Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નર્મદા નહી તારી શકેઃ આજી-ન્યારી ઉનાળામાં જ ડૂકશેઃ ઝળુંબતો પાણી કાપ

કોર્પોરેશનના ઇજનેરો ચિંતામાં ડુબ્યાઃ જો ૨૭૦ MLD નર્મદા નીર ન મળે તો 'પાણીકાપ'નો વિકલ્પ અપનાવવો જ પડશે

રાજકોટ તા. ૭ : શહેરને પાણી પુરૂ પાળતા મુખ્ય જળસ્ત્રોત આજી - ન્યારી અને ભાદર જળાશયોનું તળીયુ ઉનાળામાં દેખાવા લાગશે તો બીજી તરફ આ વર્ષ નર્મદા નીર પણ તારણહાર બની શકે તેમ નથી. આ સંજોગોમાં રાજકોટવાસીઓ ઉપર પાણીકાપ ઝળુંબી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનના ઇજનેરી સૂત્રોએ આપેલી આંકડાકીય માહિતી મુજબ રાજકોટનો આજી ડેમ હાલ ૨૨ ફુટની સપાટીએ છે. તેમાંથી રોજ પાણી ઉપાડવામાં આવે છે તેથી આ ડેમનું તળિયુ એપ્રિલમાં દેખાઇ જશે.

તેવી જ રીતે ન્યારી ડેમ પણ ૧૪ ફુટ સુધી જ ભરેલો છે. આ ડેમનું તળિયુ મે મહિનાના અંત સુધીમાં દેખાઇ જશે. જ્યારે ભાદર ડેમ જુન સુધી ચાલી શકે તેમ છે. પરંતુ આમ છતાં આ ડેમના જળ જથ્થાની સમીક્ષા કરાયા બાદ જ તેમાંથી કેટલું પાણી કયાં મહીના સુધી ઉપાડી શકાશે તે નિર્ણય લઇ શકાય.  આમ, જળાશયોની આ સ્થિતિ જોઇને ઇજનેરો ચિંતીત બન્યા છે. કેમકે ગત વર્ષ ઉપરોકત ત્રણેય ડેમો તળિયા ઝાટક હતા છતાં શહેરીજનોને દરરોજ ૨૦ મીનીટ પાણી અપાયું હતું પરંતુ તે વખતે નર્મદા યોજનાનું પાણી જોઇ તેટલું મળ્યું હતું અને છેલ્લે સૌની યોજનાથી આજી-૧ ડેમને ભરી દેવામાં આવ્યો હતો.

પરંતુ આ વર્ષ નર્મદાનું પાણી જોઇએ તેટલું મળશે નહી તેવું રાજ્ય સરકારે જાહેર કરી દીધું છે ત્યારે ઉનાળામાં રાજકોટને દરરોજ ૨૬૦ એમ.એલ.ડી. જેટલું પાણી કેવી રીતે વિતરણ કરવું ? તેવો સૌથી મોટો સવાલ ઉભો થયો છે.

જોકે મ્યુ. કમિશ્નરે રાજ્ય સરકારને બે મહિના અગાઉ જ પત્ર પાઠવી અને રાજકોટને ઉનાળામાં સૌની યોજનામાંથી અથવા નર્મદા કેનાલ યોજનામાંથી દરરોજ ૨૬૦ એમએલડી જેટલું પાણી આપવા માંગણી કરી દીધી છે પરંતુ હવે સરકારે જ 'નર્મદા નીર' બાબતે હાથ ઉંચા કરી દીધા છે ત્યારે ઉનાળામાં પાણીકાપનો વિકલ્પ ફરજીયાત અપનાવવો પડશે.

(3:56 pm IST)