Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચા ફાટી જતાં બગડેલુ દૂધ બદલાવવા મામલે જામી પડીઃ દલિત અને ભરવાડ પરિવારો વચ્ચે બઘડાટી

માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં બનાવઃ સામ-સામી ફરિયાદઃ લાલા ભરવાડ, તેના ભાઇ અને બે બહેનોને ઇજાઃ સામા પક્ષે સંજય સોલંકી ઘવાયો

રાજકોટ તા. ૬: આજી ડેમ પાસે માંડા ડુંગર મફતીયાપરામાં રહેતાં અને દૂધની ડેરી ધરાવતાં ભરવાડ યુવાનની ડેરીએથી દલિત યુવાને દૂધની થેલી લઇ જઇ ચા બનાવતાં ચા ફાટી જતાં તે બાબતે દલિત યુવાન અને તેના પરિવારજનોએ ડેરીએ આવી ભરવાડ યુવાન પર હુમલો કરી ઇંટોના ઘા કરતાં ભરવાડ યુવાનની બે બહેનોને પણ ઇજા થઇ હતી. સામા પક્ષે દલિત યુવાન પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેની ફરિયાદ પરથી એટ્રોસીટી નોંધવામાં આવી છે.

 

આજીડેમ પોલીસે લાલા ભગાવાનભાઇ બોળીયાની ફરિયાદ પરથી સંજય મનસુખભાઇ સોલંકી, મનસુખભાઇ સોલંકી, મંજુબેન મનસુખભાઇ અને દિલીપ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. લાલાના કહેવા મુજબ તેના કાકાના દિકરા જેઠાભાઇ ભીમાભાઇ બોળીયા ઘર નજીક બજરંગ ડેરી નામે દૂકાન ધરાવે છે. ત્યાંથી સંજય દૂધની થેલી લઇ ગયો હતો. તેમાંથી ચા બનાવતાં ચા ફાટી જતાં આ બાબતે સંજય તથા તેના પરિવારજનો દૂધ બદલાવવાની વાત કરવા આવતાં બોલાચાલી થઇ હતી અને સંજય સહિતે હુમલો કરી ઇંટોના ઘા કરતાં લાલાભાઇના કાકાની દિકરી જ્હાન્વી તથા રૂપાલીને ઇજા થઇ હતી. તેમજ જેઠાભાઇ વચ્ચે પડતાં તેને ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત છરી બતાવી મારી નાંખવાની ધમકી અપાઇ હતી.

સામા પક્ષે સંજયની ફરિયાદ પરથી જગા બોળીયા સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સંજયના કહેવા મુજબ બગડેલા દૂધની થેલી બદલાવવા જતાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપથી હુમલો કરાયો હતો.

(10:11 am IST)