Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પંચાયતના આરોગ્ય કર્મચારીઓ સામુહિક રજા પરઃ તા.૧પમી સુધીની મહેતલ, નહિતર અચોક્કસ મુદ્દતની હડતાલ

રાજકોટ જિલ્લાના કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ સૂત્રોચ્ચાર-રકતદાન શિબિર

રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઇ સૂત્રોચ્ચાર-રકતદાન શિબિર જેવા કાર્યક્રમો યોજેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૬ : રાજયની જિલ્લા પંચાયતો સાથે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓએ આજે પોતાની માંગણીઓ સંદર્ભે માસ સી.એલ. (સામુહિક રજા) રાખી છે. રાજયના ૩પ હજાર જેટલા કર્મચારીઓ સામુહિક રજા પર હોવાનું કર્મચારી સંગઠનનું કહેવું છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ આજના આંદોલનાત્મક કાર્યક્રમમાં જોડાયા છે.

આરોગ્ય કર્મચારીઓએ આજની સામુહિક રજા બાદ સરકારને ૧પ ફેબ્રુઆરી સુધીની મહેતલ આપી છે ત્યાં સુધીમાં સરકાર કંઇ કાર્યવાહી ન કરે તો અચોક્કસ મુદતની હડતાલની તૈયારી છે. ભાવિ રણનીતિ નક્કી કરવા તા. ૧૧મીએ રાજય કક્ષાની બેઠક થશે.

આરોગ્ય કર્મચારીઓની માંગણીમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવા, પંચાયત સેવામાં ત્રિસ્તરીય માળખાનો અમલ કરવો, તાલુકા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યા અપગ્રેડ કરવી, નવા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરવુ, લેબ ટેકનિશ્યનને તાલુકા કક્ષાએ શુભ બજેટમાં લેબોરેટરી સુપરવાઇઝર તરીકે કામગીરી સોંપવી, જી.એન.એમ. કેડર પંચાયતને નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, વોશીંગ એલાઉન્સ વગેરેનો લાભ આપવા વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તા. ર૦ ડસસેમ્બરે સરકારમાં આરોગ્યના મહત્વના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજુઆત કરેલ હતી, પરંતુ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા આરોગ્ય કર્મચારી મંડળના આદેશ મુજબ ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તા. ર૧ જાન્યુઆરીએ સુધી કાળીપટ્ટી પહેરી કર્મચારીઓએ વિરોધ નોંધાવેલ છે. તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓએ પેન ડાઉન કરી કામગીરી કરેલ, પરંતુ ઓનલાઇન કે ઓફલાઇન રીપોર્ટીંગ કરેલ નથી છતાં સરકાર તરફથી કોઇ પ્રત્યુતર ના મળતા મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નીચે ફરજ બજાવતા કુલ પ૪ પ્રા.આ.કેન્દ્ર તથા ૧૧ તાલુકા હેલ્થ ઓફીસ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જુ. ફાર્મસીસ્ટ, લેબોરેટરી ટેકનીશ્યન મેઇલ સુપરવાઇઝર, ફિમેલ સુપરવાઇઝર, મેઇલ હેલ્થ વર્કર અને ફિમેઇલન હેલ્થ વર્કર એમ કુલ ૬ કેડરના આશરે ૯૦૦ કર્મચારીઓએ આજે બપુવારના માસ સી.એલ. મૂકી રાજકોટ જિલ્લા પંચાયત ખાતે એકઠા થઇ રામધુન તથા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. એકત્રીત થયેલ લોહી રાજકોટ જીલ્લાની સગર્ભા માતાઓ અને ગરીબ દર્દીઓને આપવામાં આવનાર છે તેમ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની યાદી જણાવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયા, મહામંત્રી આર.ડી. ગોહીલ, મુખ્ય કન્વીનર એ.બી. સેજાણી, ઉપપ્રમુખ જાવેદભાઇ પઠાણ, સહમંત્રી કરણ હડીયા, સંગઠન મંત્રી માનસિંહ પરમાર તથા જયદીપભાઇ મારૂ, એસ.એન. ઢોલ, પી.ટી. સાવલીયા, એચ.જી. કાલરીયા, લક્કડભાઇ તાલુકા કન્વીનરશ્રી નાગેશ્રીભાઇ, કાથરોટીયાભાઇ, કાનાણીભાઇ, સુવાભાઇ, જીતુભાઇ પટેલ તેમજ મહિલા કન્વીનર એન.એલ. જોષી, સુરેખાબેન, પાંચાણીબેન, રેખાબેન દવે વગેરેએ જહેમત ઉઠાવેલ છે.(૮.૯)

(11:34 am IST)