Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વ્‍યાજખોરોને ‘સકંજા'માં લેવા પોલીસનું ‘મહાઅભિયાન'!

શહેરના દુભાયેલા લોકોએ કકડતી આંતરડીએ વ્‍યથા વર્ણવ્‍યા બાદ ર૮ શખ્‍સો સામે ગુન્‍હા નોંધાયા : ભોગ બનેલાઓ માટે પોલીસના લોક-દરબાર કાર્યક્રમ હેઠળ શહેર પોલીસ આવી હરકતમાં: વ્‍યાજખોરોમાં ફફડાટ

રાજકોટ તા. પ : શહેરના અલગ - અલગ વિસ્‍તારોમાં વ્‍યાજખોરોને કારણે અનેક પરિવારો બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયા છે. તો અનેક લોકોએ આપઘાત કરવો પડયો છે. વ્‍યાજખોરોનો ભોગ બનેલા લોકો માટે પોલીસ કમિશ્નરે દરેક પોલીસ મથક હેઠળના વિસ્‍તારોને આવરી લેતા બે લોક દરબાર પોલીસે યોજયા બાદ જૂદા જુદા પોલીસ મથકમાં ર૮ વ્‍યાજખોરો વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એકટ હેઠળની કલમ હેઠળ ગુન્‍હા નોંધાયા છે.  અને વ્‍યાજખોરોને સકંજામાં લેવા માટે પોલીસે મહા અભિયાન શરૂ કર્યુ છે. અને આ ઝૂંબેશ જારી રાખવાનો નિર્ણય લીધો છે. જેના ભાગ રૂપે આગામી દિવસોમાં લોક દરબાર યોજાવામાં આવશે.

ગઇકાલે શહેરના જુદા જુદા પોલીસ મથક હેઠળના વિસ્‍તારોમાં વ્‍યાજખોરોનો ભોગ બનેલા લોકો માટે બે લોક દરબાર યોજાયા હતાં. જેમાં પૂર્વ વિભાગના પોલીસ મથકોમાંથી ૧૯ તથા પમિ વિભાગના  પોલીસ મથકોમાંથી ર૪ મળી કુલ ૪૩ લેખીત અને મૌખિક રજૂઆતો વ્‍યાજખોરો વિરૂધ્‍ધ કરવામાં આવી હતી. જે સંદર્ભે એક જ દિવસમાં ૧૧ ગુન્‍હા દાખલ કરવામાં આવ્‍યા હતાં. અને વ્‍યાજખોરોને ઝડપી લેવા તેની ઓફીસો ઘરે અને બીજા સ્‍થળો પર દરોડાનો દોર શરૂ કર્યો છે.

આ લોક દરબારમાં પ્રથમ ફરીયાદમાં મોટા મવાના રઘુવીર પાર્ક-ર માં રહેતા અને કેટરર્સનું કામ કરતા અલ્‍પાબેન વલ્લભભાઇ પટેલ (ઉ.૩ર) એ જણાવ્‍યું છે કે પોતે મકાન માટે પરિચિત જામનગરના જોડીયાના ફલા વાવડીના પ્રકાશ રામજી બાલાસરા પાસેથી રૂા. ૧ લાખ ૧૦ ટકા વ્‍યાજે લીધા હતા જેનું દર મહિને ૧૦ હજાર વ્‍યાજ ભરતા હતાં.  અઢી વર્ષ સુધી અઢી લાખ ચુકવી દીધા હતાં. છેલ્લા માસનું વ્‍યાજ નહીં  ચુકવી શકતા આરોપીએ તેના ઘરે આવી એકટીવા ઉઠાવી ગયો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે બીજા બનાવમાં તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરીયાદમાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે  માધવ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાંથી રહેતા અને ગેરેજમાં મજૂરી કરતા ભરત વલ્લભભાઇ સીતાપરાએ જણાવ્‍યું છે કે પોતે આવાસુર, મનીષ મહેતા, મહેશ તાળા, મુન્ના ભરવાડ (ઠાકર હોટલવાળા), હરસુર અને ભરતસિંહ (રહે. સત્‍ય સાંઇ હોસ્‍પિટલ પાસે) પાસેથી ઉંચા દરે વ્‍યાજે પેસા લીધા હતાં. જેનું વ્‍યાજ ચૂકવતા હોવા છતાં વ્‍યાજનું ચક્રવૃધ્‍ધી વ્‍યાજ લગાવી વ્‍યાજખોરો તેના ઘરે તથા ધંધાના સ્‍થળે જઇ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં. ત્રીજી ફરીયાદ જે ક્રાઇમ બ્રાંચમાં નોંધાઇ છે. તેમાં મવડી ૧પ૦ ફુટ રીંગ રોડ પર ડી.એમ. પાર્ક-ર કોર્નર પાસે રહેતા અને મજૂરી કરતા ભુપત કુરજીભાઇ મકવાણા (ઉ.૪ર) એ ફરીયાદમાં  જણાવ્‍યું છે કે પોતે ધંધા માટે નાણાની જરૂરીયાત પડતા તેણે રૂદ્ર એન્‍ટરપ્રાઇઝવાળા હરેશ પટેલના સાળા મહેશ ગોવિંદ સગપરીયા, પ્રગતિ ફાયનાન્‍સના માલીક મયુર પટેલના ઘરના સભ્‍યો, દ્વારકાધીશ જવેલર્સ નામની દુકાનના માલીક વિઠ્ઠલ ભાલાળા અને  ઓમ ફાયનાન્‍સ નામની પેઢીવાળા, પ્રવિણ સોની પાસેથી ઉંચા વ્‍યાજે રકમ લીધી હતી.

