Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કાલે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા રાજકોટમાં :રોડ શો યોજાશે

તમામ ૭૨ બેઠક પર ઝંપલાવ્યું : 'આપ' સત્તામાં આવશે તો ઢોરનો ત્રાસ, ટ્રાફિક, સફાઇ સહિતની સમસ્યાને પ્રાધાન્યઃ જાહેરમાં જનરલ બોર્ડ : પારદર્શક વહીવટઃ પત્રકાર પરીષદમાં માહિતી આપતા અજીત લોખીલ -રાજભા ઝાલા

આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયાના યોજાનાર રોડ શો અને ૭૨ ઉમેદવારોનાં માહિતી આપતા અજીત લોખીલ અને રાજભા ઝાલાએ આપી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૬: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા બધા વોર્ડમાં ૭૨ ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે ત્યારે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવતી કાલે તા. ૨૭નાં રાજકોટ આવી રહ્યા છે, અને તેમનો ભવ્ય રોડ શો યોજાશે. આજે 'આપ' એ તમામે તમામ વોર્ડ ૧૮ નાં ૭૨ બેઠક પર ઉમેદવારી પત્રક રજૂ કરી દીધા છે. તેમ 'આપ'નાં સંગઠન મંત્રી અજીત લોખીલ તથા શહેર પ્રમુખ રાજભા ઝાલાએ યોજાયેલ પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું. તેઓએ 'આપ'  રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સત્તા આવવાનો વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતુ કે, આપ સતામાં આવશે તો પાણી, લાઇટ, ટ્રાફિક તથા ઢોરના ત્રાસ સહિતની સમસ્યાનો પ્રાધાન્ય આપવામાં આવશે.. તેમજ કોર્પોરેશનમાં નગર રાજ લાવીશું. મ.ન.પા.ના જનરલ બોર્ડ જાહેર સ્થળો પર યોજાશે તેમ જણાવ્યું હતું.

આ અંગે પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા શહેર પ્રમુખ રાજભા ઝાલાએ  પત્રકાર પરીષદમાં યોજીને માહિતી આપતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમા ભ્રષ્ટાચાર મુકત, ઈમાનદાર સાશન ચલાવીને સમગ્ર દેશમા કામની રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટી આ કામની રાજનીતિ પુરા દેશમાં પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્ન કરી રહી છે, તેના ભાગ રૂપે ગુજરાતમાં પણ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાનો નિર્ણય આમ આદમી પાર્ટીએ ૬ મહિના પહેલા જ જાહેર કરી દીધેલ.

રાજકોટમાં પણ રાજનીતિમાં બદલવાના ઉદેશ સાથે ઈમાનદાર, પ્રતિષ્ઠિત અને શિક્ષિત યુવાઓને પાર્ટીમા જોડીને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પ્રેરિત કર્યા છે. જેથી રાજકોટમા આમ આદમી પાર્ટીના બેનર હેઠળ અનેક ક્રાંતિકારી યુવાનો અને યુવતીઓ આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડી રહ્યા છે અને ઉમેદવારી નોંધાવી ચૂકયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા બધા વોર્ડમાં ૭૨ ઉમેદવારો જાહેર થઇ ચુકયા છે ત્યારે દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિનાં પ્રણેતા મનીષ સીસોદીયા રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવતી કાલે તા. ૭ના રવિવારે રાજકોટ આવી રહ્યા છે, અને તેમનો રોડ શો ૩ વાગ્યે યોજાશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યો છે.

વધુમાંશ્રી લોખીલ અને ઝાલાએ જણાવ્યું હતું કે મનીષ સિસોદિયાના રોડ શોનો પ્રારંભ ગ્રીન લેન્ડ ચોકડીથી થશે તે પૂર્વે શ્રી સિસોદિયા પૂજય શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કરવા જશે અને રોડ શો નો પ્રારંભ કરશે અને સરદાર પટેલની પ્રતિમા, બહુમાળી ભવન પાસે પૂર્ણ થશે. અંદાજિત ૪ કલાકનાં રોડ શોમા આશરે ૨૦ કિલોમીટર જેટલા રૂટ બનાવીને રાજકોટના મોટા ભાગના વોર્ડ કવર કરવાનો પ્રયત્ન કરેલ છે. રોડ શો દરમિયાન અનેક સ્થાનો પર મનીષ સિસોદિયાનું સ્વાગત કરવામાં આવશે. આ રોડ શોમા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા પોત પોતાના મોટર સાયકલ સાથે જોડાશે. રોડ શો ને સફળ બનાવવા જીણવટ પૂર્વક આયોજન કરી ને અલગ-અલગ ટીમો બનાવીને આગેવાનોને જવાબદારી સોપવામાં આવી છે. તેમ અંતમાં જણાવ્યું હતું.

૨૦ કિ.મી.ના રોડ શો નો રૂટ

રાજકોટ : આવતીકાલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાના રોડ -શો યોજશે. જેનો રૂટ આ મુજબ છે.

ગ્રીનલેન્ડ ચોકડી થી પારેવડી ચોક, ચુનારાવાડ ચોક, રામનાથપરા જેલ, જીલ્લા ગાર્ડન ચોક, કેનાલ રોડ, કેવડા વાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી ચોક, કોઠારીયા રોડ, નિલકંઠ સિનેમા, આનંદનગર મેઇન રોડ, બોલબાલા માર્ગ, ૮૦ ફૂટ રોડ, પટેલ વાડી, જલારામ ચોક, ઢેબર રોડ, ગુરૂકુલ, મધુરમ હોસ્પિટો, મક્કમ ચોક, ઓવરબ્રીજ થઇને મવડી મેઇન રોડ, આનંદ બંગલા, બેકબોન, રાજનગર મેઇન રોડથ કોટેચા ચોક, યુનિ. રોડ, ઇન્દીરા સર્કલ, સાધુવાસવાણી રોડ, નક્ષત્ર બિલ્ડિંગ-રૈયા રોડ, આલાપ ગ્રીનસિટીથી રૈયા ચોકડી, હનુમાન મઢી, એરપોર્ટ રોડ, રંગ ઉપવન સોસાયટી, સિંચાઇ નગર, અલ્કાપુરીથી રૈયા રોડ, આઝાદ ચોકથી અંદરબ્રિજ રેસકોર્ડ રિંગ રોડથી મેયર બંગલાથી પોલીસ હેડ કવાર્ટર થઇ બહુમાળી ભવન સરદાર પટેલ સ્ટેચ્યુ પૂર્ણ થશે.

(3:17 pm IST)