Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગુજરાતમાં ભાજપની સરકાર ઘોર નિષ્ફળ ગઇ છેઃ લોકહિતની કામગીરી કરોઃ આવેદન

રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ તાલુકા મામલતદારને આવેદન આપ્યું ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ૬ :.. રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સંજય ખૂંટ અને અન્યોએ તાલુકા મામલતદારને આવેદન પાઠવી.

ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં ખેડૂતોના નામે માત્ર મોટી અને ખોટી વાતો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોના મુળભુત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ખેડૂતોની આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે. રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. પાક વિમાનું પ્રીમીયમ ફરજીયાત બનાવીને કૃષિ સબસીડીના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા કૃષિ ફસલ વીમા યોજનાના નામે ભાજપ સરકારે ષડયંત્ર રચી પાકવીમાનું પ્રીમીયમ ફરજીયાત કાપી લેવાની યોજના કરી છે. તેવા આક્ષેપો કર્યા હતાં.

રાજયમાં સરકારી આરોગ્ય સેવાઓ કથળી ગઇ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ તેમજ સાધન-સુવિધા અને દવાઓનો અભાવ હોય છે. સામાન્ય પ્રજાજનોને ખાનગી આરોગ્ય સેવાઓ પરવડતી નથી. ત્યારે રાજયમાં પ્રજાનો વ્યાપક વર્ગ આરોગ્ય સેવાઓના અભાવથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

આમ, રાજયની ભાજપ સરકાર તમામ મોરચે સદંતર નિષ્ફળ નીવડી છે. લોકહિત કે પ્રજાની સુખાકારીની કોઇ યોજનાઓ કે કામગીરી થતી નથી, માત્ર મૂડીપતિઓ અને ભાજપના મળતીયાઓ દ્વારા સરકારી તંત્રનો અંગત લાભ માટે બેફામ દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ગુજરાત રાજયની પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે, ત્યારે હરહંમેશ પ્રજાની પડખે રહેવાની કોંગ્રેસની નીતિને અનુરૂપ કોંગ્રેસ પક્ષ રાજયની ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાને વખોડી કાઢે છે અને તાકીદે પ્રજાની સુખાકારી અને લોકહીતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગણી કરે છે.

(3:38 pm IST)