Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

લતાદીદી મારા માટે ઈશ્વર છેઃ મિસ્તુ બર્ધન

રાજકોટમાં આજે રાત્રે ૯:૩૦થી હેમુગઢવી હોલ ખાતે 'મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ' કાર્યક્રમ : હું આ જીવનમાં નહિં પણ બીજા કોઈપણ જીવનમાં લતાજી જેવું કયારેય ગાઈ ન શકુ : મારા જેવા અનેક ગાયકો છે, મારી એ જ સલાહ છે કે સાંભળતા રહો અને ગાતા રહો : મિસ્તુ બર્ધને હિન્દી ઉપરાંત ઓરીયા સહિત અન્ય ભાષાઓમાં પણ ગીતો ગાયા છે : આજે રાજકોટમાં સંગીતરસીકોને ૩૦ મ્યુઝીક ડિરેકટરોના ગીતો પીરસાશે

રાજકોટ : હૂબહૂ લતાજી જેવો જ અવાજ ધરાવતા વિખ્યાત ગાયક કલાકાર મિસ્તુ બર્ધનજી આજે ''અકિલા''ના આંગણે પધાર્યા હતા. તેઓએ લતાજીના એકએકથી ચડીયાતા સુમધુર ગીતો રજૂ કરી જમાવટ કરી હતી. તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગાયિકા મિસ્તુ બર્ધન સાથે આજના રાત્રીના કાર્યક્રમના શ્રી જયેશ ઓઝા (મો.૯૪૨૯૦ ૪૫૨૧૪) સાથે પૂજા ઈવેન્ટ્સ - જામનગરના શ્રી પ્રમોદભાઈ પટેલ અને પ્રવિણાબેન પટેલ તેમજ શ્રી પ્રશાંત બક્ષી  નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૬ : ''મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ'' સ્વર સામગ્રી લતા મંગેશકરના કંઠે ગવાયેલા ગીતોની સુરાવલીનો આજે મંગળવારે રાત્રીના ૯:૩૦ વાગ્યાથી કાર્યક્રમ યોજાયો છે. જેમાં હુબહુ લતાજી જેવો જ અફલાતુન અવાજ ધરાવતા મુળ આસામના ગાયિકા મિસ્તુ બર્ધન લતાજીના સુમધુર ગીતો પેશ કરશે. આ કાર્યક્રમનું એન્કરીંગ અમદાવાદના મોહસીન શેખ કરશે. જયારે દેશના સુપ્રસિદ્ધ બેન્ડ એવા ભુજના હની ટ્યુન બેન્ડ મ્યુઝીક સાઉન્ડ રજૂ કરશે. વોઈસ ઓફ લતાજી ફેમ મિસ્તુ બર્ધનનો આજે રાત્રે શ્રી જયેશ ઓઝા પ્રસ્તુત હેમુગઢવી હોલ ખાતે તેમજ આવતીકાલે જામનગર ખાતે પૂજા ઈવેન્ટ્સ દ્વારા કાર્યક્રમ યોજાયો છે.

રાજકોટના હેમુ ગઢવી હોલમાં આજે અલગ અલગ ૩૦ મ્યુઝીક ડિરેકટરોના લતાજીના ગીતોનો ખૂબ જ યાદગાર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હૂબહૂ લતાજીના અવાજને પીરસી રહેલા આસામના મિસ્તુ બર્ધનજી રાજકોટના સંગીત રસીકોને સ્વરતરબોળ કરશે. તેઓ આજે ''અકિલા''ના ખાસ મહેમાન બન્યા હતા.

મિસ્તુ બર્ધનજી સંગીતની પૂજા કરતા પરીવારમાંથી આવે છે. તેમના દાદી પણ ગીતો ગાતા. તેમણે જણાવ્યુ હતું કે અમારા ઘરમાં સંગીતનો માહોલ રહેતો. અમારા દાદી પૂજા કરતા, ગીતો ગાતા અને સાંભળતા અમે મોટા થયા છીએ તેઓ કહેતા કે જો ગાવુ જ હોય  તો દીદી (લતાજી) ની જેમ ગાવ નહિતર ન ગાવ એટલે પહેલેથી જ તેઓને લતાજીનો ગીતો સાંભળતા દાદી તેમના બંગાળી ગીતો ખુબજ સાંભળતા નાનપણમાં હુ દાદીનો ફોટો કેસેટ પર જોતી અને તેમની બીંદી, હેરસ્ટાઇલ તેમનો પહેરવેશ જોઇ લાગતુ આ તો અમારા પરિવારનાં જ છે.

