Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વોર્ડનં.૩ના કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ભાજપને મોંઘવારી, માસ્ક, ઇ-મેમોના દંડનો જવાબ પ્રજા આપશેઃ ગાયત્રીબા

લોકડાઉનમાં ધંધા-રોજગાર ગુમાવી ચુકેલા વેપારીઓ, પિસાયેલી પ્રજા મતરૂપી કોંગ્રેસની ઝોળી છલકાવી દેશે તેવો ચારેય ઉમેદવારોએ વિશ્વાસ વ્યકત કર્યો : વોર્ડનં.૩ના કોંગ્રેસના ઉમેદવારો ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસનાની, દાનાભાઇ હુંબલ અને કાજલબેન પુરબીયાએ વિજય વિશ્વાસ રેલી સાથે ફોર્મ ભર્યાઃ કોંગી આગેવાનો-કાર્યકરોની હાજરી, પ્રચંડ ઉત્સાહ : ઉપરોકત તસ્વીરોમાં વોર્ડનં.૩ના કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું હતુ. તે અગાઉ વિજય સંકલ્પ યાત્રા કાઢી હતી. તેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

તસ્વીરમાં ઉમેદાવારો ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસનાની, દાનાભાઇ હુંબલ અને કાજલબેન પુરબીયા સાથે અકિલાના સીનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ સહિતના કોંગી આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ તા.૬, શહેરના વોર્ડનં.૩ના કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, દિલીપભાઇ આસનાની, શિક્ષણ શાસ્ત્રી દાનાભાઇ હુંબલ અને કાજલબેન પુરબીયાએ આજે પોતપોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યા હતા.

આ પહેલા રેલનગરથી શરૂ થયેલી વિજય વિશ્વાસ રેલીમાં બહોળી સંખ્યામાં વોર્ડનં.૩ના અસંખ્ય કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા અને રેલી સ્વરૂપે વોર્ડનં.૩ના શાસ્ત્રીનગર જંકશન પ્લોટ, હંસ રાજનગર સહિતના રૂટમાં આવતા વિસ્તારો અને બજારોમાંથી થઇ જુની કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડનં.૩ના સક્રિય મહિલા ઉમેદવાર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસની સમગ્ર પેનલ બહુમતી સાથે ચૂંટાઇ આવશે ભાજપને વર્તમાન સમયમાં મોંઘવારી, માસ્ક અને ઇ-મેમોના કમ્મરતોડ દંડ અને વિકાસના આભાસી દાવાઓને ફગાવી સ્વચ્છ, સુઘડ અને લાઇટ, પાણી, રસ્તાઓ સાથેની સુવિધા રાજકોટને આપવાની નેમ વ્યકત કરી હતી.

આ તકે વોર્ડનં.૩ના અગ્રણીઓ સર્વશ્રી બિલહરબા સરવૈયા બેડીનાકા વિસ્તારના અગ્રણી મનુમામા કોટક, એડવોકેટ તુષારભાઇ દવે, હરીભાઇ વાસદેવાણી, દિપકભાઇ ભાટીયા, જગદીશભાઇ મદલાણી, વિઠ્ઠલભાઇ પુરબીયા, પિન્ટુ પુરબીયા, જંકશન વિસ્તારના અગ્રણી વેપારી રાધાકિશનભાઇ આહુજા, ગૌરવભાઇ પુજારા, શંકરભાઇ ચૌહાણ, રાકેશભાઇ ચાંદ્રા, ચમનભાઇ વાડોદરા, આઇ.કે., પ્રેમચંદ મદીયાણી, ઠાકુરભાઇ કામચંદાણી, સુનીલભાઇ બિજલાણી, સહદેવસિંહ વાઘેલા, સુખદેવસિંહ વાઘેલા, પૃથ્વીસિંહ, ભાસ્કરભાઇ ભાનુશાળી સહિતના કાર્યકરો જોડાયા હતા.

લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર ગુમાવી ચુકેલા વેપારીઓ, પિસાયેલી પ્રજા મતરૂપી કોંગ્રેસની ઝોળી છલકાવી દેશે તેવો ચારેય ઉમેદવારોએ વિશ્વાસ વ્યકત કર્યો.

(3:20 pm IST)