Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વરરાજાને તૈયાર કરીને ઘરે આવતી વખતે રૈયા રોડ તિરૂપતીનગરના ભુપેન્‍દ્ર બગથરીયાનું અકસ્‍માતમાં મોત

એસટી બસ પોર્ટ પાસે વહેલી સવારે બોલેરો પાછળ બાઇક અથડાતાં જીવલેણ અકસ્‍માત : બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો

રાજકોટ તા. ૬: વહેલ સવારે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટના ગેઇટ સામે વહેલી સવારે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં એક બાઇક રોડ સાઇડમાં ઉભેલી બોલેરો સાથે અથડાતાં ચાલક રૈયા રોડ તિરૂપતીનગરના વાળંદ યુવાનનું કપાળ-માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. વાળંદની દૂકાનમાં તે કામ કરતો હોઇ સવારે સહકાર રોડ પર વરરાજાને તૈયાર કરવા ગયો હતો અને ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો. કરૂણતા એ છે કે આ યુવાન બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ હનુમાન મઢી પાસે તિરૂપતીનગર-૪માં રહેતો ભૂપેન્‍દ્ર (વિક્કી) જયસુખભાઇ બગથરીયા (ઉ.વ.૩૫) નામનો યુવાન સવારે ત્રણેક વાગ્‍યે પોતાનું બાઇક હંકારીને આવતો હતો ત્‍યારે ઢેબર રોડ એસટી બસ પોર્ટ પાસે પહોંચ્‍યો તે વખતે બોલેરો પાછળ બાઇક અથડાતાં માથા-કપાળે ગંભીર ઇજા થતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ભુપેન્‍દ્ર બે બહેનનો એકનો એક ભાઇ હતો અને અગાઉ લગ્ન બાદ તેના છુટાછેડા થઇ ગયા હતાં. હાલમાં તે કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજ સામે ગૂડ લક હેર સેટીંગ નામની દૂકાનમાં નોકરી કરતો હતો. સહકાર રોડ પર એક વરરાજાને તૈયાર કરવાનો હોઇ તે રાતે બાઇક લઇને ત્‍યાં ગયો હતો અને વહેલી સવારે ત્‍યાંથી પરત ઘર તરફ આવતો હતો ત્‍યારે જીવલેણ અકસ્‍માત નડયો હતો. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(12:05 pm IST)