Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સંગીત જગતની ધરોહર હતા મનમોહક અવાજના રાણી ‘વાણી જયરામ'

તાજેતરમાં જ પદ્મ ભૂષણથી સન્‍માનિત સાઉથના પ્રખ્‍યાત ગાયિકા વાણી જયરામનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, તેણીને લાંબા સમય પહેલા માથામાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીમાર રહેતા હતા. તે શનિવારે સવારે ચેન્નાઈમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્‍યા હતા. તેમના મૃત્‍યુનું કારણ હજુ સુધી સ્‍પષ્ટ થયું નથી. તાજેતરમાંજ વાણી જયરામને પદ્મભૂષણ એવોર્ડ ૨૦૨૩થી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. મનમોહક અવાજના રાણી વાણી જયરામ પ્રખ્‍યાત ગાયિકાઓમાના એક હતા. તે તમામ ભાષાઓમાં ગીતો ગાવામાં નિપુણ હતા. ૧૯૭૦ના દાયકામાં તેમની કારકિર્દી શરૂ કરીને, વાણી ચાર દાયકાથી વધુ સમયથી તેના મખમલી અવાજથી મનોરંજન જગતને આકર્ષિત કરી રહ્યા હતા. નવી પેઢી ભલે તેમને ઓછી ઓળખે, પરંતુ તેમનું શિખર સિદ્ધિઓથી ભરેલું હતું.

૩૦ નવેમ્‍બર, ૧૯૪૫ના રોજ વાણીજીનો જન્‍મ તમિલનાડુના વેલ્લોરમાં શાષાીય રીતે પ્રશિક્ષિત સંગીતકારોના તમિલ પરિવારમાં છ પુત્રીઓ અને ત્રણ પુત્રોના પરિવારમાં પાંચમી પુત્રી તરીકે થયો હતો. તેના માતા-પિતા દુરાઈસામી આયંગર-પદ્માવતી એ ગુરૂ રંગા રામુનાજા આયંગર હેઠળ સંગીતની શીક્ષા માટે મુક્‍યા. બાદમાં તેણીને કડાલુર શ્રીનિવાસ આયંગર, ટી. આર. બાલાસુબ્રમણ્‍યમ અને આર. એસ. મણિના માર્ગદર્શન હેઠળ ઔપચારિક કર્ણાટિક સંગીતની તાલીમ આપવામાં આવી હતી. વાણી રેડિયો સિલોન ચેનલ સાથે જોડાયેલ હતા અને હિન્‍દી ફિલ્‍મી ગીતો પ્રત્‍યે ખુબજ લગાવ ધરાવતા હતા. માત્ર ૮ વર્ષની ઉંમરે, તેણીએ ઓલ ઈન્‍ડિયા રેડિયો, મદ્રાસ ખાતે પ્રથમ જાહેર પ્રદર્શન આપ્‍યું હતું. વાણીજીએ તેનું શાળાકીય શિક્ષણ ચેન્‍નાઈની લેડી શિવસામી હાઈસ્‍કૂલમાં કર્યું હતું. ત્‍યારબાદ ક્‍વીન મેરી કોલેજ, ચેન્‍નાઈમાંથી સ્‍નાતક થયા. તેણીના અભ્‍યાસ પછી, વાણી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા, મદ્રાસમાં નોકરી કરતા હતા અને બાદમાં ૧૯૬૭ માં, તેણીની હૈદરાબાદ શાખામાં બદલી કરવામાં આવી હતી.