 મિસ્તુજીના નામના મીઠાશ છુપાયેલી છે. મિઠાઇને બંગાળીમાં મિષ્ટી કહેવાય અને મિષ્તુનો અર્થ થાય છે મીઠુ એટલે ગળુ પણ એટલુ જ મીઠુ છે જાણે તેમના ગળામાં સાક્ષાતમાં સરસ્વતીનો વાસ હોય તેવું તેમની ગાયકિમાં તરી આવે છે લોકો આપને લતાજી સાથે સરખાવે ત્યારે કેવી અનુભુતિ થાય છે? તેના જવાબમાં મિસ્તુજીએ જણાવ્યું હતુ કે, લતાજીને મારા ગુરુ માનું છું તેમને મારા ઇશ્વર માનું છું કેમકે નાનપણથી લતાદીદીનું સ્થાન મારા ઇશ્વર માનુ છું એટલુ જ નહિ હુ તો તેમને 'માંૅ' માનુ છુ કેમકે નાનપણથીજ લતાદીદીનું સ્થાન મારા માટે ભગવાનનું રહયું છે. લોકોની લાગણી છે. પણ દીદી જેવુ ગાવાનું આ જન્મમાં નહિં કોઇ જન્મમાં નહિ ગાઇ શકુ પણ તેમના ગીતો ગાવાથી મને ખુબજ શાંતિ મળે છે. તમને જાણીને નવાઇ લાગશે કે મિસ્તુજીને '' ગોલ્ડન વોઇસ ઓફ લતા મંગેશકર'' નો એવોર્ડ પણ મળી ચુકયો છે.  મિસ્તુજી નમ્રતા પુર્વક જણાવ્યું હતુ કે, આ એવોર્ડ મળવો મોટી વાત છે પણ ઘણાં સારા ગાયકો છે. પણ જયારે સાક્ષાત માતા સરસ્વતી (લતાજી) સાથે નામ જોડાય ત્યારે તેને હું નિભાવી શકીશ કે કેમ? કારણ પછી જવાબદારી વધી જાય છે.

 લાઇવ શો દરમિયાન લતાદીદીનાં અનેક ગીતો લોકોની ડિમાન્ડ અને શોની ફોરમેટ મુજબ રજુ કરવા પડે છે. જો કે દીદીના બધા ગીતો એટલા બધા સરસ છે કે કયુ ગાવુ  ન ગાવુ કયારેક દુવિધા થઇ જાય છે  દીદીએ બધાજ સંગીતકારો માટે આ ગીતો ગાયા છે. મને પણ દરેક ગીતો એટલા પ્રિય છે કે બસ હુ ગાયાજ કરૂ અને લોકો સાંભળ્યા કરે. આજે મિસ્તુજી રાજકોટમાં સોલો પફોર્મ કરી ૩૦ જેટલા ગીતો તેઓ એકલા રજુ કરવાના છે.

લતાજીનું આપના જીવનમાં શું મહત્વ છે? મિસ્તુજી કહે છે મારૂ જીવન શરૂ પણ તેમનાથી થાય છે અને પૂર્ણ પણ તેમનાથી જ થશે. તેઓ મારા માટે સર્વસ્વ છે. ઘણીવાર તેમના વિશે નેગેટીવ વાતો આવે છે ત્યારે મારા પિતા (બાબા)એ મને કહેલુ હું અપનાવુ છું કે જયાં ગુરૂનું અપમાન થતુ હોય ત્યાં કદી જવુ નહિં અને ત્યાંથી દૂર હટી જવું. તેમાંય હું મારી માતા માટે ખરાબ શબ્દો કયારેય સાંભળી નહિં શકું.

અનેક કાર્યક્રમ આપી ચૂકેલા મિસ્તુજીએ લોકો સંગીતમાં આગળ વધવા માગે છે કે કારકિર્દી ઘડવા માગે છે તેમને સલાહ આપતા જણાવ્યુ હતું કે જે લોકો ગાવાની કોશીષ કરે છે તેઓ બસ ગાતા રહે અને દિલથી ગાતા રહે. થોડુ ઘણુ શાસ્ત્રીય સંગીતનું નોલેજ જરૂરી છે પણ મેં સાંભળ્યુ છે કે કિશોર દા પણ શિખ્યા વિના ગાતા છતાં તેઓ કેટલુ સુંદર ગાઈ શકતા એટલે શાસ્ત્રીય સંગીત નથી ગાતા તે ન ગાઈ શકે તેવુ પણ નથી. રફી સાહેબ, કિશોરદા, લતાજી, આશાજી મન્ના ડે, મુકેશજી આ બધા જ કલાકારો એક સંગીતની યુનિવર્સિટી છે. તેઓના ગીતો ગાઈ આજે મારા જેવા ઘણા ગાયકોના ઘર ચાલે છે. તેમને સાંભળી આજે પણ કંઈને કંઈ શિખવા મળે છે. બસ ગાવુ જરૂરી છે. મિસ્તુજીએ અકિલા કાર્યાલયે લોકોની પસંદગીના ગીતો પણ ગાયા હતા. એટલુ જ નહિં ગુજરાતી ગીત ''હંસલા હાલો રે હવે...'' પણ ખૂબ જ મધુરતાથી રજૂ કર્યુ હતું.

મને મારા ગુરૂ, મારા ઇશ્વરના દર્શન થયાઃ લતાદીદીએ કહયું... અને...

