Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પંકજભાઇ ભટ્ટે ૧II લાખ સામે ૮ લાખ ચુકવ્યા છતાં વધુ ૪ લાખ માંગી ધમકીઃ મહેશ જાનીની ધરપકડ

વ્યાજખોરો સામેના લોક દરબારોમાં ફરિયાદીનો ધોધ વહ્યા પછી પોલીસની આકરી કાર્યવાહી શરૂ : તેજસ સોનીએ ૧૦ ટકે ૧ લાખ લીધા તેની સામે ૯૦ હજાર ચુકવ્યા છતાં વધુ માંગી કારની ઠોકરે ચડાવી, લાકડીથી ફટકારી ગાળો દઇ ખૂનની ધમકી

રાજકોટ તા. ૬: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી ઝોન-૧ બલરામ મીણા તથા ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલાએ વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી લોકદરબારો યોજી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને રજૂઆતો, ફરિયાદો કરવા લોકોને આહવાન આપ્યું હતું. જુદા-જુદા લોક દરબારમાં વ્યાજખોરો સામેની ફરિયાદોનો ધોધ વહ્યો હતો. ૧૧ ગુના એક જ દિવસમાંનોંધાયા બાદ વધુ બે ગુના સામે આવ્યા છે. પોલીસે ઝડપથી તપાસ કરી ધરપકડનો દોર શરૂ કરી આકરી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. નવા બે ગુના નોંધાયા તેમાં બ્રાહ્મણ પ્રોૈઢે ૧II લાખની સામે ૮ લાખ વ્યાજ ચુકવ્યું છતાં તેની પાસેથી હજુ ૪ લાખ માંગી ધમકી અપાતી હતી! આ વ્યાજખોરની તાકીદે ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે તાલુકા પોલીસે ૧૫૦ રીંગ રોડ બાલાજી પાર્ક ફોર્ચ્યુન હોટેલ વાળી શેરીમાં રહેતાં અને હળવદ ખાતે આરોગ્ય વિભાગમાં તાલુકા સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં પંકજભાઇ મહેશચંદ્ર ભટ્ટ (ઉ.૫૦)ની ફરિયાદ પરથી નાના મવા રોડ સૂર્યનગર ખોડિયાર પાનવાળી શેરીમાં રહેતાં મહેશ અમૃતલાલ જાની સામે મનીલેન્ડ એકટ અને બળજબરીથી નાણા કઢાવવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પંકજભાઇ ભટ્ટે આજથી સાડા પાંચ વર્ષ પહેલા પૈસાની જરૂર પડતાં કટકે-કટકે રૂ. ૧II લાખ મહેશ જાની પાસેથી લીધા હતાં. જેની સામે અત્યાર સુધી ૧૦ ટકા વ્યાજે ૮ લાખ ચુકવી દીધા છે. પરંતુ મહેશ હજુ ધરાતો ન હોઇ તેમ વધુ ૪ લાખ માંગી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી  પઠાણી ઉઘરાણી કરતો હતો. તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પી.એસ.આઇ. એસ.આર. વાણવીએ તપાસ શરૂ કરી મહેશ જાનીની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુ. ર. નં. ૧૨/૧૮માં મનિષ બાબુલાલ મહેતા તથા મહેશ રણછોડભાઇ તળાવીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં જેલહવાલે થયેલ છે. આ ઉપરાંત ગુન્હા નં. ૧૧/૧૮માં પણ પ્રકાશ રામજીભાઇ બાલાસરાની ધરપકડની તજવીજ કરાઇ હતી. અન્ય અરજીઓની તપાસ ચાલુ છે.

માલવીયાનગર પી.આઇ. ડી.વી. દવે અને ટીમે પણ ભીખાભાઇ હાપલીયાની અરજી સંદર્ભે નોંધાયેલા ગુનામાં પુરાવા મેળવવા તજવીજ શરૂ કરી દીધી છે તેમજ ચેક રિટર્નનની નોટીસો પાઠવનારા ઇસમોને નોટીસો ઇશ્યુ કરી બોલાવવા તજવીજ કરી છે.

બીજો ગુનો એ-ડિવીઝન પોલીસમાં નોંધાયો છે. લક્ષ્મીવાડી-૭/૧૧માં મધુવન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૦૨માં રહેતાં અને સોની કામ કરતાં તેજસ ભૂપેન્દ્રભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૨૧) નામના સોની યુવાનની ફરિયાદ પરથી પ્રહલાદ પ્લોટ-૬/૭ના ખુણે રહેતાં જય સંજયભાઇ ચાવડીયા (ભરવાડ) સામે મનીલેન્ડ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તેજસે જય ભરવડા પાસેથી એક વર્ષ પહેલા રૂ. ૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. પ્રહલાદ પ્લોટમાં બધા સાથે બેસતાં તેથી તેની સાથે મિત્રતા હતી. જયને છ મહિના સુધી ૯-૯ હજારનું વ્યાજ આપ્યું હતું. ત્રણેક માસ વ્યાજ ચુકવી શકાયેલ નહિ એ પછી ફરી ચાર માસ સુધી ૯-૯ હજાર ચુકવ્યા હતાં. નેવું હજાર જેવી રકમ ચુકવી દીધી હોવા છતાં તે વધુ વ્યાજની ઉઘરાણી કરી ધમકાવે છે. ૫/૨ના રોજ પોતે જુના બસ સ્ટેન્ડ પાસે હતો ત્યારે જયએ આવી ફોન કેમ ઉપાડતો નથી કહી તેજસના જ્યુપીટર ટુવ્હીલર સાથે તેની કાર જીજે૩સીએ-૧૫૮૯ અથડાવી નુકસાન કરી લાકડીથી માર મારી બળજબરીથી વ્યાજના પૈસા કઢાવવા ગાળો દઇ ધમકી આપી હતી. પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ વધુ તપાસ કરે છે.

આજીડેમ પોલીસનો હાપલીયા પાર્કમાં દરોડો

આજીડેમ પોલીસ મથકના પી.આઇ. પી.એન. વાઘેલઅએ પણ ગુ.ર. ૩૪/૧૮ના ફરિયાદી કનકરાય મહેતાની ફરિયાદ અંતર્ગત બકુલ જસાણી, ઉર્મિલાબેન કિશોરભાઇ જયસ્વાલ અને પૂજા કિશોરભાઇ જયસ્વાલ (રહે. બાબરા)ની શોધખોળ માટે તેના રાજકોટ સ્થિત હાપલીયા પાર્કના મકાને દરોડો પાડ્યો હતો. પણ ત્યાં મળી આવ્યા નથી.

વ્યાજખોરીના વધુ બે ગુના સામે આવ્યાઃ કુલ આંકડો ૧૩ થયો

તાલુકા પોલીસે લોક દરબારમાં આવેલી ૧૨ અરજીઓની ત્વરીત તપાસ શરૂ કરીઃ ત્રણ ગુનામાં ૪ની ધરપકડ કરીઃ માલવીયાનગર અને આજીડેમ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(3:40 pm IST)