૧૯૬૯માં જયરામ સાથેના લગ્ન પછી, તે પોતાનો પરિવાર સ્‍થાપવા મુંબઈ આવી ગયા. તેમની વિનંતી પર તેને બેંકની મુંબઈ શાખામાં ટ્રાન્‍સફર કરવામાં આવી હતી. તેણીની ગાયકી કૌશલ્‍યને જાણીને પતિ જયરામે વાણીને હિન્‍દુસ્‍તાની શાષાીય સંગીતની તાલીમ લેવા માટે સમજાવ્‍યા અને તેણીએ પટિયાલા ઘરાનાના ઉસ્‍તાદ અબ્‍દુલ રહેમાન ખાન હેઠળ તાલીમ મેળવી. તેણીની કઠોર તાલીમને કારણે બેંકની નોકરી છોડી દીધી અને સંગીતને વ્‍યવસાય તરીકે અપનાવ્‍યું. વાણી જયરામે ઠુમરી, ગઝલ અને ભજન જેવા વિવિધ સ્‍વર સ્‍વરૂપો  શીખી ૧૯૬૯માં પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્‍યો હતો. એજ વર્ષે, તેણીનો પરિચય સંગીતકાર વસંત દેસાઈ સાથે થયો જેઓ ગાયક કુમાર ગાંધર્વ સાથે મરાઠી આલ્‍બમ રેકોર્ડ કરી રહ્યા હતા. વાણી જયરામનો અવાજ સાંભળીને દેસાઈએ તેને કુમાર ગાંધર્વ સાથે આ જ આલ્‍બમ માટે ‘રણાનુબંધચા' ગીત ગાવા માટે પસંદ કર્યા. આલ્‍બમને મરાઠી પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી અને યુગલગીતને સારો પ્રતિસાદ મળ્‍યો.

જયારે બોલિવૂડ સિનેમામાં વાણીજીની લોકપ્રિયતા સતત વધી રહી હતી ત્‍યારે તેમને દક્ષિણ ભારતીય ઉદ્યોગમાંથી ઓફર મળવા લાગી. ૧૯૭૩માં, તેઓએ એસ.એમ. સુબૈયા નાયડુના સંગીત નિર્દેશન હેઠળ થયુમ સીયુમ ફિલ્‍મ માટે તેનું પ્રથમ તમિલ ગીત રેકોર્ડ કર્યું. જો કે, ફિલ્‍મ આજ સુધી રિલીઝ થઈ નથી અને ગીત બહાર જ ન આવ્‍યું. તેણીનું પ્રથમ રિલીઝ થયેલ ગીત વીટ્ટુક્કુ વંધા મારુમગલ (૧૯૭૩) ફિલ્‍મ માટે ટી. એમ. સૌંદરરાજન સાથેનું યુગલ ગીત હતું. ‘ઓર ઇદમ ઉન્‍નિદમ' ગીત શંકર-ગણેશની જોડી દ્વારા રચવામાં આવ્‍યું હતું, જેની સાથે વાણીજીએ તમિલ સિનેમામાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા.વસંત દેસાઈ સાથે વાણીના સારા વ્‍યાવસાયિક જોડાણને કારણે તેણીને હૃષિકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્‍મ ગુડ્ડી (૧૯૭૧) સાથે સફળતા મળી. દેસાઈએ વાણીને ફિલ્‍મમાં ત્રણ ગીતો રેકોર્ડ કરવાની ઓફર કરી હતી જેમાં જયા બચ્‍ચનને મુખ્‍ય ભૂમિકામાં દર્શાવતું ગીત ‘બોલે રે પપીહરા' ટોક-ઓફ-ધ-ટાઉન ગીત બની ગયું હતું. આ ગીત સાંભળીને કોઈ પણ મૂંઝવણમાં પડી જાય કારણ આ ગીતમાં વાણી જયરામનો અવાજ લતાજી સાથે ખુબજ બંધ બેસતો લાગે છે.! મિયાં કી મલ્‍હાર રાગમાં રચાયેલા આ ગીતે તેણીની શાષાીય કૌશલ્‍યનું પ્રદર્શન કર્યું હતું અને ત્‍યારબાદ તેણીને તાનસેન સન્‍માન (હિન્‍દી ફિલ્‍મમાં શ્રેષ્ઠ શાષાીય-આધારિત ગીત માટે), લાયન્‍સ ઇન્‍ટરનેશનલ શ્રેષ્‍ઠ આશાસ્‍પદ ગાયક પુરસ્‍કાર, અખિલ ભારતીય સિનેગોર્સ એસોસિએશન એવોર્ડ અને ૧૯૭૧ માં શ્રેષ્ઠ પ્‍લેબેક સિંગર માટે ઓલ ઈન્‍ડિયા ફિલ્‍મ-ગોઅર્સ એસોસિએશન એવોર્ડ સહિત અનેક ગૌરવ અને પુરસ્‍કારો મેળવ્‍યા હતા. તેણીનું બીજું ગીત ‘હમકો મન કી શકિત દેના' ૧૯૭૧ માં રિલીઝ થયું ત્‍યારથી શાળાની પ્રાર્થના બની ગયું હતું અને હજુ પણ ચાલુ જ છે. તેણીએ તેના માર્ગદર્શક દેસાઈ સાથે સમગ્ર મહારાષ્ટ્ર રાજયનો પ્રવાસ કર્યો અને શાળાના બાળકોને ઘણા મરાઠી ગીતો પણ શીખવ્‍યા.

