Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

તારી દૂકાન વેંચી નાંખ, મારા ભાઇને હોસ્પિટલ બનાવવી છે કહી પાનના ધંધાર્થી પર હુમલો

રાજનગર-૫માં બનાવઃ પટેલ પાનવાળા નિકુંજ સાંગાણી (લેઉવા પટેલ)ની બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

રાજકોટ તા. ૬: સામા કાંઠે સદ્દગુરૂ સાનિધ્ય એપાર્ટમેન્ટની સામે જય પાર્કમાં સિધ્ધી નામના મકાનમાં રહેતાં અને રાજનગર-૫માં ચંદ્રેશનગર મેઇન રોડ પર પટેલ પાન નામે દૂકાન ધરાવતાં લેઉવા પટેલ યુવાન નિકુંજ ધીરજભાઇ સાંગાણી (ઉ.૩૨)ને બે અજાણ્યા શખ્સોએ આવી 'તું તારી દૂકાન ૪૦ લાખમાં વેંચી નાંખ, મારા ભાઇને અહિ હોસ્પિટલ બનાવવી છે' કહી છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં ફરિયાદ થઇ છે.

માલવીયાનગરના પી.એસ.આઇ. એ.આર. મલેકે નિકુંજની ફરિયાદ પરથી બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. તેના કહેવા મુજબ ગત રાત્રે અગિયારેક વાગ્યે પોતે દૂકાને હતાં ત્યારે બે શખ્સો આવ્યા હતાં અને કહેલ કે તું તારી દૂકાન ૪૦ લાખમાં વેંચી નાંખ તેમ કહેતાં તેને દૂકાન વેંચવી નથી તેમ જણાવતાં કાળુ જાકીટ પહેરેલા શખ્સે છરી કાઢી હુમલો કરતાં પોતે હાથ આડો રાખી દેતાં જમણા હાથની બે આંગળીમાં ઇજા થઇ હતી. દેકારો થતાં બંને ભાગી ગયા હતાં.

નિકુંજ પટેલના કહેવા મુજબ કેટલાક લોકો દૂકાનો ખરીદી કોમ્પલેક્ષ બનાવવા બીજા દૂકાનદારો સાથે વાતચીત કરી રહ્યા છે. પણ પોતાને દૂકાન વેંચવી ન હોઇ છતાં પરાણે વેંચવા દબાણ કરી હુમલો કરાયો છે.

(12:59 pm IST)