Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજકોટથી રામચરિતમાનસ મંદિરની પદયાત્રાઃ નામ નોંધણી

ધુળેટીએ શ્રમ, આરોગ્‍ય, શિક્ષણ અને અધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી

રાજકોટઃ મોરબીરોડ પર રતનપર ખાતે દર્શનીય યાત્રાધામ શ્રીરામચરિતમાનસ મંદિરમાં દર વર્ષે ભવ્‍ય ફુલડોલ મહોત્‍સવ ઉજવાય છે. જેમાં હજારો ભાવિકો ઉમટી પડે છે. અગાઉ ફુલડોલ પ્રસંગે બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજની નિશ્રામાં સેંકડો ભાવિકો રાજકોટથી રતનપર સુધીની પદયાત્રામાં જોડાતા હતા, જેમાં ૭૦ વર્ષની જૈફ વયેશ્રી મનહરલાલજી મહારાજ સ્‍વયં ચાલીેને પદયાત્રા કરતા હતા

તે પરંપરા મુજબ પૂ.શ્રીહરિચરણદાસજી મહારાજના શુભાશિષથી આ વર્ષે ધૂળેટી તા.૭ માર્ચને મંગળવારે રાજકોટથી રામચરિતમાનસ મંદિરની પદયાત્રાનું આયોજન કરેલ છે. જેનો પ્રારંભ ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ-ગીતા મંદિર જંકશન પ્‍લોટથી સવારે ૭ કલાકે થશે. સિયારામ મંડળી આયોજિત શ્રમ, આરોગ્‍ય, શિક્ષણ અને અધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી આ પદયાત્રામાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના હોદેદારો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે. ગીતા વિદ્યાલયથી વાજિંત્રો સાથે ધૂન-ભજન સત્‍સંગ તથા બ્રાહ્મણોના મંત્રોચ્‍ચાર તથા જયશ્રીરામના જયઘોષ સાથે ભાવપૂર્ણ પદયાત્રાનો પ્રારંભ થશે. પદયાત્રામાં જોડાનાર સર્વે ભાવિકો માટે દાતાઓના સહયોગથી ચા, કોફી, અલ્‍પાહાર, લીંબુપાણી, ગ્‍લુકોઝ, દૂધકોલ્‍ડ્રીંક, પ્રાથમિક સારવાર વગેરેથી ઉચિત વ્‍યવસ્‍થા કરેલ છે.

ગૌરીદડ તથા રામમંદિરે પદયાત્રાનું માથે ઇંઢોણી લીધેલી કુમારિકાઓ દ્વારા સામૈયું થશે. પદયાત્રીઓએ લાવેલ ધ્‍વજાજી રણછોડરાયજીને ચડાવવામાં આવશે. આ પદયાત્રીઓ રામચરિતમાનસમંદિર ખાતે ધર્મસભામાં ભાગ લેશે.

પદયાત્રામાં નામ નોંધવવા ઇચ્‍છતા તથા પદયાત્રામાં સેવા આપવા ઇચ્‍છતા સર્વેને જંકશન પ્‍લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ-ગીતા મંદિરમાં નામનોંધણી માટે સંપર્ક કરવા સિયારામ મંડળીની યાદીમાં જણાવાયુ છે. ફોન ૦૨૮૧-૨૨૨૭૮૮૩

(3:49 pm IST)