 તેની અવેજમાં દસ્‍તાવેજ અને સોનું ગીરવે મુકયા હતાં તે વ્‍યાજ અને મુદલ નહી ચુકવી શકતા આરોપીઓએ તેને ધાક ધમકી આપી ગીરો રાખેલી મિલ્‍કતો લઇ લેવાનું દબાણ કરતા હતાં. ચોથી ફરીયાદમાં મવડી બાયપાસ પાસે સોજીત્રા પાર્ક-૧૪/ર માં રાધેકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ સામે રહેતા સરોજબેન ધીરૂભાઇ મેઘાણી  (ઉ.૩ર) એ જણાવ્‍યું છે કે પોતે ગૌરવ પ્રવિણ મહેતા, શુભમ એન્‍ટરપ્રાઇઝવાળા ભાવના કલ્‍પેશ જોષી, આર. કે. ફાયનાન્‍સ વાળા રાજુ પૂંજાભાઇ કાચા, વાવડી ગામ પાસે રહેતા, કેતન દવે, મવડી બાયપાસ પાસે ઓફીસ ધરાવતા રમેશ મેઘાણી ભવાનીનગરમાં રહેતો ધીરૂ બાંભવા અને મહાવીરસિંહ જાડેજા પાસેથી વ્‍યાજે રકમ લઇ બદલામાં દસ્‍તાવેજ અને સોનુ ગીરવે મુકયુ હતું. તે વ્‍યાજ અને મુદલ નહી ચુકવી શકત આરોપીઓએ તેને ધાક ધમકી આપી, ગીરો રાખેલ મીલ્‍કત લઇ લેવાનું દબાણ કરી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાંચમી ફરીયાદમાં ઇન્‍દીરા સર્કલ પાસે ગુલમહોર એપાર્ટમેન્‍ટમાં રહેતા અને ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનો ધંધો કરતા પીનાક કમલેશભાઇ સંઘવી (ઉ.૩૩) એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે શૈલેષ છગન હીરાણી, અને તેના ભાઇ સંજય પાસે ઉંચા વ્‍યાજે નાણા લીધા હતા આરોપીઓએ બદલામાં પ્રોમીસરી નોટ લખાવી ચેકો લઇ લીધા બાદ બળજબરીથી વધુ નાણા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી જો રૂપિયા નહી આપે તો જીવ ખોવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી.