 વાણી જયરામે હિન્‍દી સિનેમાના સંગીત દિગ્‍દર્શકો માટે કેટલાક ગીતો ગાયા, જે લોકપ્રિય રહ્યા. જેમાં ચિત્રગુપ્તના ગીત, નૌશાદની ક્‍લાસિકલ રચનાઓ, પાકીઝા (૧૯૭૨)નું મોરે સાજન સોતેન ઔર અને દુલ્‍હન બડી જાદુગર્ણી, આયના (આયના) માં આશા ભોસલે સાથે યુગલગીતનો સમાવેશ થાય છે. મદન મોહનની રચના પ્‍યાર કભી કામ ના કરના સનમ, ફિલ્‍મ એક મુઠ્ઠી આસમાન (૧૯૭૩) માં કિશોર કુમાર સાથેનું યુગલગીત, આર.ડી. બર્મનનું ગીત ઝિંદગી મેં આપ આયે, છલિયા (૧૯૭૩)માં મુકેશ સાથેનું યુગલગીત, શ્‍યામજી દ્યનશ્‍યામજીની રચના ફિલ્‍મ ધૂન કી લેકીરમાંથી ઝિલ સી ગેહરી, નીતિન મુકેશ સાથેનું યુગલગીત અને ધર્મ ઔર કાનૂન ફિલ્‍મમાં કલ્‍યાણજી આનંદજી દ્વારા રચિત સોલો ગીત આ બલમ વગેરે મુખ્‍ય છે. વાણી જયરામે ફિલ્‍મ ખૂન કા બદલા ખૂન (૧૯૭૮) ના ઓ.પી. નૈય્‍યર દ્વારા રચિત ઘણા ગીતો ગાયા હતા જેમાં મોહમ્‍મદ રફી અને ઉત્તરા કેલકર અને પુષ્‍પા પાગધરે સાથે યુગલગીતોનો સમાવેશ થાય છે. તેણીએ જુર્મ ઔર સાઝામાં લક્ષ્મીકાંત પ્‍યારેલાલ દ્વારા રચિત રફી સાથે યુગલ ગીત મૈને તુમ્‍હે પા લિયા અને જયદેવ દ્વારા રચિત પરિણય (૧૯૭૪) માં મન્‍ના ડે સાથે યુગલગીત અને જયદેવ દ્વારા સોલો સાવન (૧૯૭૯) માં સોલો ગીત પી કહાં.. ગાયું હતું. પંડિત રવિ શંકર દ્વારા રચિત મીરા (૧૯૭૯) માં ‘મેરે તો ગીરધર ગોપાલ' ગીતે શ્રેષ્ઠ મહિલા પ્‍લેબેક સિંગરનો પ્રથમ ફિલ્‍મફેર એવોર્ડ જીત્‍યો હતો. તેણે મીરા ફિલ્‍મ માટે ૧૨ જેટલા ભજનો રેકોર્ડ કર્યા જે ખૂબ જ લોકપ્રિય થયા.

