લીધા હતાં. આ ઉપરાંત બે સગીરને પણ પોલીસ શોધી લાવી હતી. જેના વાલીઓની હાજરીમાં નિવેદનની કાર્યવાહી બાદ જવા દેવાયા હતાં.

ભોૈમેક મુળ ભાવનગરનો વતની છે અને ભાજપનો કાર્યકર હોવાની વાતો વહેતી થઇ હતી. તેણે ભાજપના જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપી પોતે કાર્યકર હોવાની શેખી મારવાનું શરૂ કર્યુ હતું. જો કે શહેર ભાજપ પ્રમુખે ભોૈમેક ભાજપનો કાર્યકર જ નહિ હોવાનું અને જો છેડતી કરી હોઇ તો આકરી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું. તેણે વેટનરી ફિલ્ડમાં લાઇવ સ્ટોક ઇન્સપેકટરનો અભ્યાસ કર્યો છે અને બોટાદ એનિમલ હેલ્પલાઇનમાં ફરજ બજાવે છે અને રાજકોટમાં ખેતીવાડી ખાતાના કલાસવન અધિકારી ફઇબાના ઘરે રહે છે. ભોૈમેકે એમ પણ કહ્યું હતું કે યુવા ભાજપ કાર્યકરોનો ધૂળેટી રમવાનો કાર્યક્રમ હોઇ પોતે પહેલા કરણપરા કાર્યાલયે ગયો હતો. બાદમાં રેસકોર્ષ મિત્રો સાથે પહોંચ્યો હતો.

જ્યારે દર્શિત અગાઉ મ્યુ. કોર્પોરેશનમાં આધારકાર્ડની કામગીરીમાં કોન્ટ્રાકટથી કામ કરતો હતો. નવલ રિક્ષાચાલક છે અને મનિષ પુષ્કરધામ રોડ પર શાકભાજીની રેંકડી રાખે છે. મનિષ મિત્ર સાથે બૂલેટમાં આવ્યો હતો અને નવલ પોતાના એકટીવા પર હતો. ચારેય શખ્સોએ રાત લોકઅપમાં વિતાવી હતી. બપોરે તેને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

(1:04 pm IST)