Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મંગળવારે બપોરે ૩ાાથી દરેક પી.ઓ. બેલેટ પેપર છાપવા સરકારી પ્રેસમાં દોડી જશેઃ દરેક બુથમાં 'ટેન્ડર વોટ' માટે ૨૦-૨૦ બેલેટ અપાશે

ઈવીએમ ઉપર રાખવાના બેલેટ સર્વિસ વોટર્સ અને પોસ્ટલ બેલેટ છાપવા કાર્યવાહી કરાશે : જે વોર્ડમાં ૧૪થી વધુ ઉમેદવારો હશે ત્યાં બે ઈવીએમ રખાશેઃ ફોર્મ ભરવા ધસારો જોતા આવુ અનેક વોર્ડમાં બનશે : દરેક વોર્ડ દીઠ ૧૫૦૦ જેટલા પોસ્ટલ બેલેટ છાપવાની મથામણ

રાજકોટ, તા. ૬ :. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આજે છેલ્લા દિવસે કોંગ્રેસના વધુ ૪૧, ભાજપના ડમી, આપ, એનસીપી-અપક્ષ વીવીપી વિગેરે પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા ભારે ધસારો ઉદ્ભવ્યો છે.

દરમિયાન આજે કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ફોર્મ ભરાયા, ચકાસણી, પાછા ખેંચવાની વિધિ બાદની કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે મંગળવારે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, બપોરે ૩ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ત્યાર બાદ ૩ાા વાગ્યાથી દરેક રીટર્નિંગ ઓફિસર હરીફ ઉમેદવારોની યાદીનું ફાળવાયેલ પ્રતિક સાથેનુ બેલેટ પેપર છાપવા સરકારી પ્રેસમા દોડી જશે, જ્યાં મોડી રાત સુધી કાર્યવાહી ચાલશે.

સૂત્રોએ જણાવેલ કે, દરેક વોર્ડ દીઠ અંદાજે ૧૩૦૦થી ૧૫૦૦ જેટલા બેલેટ પેપર છપાશે, એમા પણ ૧ વોર્ડમાં ૧૪થી વધુ ઉમેદવારો હશે ત્યાં બે ઈલેકટ્રોનિક વોટીંગ મશીન રખાશે. ઈવીએમમાં ૧૪ ઉમેદવારોના નામ અને ૧ નોટાની સ્વીચ સહિત કુલ ૧૫ સ્વીચ હશે.

બેલેટ પેપરમાં બુથ દીઠ ૨૦-૨૦ 'ટેન્ડર વોેટ' માટેના બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ પેપર, દરેક ઈવીએમમાં રાખવાના થતા બેલેટ પેપર તથા સર્વિસ વોટર્સના બેલેટ પેપરનો સમાવેશ થાય છે. દરેક આર.ઓ. દીઠ ૧૦૦થી ૧૨૫ જેટલા સર્વિસ વોટર્સ જોતા ૯મીએ જ આ સર્વિસ વોટર્સને જે તે મામલતદાર મારફત બેલેટ પેપર રવાના કરી દેવાશે.જે રીતે ફોર્મ ભરવા ધસારો થયો છે તે જોતા શહેરના ઘણા વોર્ડના બુથોમાં ૨-૨ ઈવીએમ  રાખવા  પડે તેવી સ્થિતિ સર્જાવાની  શકયતા  સૂત્રો દાખવી  રહ્યા છે.

(3:25 pm IST)