Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટમાં: સિવિલ હોસ્પિટલમાંં મિટીંગઃ ૫૦ સીટ માટે વર્ગ કયાં ચાલુ કરવો તેનું નિરીક્ષણ

પડધરી નજીક એઇમ્સની સાઇટની પણ મુલાકાત લેશેઃ એઇમ્સના ડિરેકટર સંજીવ મિશ્રા, ડે. ડિરેકટર એન. આઇ. બિશ્નોઇ સહિતના ચાર અધિકારીઓ ટીમમાં સામેલઃ ડીન-તબિબી અધિક્ષક સાથે બેઠક, મહત્વના મુદ્દાઓની ચર્ચા

એઇમ્સની ટીમના અધિકારીઓ આજે રાજકોટ આવી પહોંચ્યા હતાં અને મેડિકલ કોલેજમાં બેઠક યોજી હતી. તસ્વીમાં ડીન ડો. ગોૈરવી ધ્રુવએ તમામનું સ્વાગત કર્યુ હતું તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: રાજકોટને કેન્દ્ર સરકારે એઇમ્સ ફાળવી છે અને તેની પડધરી નજીક સાઇટ પણ શરૂ થઇ ગઇ છે ત્યારે સમયાંતરે દિલ્હીથી એઇમ્સની ટીમો રાજકોટ આવી સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા સાઇટ પર પહોંચી વિવિધ મુદ્દે સંબંધીતો સાથે બેઠકો યોજી ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપે છે. આજે ફરીથી દિલ્હી એઇમ્સની એક ટીમ રાજકોટ આવી પહોંચી છે. સવારે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે ડીન  તથા તબિબી અધિક્ષક અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એમબીબીએસ અને એઇમ્સ માટે વધારાની ૫૦ બેઠકોની ફાળવણી થઇ ચુકી હોઇ તેનો વર્ગખંડ કયાં શરૂ કરવો? તે સહિતના મુદ્દે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોનું આ ટીમે નિરિક્ષણ કર્યુ હતું અને સંબંધીતો સાથે બેઠક યોજી જરૂરી માહિતીની આપ-લે કરી હતી.

રાજકોટને એઇમ્સ મળ્યાની જાહેરાત થઇ ત્યારથી જ કલેકટર અને આરોગ્ય તંત્ર તથા હોસ્પિટલ અને મેડિકલ કોલેજનના તંત્રને સતત આ પ્રોજેકટ માટે દોડધામ કરવી પડે છે. આજે દિલ્હી એઇમ્સના અધિકારીઓ ડિરેકટરશ્રી સંજીવ મિશ્રા, ડેપ્યુટી ડિરેકટર શ્રી એન.આઇ. બિશ્નોઇ, જોધપુર એઇમ્સ ફેકલ્ટીના શ્રી સુરજીત કટ્ટા અને જગદીશ ગોયલની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.  સવારે આ અધિકારીઓની ટીમે મેડિકલ કોલેજ ખાતે ડીન ડો. ગોૈરવી ધ્રુવ, તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તથા બીજા અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. એઇમ્સને અંતર્ગત વધારાની ૫૦ એમબીબીએસની સીટ ફાળવવામાં આવી હોઇ તેના અભ્યાસક્રમ માટે હોસ્પિટલ કે મેડિકલ કોલેજના કયા વિભાગમાં વર્ગખંડ શરૂ કરવો? તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને બાદમાં અલગ-અલગ વિભાગોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.   આ ટીમ બાદમાં પડધરી તરફ એઇમ્સની સાઇટ ખાતે પણ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.

(11:34 am IST)