Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ત્રણ ટ્રાફિક બ્રિગેડ 'રોકડી' કરતા ઝડપાયાઃ કાયમી ધોરણે ઘરભેગાઃ જેસીપી ખત્રી લાલઘૂમ

પકડાયેલા ત્રણેય ભવિષ્યમાં પણ ટ્રાફિક બ્રિગેડમાં ભરતી ન થાય એ માટે બ્લેક લિસ્ટમાં મુકાયા : ચિરાગ પીઠવા, તરૂણ રાણા અને સોહિલ ફારૂકી પોતાનો પોઇન્ટ ન હોવા છતાં પુનિતનગર ચોકમાં વાહનો રોકતા હોઇ સીસીટીવી કેમેરામાં નજરે ચડ્યાઃ એએસઆઇની પણ હેડકવાર્ટરમાં બદલી : ટ્રાફિક બ્રિગેડની ફરજ માત્ર ટ્રાફિક નિયમનની છે, દંડ ઉઘરાવવાની સત્તા નથીઃ નાગરિકોએ નોંધ લેવા અનુરોધ

રાજકોટ તા. ૬: શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓ સતત સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક નિયમન પર નજર રાખતાં હોય છે તેમજ જાતે માર્ગો પર નીકળીને પણ માહિતી મેળવતા હોય છે. અગાઉ તેમની ઝપટે અનેક ટ્રાફિક વોર્ડન બેકાળજી દાખવતા ચડી ગયા હતાં. ત્યાં ગઇકાલે એક સાથે ત્રણ વોર્ડન ચિરાગ પીઠવા, તરૂણ રાણા અને સોહિલ ફારૂકી ગોંડલ રોડ પુનિતનગર ચોકમાં પોતાનો પોઇન્ટ ન હોવા છતાં વાહનોને અટકાવી દંડ ઉઘરાવી, વાહન ચેકીંગ કરવાની કામગીરી કરી રહેલા નજરે ચડતાં અને તેમાં સોહિલ ફારૂકી ગુજરાત પોલીસનું જેકેટ પહેરી હાથમાં મેમો બૂક રાખી વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતો દેખાતાં આ ત્રણેય સામે સિધ્ધાર્થ ખત્રીએ આકરી કાર્યવાહી કરી છે.

ટ્રાફિક પોલીસની ટ્રાફિમ નિયમનની કામગીરીમાં મદદરૂપ થવા માટે વોર્ડનની ભરતી કરવામાં આવી હોય છે. પરંતુ અમુક વોર્ડન જાણે પોતે જ મોટા અધિકારી હોય એ રીતે રોફ જમાવતાં નજરે ચડતાં હોય છે. ત્યારે ઉઘરાણા કરતાં ઝડપાયેલા ત્રણેય વોર્ડનને તાત્કાલીક અસરથી ડીસમીસ કરી તે ભવિષ્યમાં પણ કયારેય ટ્રાફિક વોર્ડનમાં ભરતી ન થઇ શકે તે માટે બ્લેક લિસ્ટ જાહેર કરાય છે. તેમજ આ પોઇન્ટના એએસઆઇની પણ તાકીદના ધોરણે હેડકવાર્ટરમાં બદલી કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે.

શ્રી સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે કે ટ્રાફિક વોર્ડનની કામગીરી માત્ર ટ્રાફિક નિયમન કરવાની જ છે, તે વાહન ચેકીંગ કરી દંડ ઉઘરાવવાની કામગીરી કરી શકતા નથી. આ બાબતની નાગરિકોએ પણ ખાસ નોંધ લેવી જરૂરી છે. અગાઉ પણ ટ્રાફિક વોર્ડન ચાલુ ફરજે ગપ્પા મારતાં નજરે ચડતાં અને બીજી તરફ ટ્રાફિક જામ થઇજતાં આ વોર્ડન અને તેની સાથેના ટ્રાફિક પોલીસ કર્મચારી સામે આકરા પગલા લેવામાં આવ્યા હતાં.

(3:43 pm IST)