 હિન્‍દી અને દક્ષિણ ભારતીય ભાષાઓ ઉપરાંત, વાણી જયરામે ગુજરાતી, મરાઠી, મારવાડી, હરિયાણવી, બંગાળી, ઉડિયા, અંગ્રેજી, ભોજપુરી, રાજસ્‍થાની, બડગા, ઉર્દૂ, સંસ્‍કૃત, પંજાબી અને તુલુ સહિત ૧૯ ભાષાઓમાં રેકોર્ડિંગ કર્યું છે. તેણીને દ્યણા પ્રતિષ્ઠિત પુરસ્‍કારોથી નવાજવામાં આવ્‍યા છે, જેમાં ગુજરાત (૧૯૭૫), તમિલનાડુ (૧૯૮૦) અને ઓરિસ્‍સા (૧૯૮૪) માટે શ્રેષ્‍ઠ મહિલા પ્‍લેબેક સિંગરનો સમાવેશ થાય છે. તેણીના સૌથી પ્રસિદ્ધ મરાઠી ગીતોમાંનું એક, ‘રૂણાનુબંધચ્‍ય', શાષાીય હિન્‍દુસ્‍તાની ગાયક કુમાર ગાંધર્વ સાથેનું યુગલગીત છે. દેવ દેનાઘરી ધાવલા નામના મરાઠી નાટક માટે આ ગીત વાણીના માર્ગદર્શક વસંત દેસાઈ દ્વારા રચવામાં આવ્‍યું હતું. ગીતો બાલ કોલ્‍હટકરે લખ્‍યા હતા. વાણી જયરામે પંડિત બીરજુ મહારાજ સાથે ‘હોળી ગીતો' અને ‘ઠુમરી દાદરા અને ભજનો' રેકોર્ડ કર્યા. તેણીએ ઓડિસી ગુરૂ કેલુચરણ મોહોપાત્રા સાથે પખાવાજ વગાડતા પ્રફુલ્લકર દ્વારા રચિત ‘ગીતા ગોવિંદમ' પણ રેકોર્ડ કર્યું હતું. એટલુંજ નહીં વાણીજીએ ‘મુરૂગન સોંગ્‍સ' રીલીઝ કર્યું જેમાં તેણીએ લખેલા ગીતો સાથે સંગીત આપ્‍યું હતું.

વાણી જયરામે ઘણા અંગત આલ્‍બમ પણ કર્યા છે. આ ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં અનેક સંગીત સમારોહમાં હાજરી આપી છે. વાણી જયરામના મધુર સ્‍વરે દરેકને તેના ભાવપૂર્ણ અવાજ માટે દિવાના બનાવી દીધા હતા. આત્‍માને ઝંખતી વાણીની વાણી એ કુદરતની ભેટ રહી છે. વાણી જયરામ માત્ર પાંચ વર્ષના હતા ત્‍યારથીજ શાષાીય રાગો વચ્‍ચેનો તફાવત પારખી શકતા હતા. આઠ વર્ષની ઉંમરે તેણે પહેલીવાર રેડિયો પર ગીત ગાયું હતું. તે માત્ર શીખ્‍યા જ નહીં પરંતુ કર્ણાટિક અને હિન્‍દુસ્‍તાની બંને ગાયક શૈલીમાં સમાન રીતે નિપુણતા મેળવી. વાણી જયરામે તાજેતરમાં જ એક વ્‍યાવસાયિક ગાયિકા તરીકે સંગીત ઉદ્યોગમાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હતા. તેણીએ તેમની કારકિર્દીમાં ૧૦,૦૦૦ થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તેણે એવરગ્રીન ચાર્ટબસ્‍ટર્સ ગીતો આપ્‍યા છે. વાણીજીના લગ્ન સંગીતને ટેકો આપતા પરિવારમાં થયા હતા. તેણીના સાસુ પદ્મા સ્‍વામીનાથન એક સામાજિક કાર્યકર અને કર્ણાટક સંગીત ગાયિકા, એફ.જી. નટેસા ઐયરની છેલ્લી હયાત પુત્રી હતા. સંબંધમાં એન. રાજમ તેના ભાભી થાય છે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૩થી રોજ ૭૭ વર્ષની વયે વાણી જયરામે આ દુનિયાને અલવિદા કહી.(૩૦.૧૦)

