Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

લેણા નીકળતાં રિક્ષા ભાડાના પૈસા માંગતા અમિતને કાનાએ ધોકાથી ધોકાવી નાંખ્યો

ગાંધીગ્રામના ભીલ યુવાનને વાત કરવા કાલાવડ રોડ પર બોલાવ્યા બાદ હુમલો

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામમાં લિજ્જત પાપડ પાછળ શાસ્ત્રીનગરમાં રહેતાં રિક્ષાચાલક અમિત સંજયભાઇ ચોહાણ (ઉ.૨૨) નામના ભીલ યુવાનને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે કેટરર્સવાળા કાના અને તેની સાથેના રાવડી નામના શખ્સે વાત કરવા બોલાવ્યા બાદ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

અમિતના ભાઇના કહેવા મુજબ અમિત અગાઉ કાનાના કેટરર્સના માણસોને રિક્ષામાં મુકવા ગયો હોઇ તેના ભાડાના પૈસા લેવાના બાકી હોઇ અમિતે ફોન કરીને ઉઘરાણી કરતાં તેને વાત કરવાના બહાને ક્રિસ્ટલ મોલ પાસે બોલાવી ધોલધપાટ કરવામાં આવી હતી.

ગાંધીગ્રામના લખન પર પોપટપરામાં ધોકાથી હુમલો

ગાંધીગ્રામ ભારતનીગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં લખન રસિકભાઇ રાવલ (ઉ.૨૪)ને પોપટપરા રોડ પર ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. લખનના કહેવા મુજબ તેના મિત્ર ધનરાજના મિત્રને બાઇક અડી જવા બાબતે ઝઘડો થતાં પોતે ત્યાં જતાં પોતાના પર હુમલો કરાયો હતો.

(3:41 pm IST)