 મિસ્તુજી બર્ધનજી નાનપણથી જ લતાજીને તેમના આદર્શ, તેમના ગુરૂ, ઇશ્વર અને માતા માને છે તેઓ નાના હતા ત્યારે ગાતા એ વખતે પણ એવુ જ લાગતુ કે દીદી તેમની સાથે જ છે તેવી એક અનુભુતિ થતી. તેઓ તેમના ઇશ્વરની ખોજમાં એટલે કે લતાજીને મળવા આસામથી મુંબઇ આવ્યા હતા. પરિવારે ખુબના પાડી છતાં મિસ્તુજી મુંબઇ તરફ દોડી ગયા કોઇપણ ઓળખાણ વિના કે પરિચય વિના મુંબઇ ગયા તેમણે એક મેગેઝીન વાંચેલુ '' કોકીલા કંઠી''  જેમા લતાજી વિશે સંપુર્ણ માહિતી હતી. તેમના ઘરનું એડ્રેસ હતું. મહાલક્ષ્મી, પડેલ રોડ પર રહે છે બસ તે મનમાં લઇ મુંબઇ આવી ગયા

મુંબઈ સ્ટેશને ઉતરી ટેકસી કરી મહાલક્ષ્મી ગયા જયા માતાજીના મંદિરે દર્શન કર્યા અને એટલી પ્રાર્થના કરી કે મને મારા ઈશ્વરન દર્શન કરાવી આપો. મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ વાળાને પૂછયુ પણ તેઓ લતાજી વિશે જાણતા ન હોય થોડુ દુઃખ થયુ અને અંતે કોઈપણ રીતે તેમના ઘર ''પ્રભુ કુંજ'' પર પહોંચી. જયાં સિકયોરીટીએ મને રોકી મેં તેમને કહ્યુ મારે દીદીને મળવુ છે તેમણે કહ્યુ એપોઈન્ટમેન્ટ વિના તમે ન મળી શકો. હું રોઈ પડી, ખુબ  વિનંતી કરી પણ તેઓ ન માન્યા. મેં કહ્યું હું દીદીના દર્શન કર્યા વિના અહિંથી નહીં જઉં હું બહાર તેમની રાહ જોઈશ.

એવામાં થોડા સમય પછી દીદીના કોઈ પરિચિત આવ્યા અને મને રોતી જોઈ સિકયોરીટીને પૂછ્યુ આ કોણ છે? શા માટે રોવે છે? સિકયોરીટીએ બધી વાત જણાવી તેમણે કહ્યુ કે હું કંઈક કરૂ છું. થોડા સમય પછી સિકયોરીટીએ મને બોલાવી અને ઉપર ઘરમાં જવા કહ્યુ. મારા આનંદનો કોઈ પાર નહોતો.

 મે નીચે ચપ્પલ કાઢયા કારણ હું મારા ઇશ્વરને મળવા જતી હતી હુ તેમના ઘરમાં પહોંચી એક તરફ મંદીર હતુ અને બીજી તરફ મારા ભગવાનની રાહ. થોડીવાર થઇ દીદી આવ્યા અને મને બે હાથ જોડી કહયું '' માફ કરના મેરેલીયે આપકો ઇતને સમય ઇન્તજાર કરના પડા''

મારા માટે ઇશ્વરનો સાક્ષાત્કાર થયો હું તેમના ચરણોમાં ઢળી પડી બસ મને બધુજ મળી ગયુ તેમનો હાથ મારા માથા પર સ્પર્શ્યો અને મને દુનિયાનું તમામ સુખ મળી ગયું મારીતો એટલીજ ઇચ્છા છે કે મારૂ મુત્યુ પણ લતાજીના ગીતો સાંભળ્વા જ થાય.

લોકોએ ટ્રેક બંધ કરાવ્યો અને...

રાજકોટ : મિસ્તુ બર્ધનએ એક યાદગાર પ્રસંગ યાદ કરતા જણાવેલ કે વિદેશમાં એક જગ્યાએ હું કાર્યક્રમ આપતી હતી. લતાજીનું ગીત ચાલતુ હતું. તે પૂરૂ થયુ પછી લોકોએ કહ્યુ કે ''આપ બીના ટ્રેક કે ગીત ગાઈએ'' આ સાંભળી શરૂમાં મને દુઃખ થયું કારણ કે લોકોએ જાણવા ઈચ્છતા હતા કે આ હું જ ગાઉ છું કે રેકોર્ડીંગ કરી વગાડુ છું. ત્યારબાદ ટ્રેક વિના મેં ગીત સંભળાવ્યુ. લોકોએ ખૂબ વખાણ્યુ ત્યારે મને ખૂબ ગમ્યુ. કારણ આજે મારો અવાજ છે કે હું જયાં પણ છુ તે મારા માતા-પિતા અને દીદી મારા ગુરૂના જ આર્શીવાદ છે. આજે જે કંઈ પણ થઈ રહ્યુ છે. તે તેમના આર્શીવાદ વિના શકય જ નહતું.

(4:17 pm IST)