‘મેરે તો ગિરધર ગોપાલ'... માટે મળ્‍યો હતો ફિલ્‍મફેર

વાણી જયરામે બોલિવૂડને ઘણા શાનદાર ગીતો પણ આપ્‍યા છે. વર્ષ ૧૯૮૦માં, વાણીજીને ફિલ્‍મ મીરાના ગીત મેરે તો ગિરધર ગોપાલ... માટે ફિલ્‍મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. ગુડ્ડી ફિલ્‍મમાં તેમના દ્વારા ગાયેલું ગીત બોલે રે પાપીહરા... પણ ખૂબ પ્રખ્‍યાત થયું હતું. આ ઉપરાંત, તેણીને વર્ષ ૧૯૯૧ માં સંગીત પીઠ સન્‍માનથી પણ નવાજવામાં આવ્‍યા હતા, વાણીજી આ સન્‍માન મેળવનાર સૌથી નાની ગાયિકા હતા. ત્‍યારે તેમની ઉંમર ૪૬ વર્ષની હતી. વાણીજીએ એમએસ ઇલૈયારાજા, આરડી બર્મન, વસંત દેસાઇ, કે.વી. મહાદેવન, ઓપી નૈયર અને મદન મોહન જેવા પીઢ સંગીતકારો સાથે કામ કર્યું. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્‍મ સ્‍વપ્‍નમ થી કરી હતી. આ વર્ષેજ પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા ૨૫ જાન્‍યુઆરીએ સરકારે પદ્મ પુરસ્‍કારોની જાહેરાત કરી હતી. આ વખતે પદ્મ ભૂષણની યાદીમાં ગાયિકા વાણી જયરામનું નામ પણ સામેલ હતું. વાણી જયરામને આધુનિક ભારતની મીરા પણ કહેવામાં આવે છે. તેમણે સંગીતની દુનિયાને નવી ઉંચાઈઓ પર પહોંચાડી હતી.

*સ્‍ટેટ બેંકમાં નોકરી કરતા હતા વાણી જયરામ, લગ્ન બાદ પતિના આગ્રહથી પ્રોફેશનલ સિંગર બન્‍યા

*આત્‍માને ઝંખતી વાણીની વાણી એ કુદરતની ભેટ રહી છે.

*માત્ર ૮ વર્ષની ઉંમરે, તેણીએ ઓલ ઈન્‍ડિયા રેડિયો, મદ્રાસ ખાતે પ્રથમ જાહેર પ્રદર્શન આપ્‍યું હતું. જયારે ઠુમરી, ગઝલ અને ભજન જેવા વિવિધ સ્‍વર સ્‍વરૂપો  શીખી ૧૯૬૯ માં પ્રથમ જાહેર કાર્યક્રમ આપ્‍યો હતો.

*‘બોલે રે પપીહરા' અને ‘હમકો મન કી શકિત દેના' જેવા ગીતો, ભજનોએ તેમને સંગીત જગતમાં મોભાદાર સ્‍થાન અપાવ્‍યું

*હિન્‍દી અને દક્ષિણ ભારતીય ભાષાઓ ઉપરાંત વાણી જયરામે ગુજરાતી, મરાઠી, મારવાડી, હરિયાણવી, બંગાળી, ઉડિયા, અંગ્રેજી, ભોજપુરી, રાજસ્‍થાની, બડગા, ઉર્દૂ, સંસ્‍કૃત, પંજાબી અને તુલુ સહિત ૧૯ ભાષાઓમાં રેકોર્ડિંગ કર્યું છે.

*સંગીત ઉદ્યોગમાં ૫૦ વર્ષ પૂર્ણ કરનાર વાણીજીએ તેમની કારકિર્દીમાં ૧૦,૦૦૦ થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા.

(4:09 pm IST)