Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જલ હૈ તો કલ હૈ ! પ્રજા માટે પરેશાનીના પુર, સરકાર માટે ચિંતા તણાઇ આવી

નર્મદા ડેમની સપાટી ઘટીને ૧૧૧ મીટરે પહોચતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉનાળો પાર કરવો અતિ કપરો

રાજકોટ, તા., ૬: ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં ર૦૧૭ના વર્ષમાં ઓછુ પાણી આવતા સમગ્ર ગુજરાતમાં અસર કરે તેવા જળસંકટનો ભય ઝળુંબી રહયો છે. રાજયની પ્રજા માટે પીવાના પાણીને સર્વોચ્ચ અગ્રતા આપી સરકારે ઉનાળુ પાકમાં સિંચાઇનું પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પાણી એ જીવન નિર્વાહનો મુખ્ય આધાર છે. અત્યારથી જ પાણીની ખેંચ દેખાવા લાગી છે. પ્રજા માટે ઉનાળામાં પરેશાનીના પુર આવે તેવા સ્પષ્ટ એંધાણ છે. સરકાર માટે અણધારી ચિંતા તણાઇ આવી છે.

નર્મદા ડેમની સપાટી ઘટીને ૧૧૧ મીટર આસપાસ પહોંચી જતા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પુરૂ પાડવા માટે સરકાર માટે ચિંતાનો વિષય થઇ ગયો છે. સૌરાષ્ટ્રની કેનાલોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. હજુ નવા ચોમાસાના આગમનને ૪ મહિનાની વાર છે. ઉનાળો કેમ પાર પાડવો તેના માટે સરકાર બેઠકોનો દોર શરૂ કર્યો છે. સ્થાનીક સોર્સ પર વધુ આધાર રહેશે.

ગુજરાતના હજારો ગામડાઓ અને અનેક શહેરો નર્મદા યોજના આધારીત પાણી મેળવી રહયા છે. સૌની યોજના પણ નર્મદા આધારીત છે જેનાથી ૧૧પ ડેમ ભરવાના છે. ગુજરાતને પાણી પુરૂ પાડવા માટે મુખ્ય આધારરૂપ નર્મદા ડેમ જ ડુકવા લાગતા લોકો અને સરકારની ચિંતા વધી છે. આવતા દિવસોમાં પાણી માટે શેરી આંદોલનો થાય તેમજ સરકાર સામે મોટો પડકાર ઉભો થઇ જાય તેવા સ્પષ્ટ એંધાણ છે. પાણીના નામે આવનારા દિવસોમાં રાજકારણ ગરમાશે.

(3:56 pm IST)