 જયારે છઠ્ઠી ફરીયાદમં રામેશ્વર પાર્ક-ર માં રહેતા ભીખાભાઇ જાગાભાઇ હાપલીયા (ઉ.૪૭) એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે બે વર્ષ પહેલા નવલનગર ૩/૧૯ માં રહેતા કાના ભુરાભાઇ મૈયડ પાસેથી કુલ પપ લાખ વ્‍યાજે લીધા હતાં. બદલામાં આજ સુધી ૧,૧ર,,પ૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં આરોપી હજુ પણ પૈસાની માંગણી કરી બળજબરીથી ઉઘરાણી કરી, મારી નાખવાની ધમકી આપે છે. ગુનાના સ્‍થળમાં મણીનગર પાસે તેનું સંજય પ્‍લાીસ્‍ટીક નામનું કારખાનું અને આનંદ બંગલા ચોકમાં આરોપીની પાનની દુકાન જણાવાઇ છે. આ અંગે  માલવીયાનગર પોલીસે તપાસ આદરી છે. સાતમી ફરીયાદમાં ૮૦ ફુટ રોડ પર સત્‍યમ પાર્ક-૧ માં રહેતા અને હાલ સ્‍વામી નારાયણ ચોકના કૃષ્‍ણનગર ખાતે શ્‍યામ કોમ્‍પલેક્ષમાં ભાડેથી રહેતા અને કારખાનામાં મજૂરી કરતા જીતેન્‍દ્ર વલ્લભદાસ ડોડીય (ઉ.પ૬) એ જણાવ્‍યું હતું કે, આરોપી જીતેન્‍દ્ર રજનીભાઇ પંચાલ, હાર્દિક જીતેન્‍દ્ર (રહે. બંને વિવેકાનંદનગર ૩ કોઠારીયા રોડ), એ તેને તથા અન્‍યોને વ્‍યાજે ૩ લાખ આપી સિકયુરીટી પેટે ચેક લખાવી લીધા હતાં. ત્‍યારબાદ તેણે અને અન્‍યોએ મુદતની રકમ ચેક અને રોકડેથી  તથા વ્‍યાજની રકમ આશરે પાંચ લાખ ચુકવી દીધી છતાં આરોપીઓએ સિકયુરીટી પેજે જે ચેક મળ્‍યા હતાં. તેના આધારે નિગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવી ત્રણ લાખ અને તેના વ્‍યાજની ઉઘરાણી કરી તેને તથા અન્‍યોને રકમ નહી આપો તો હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતા હોવાની ફરીયાદ થોરાળા પોલીસ થઇ છે. આઠમી ફરીયાદમાં થોરાળાના રામનગર-૧ માં રહેતા અને કારખાનામાં મજૂરી કરતા ઋતુરાજસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.ર૯) એ જણાવ્‍યું હતું કે પોતે આરોપી નાગજી ધનજીભાઇ વાઘેલા (રહે. વિજયનગર-પ) તથા તપાસમાં ખુલે તેની પાસેથી ૪ લાખ ૧૦ ટકા વ્‍યાજે લીધા હતાં. બાદમાં તેણે વ્‍યાજ અને મુદત ચુકવી દીધી હોવા છતાં આરોપી બળજબરીથી તેની માંગણી કરી સિકયુરીટી પેટે લીધેલા ચેક ઉપર નિગોસીએશલ ઇન્‍સ્‍ટ્રમેન્‍ટ એકટ હેઠળ કોર્ટમાં ફરીયાદ કરી તેને મારકૂટ કરી મારી નાખવાની અવાર - નવાર ધમકી આપતો હતો. નવમી ફરીયાદ ભકિતનગર પોલીસમાં થઇ છે. મીલપરા, કેનાલ રોડ, પર ભાડાના મકાનમાં  રહેતા નિવૃત શિક્ષક કનકરાય ચુનીલાલ મહેતા (ઉ.પ૯) એ ફરીયાદમાં જણાવ્‍યું છે કેતેણે આરોપી બકુલ જસાણી (રહે. ગણેશ સોસાયટી કોઠારીયા રોડ) પાસેથી ૧ લાખ પ ટકા લેખે, ઉર્મીલાબેન કિશોર જયસ્‍વાલ પાસેથી ૬૦ હજાર ૧૦ ટકા લેખે, પૂજાબેન જયસ્‍વાલ (રહે. બંને બાબરા) પાસેથી ર૦ હજાર ૧૦ ટક લેખે લીધા હતાં. ત્રણેય આરોપીઓ વ્‍યાજ અને મુદલની રકમ માટે અને બળજબરીથી પૈસા કઢાવવા તેને ગાળો ભાંડી, ધાક ધમકીઓ અપતા હતાં.

 દસમી ફરિયાદ અજી ડેમ પોલીસમાં નોંધાઇ છે. કોઠારીયા રોડ પરના ભવનાથ મંદિર પાસે ઇશ્વરીયા પાર્કમાં રહેતા અને જમીન મકાનની દલાલી કરતા   નિલેશ ચંદુભાઇ ગોહેલે (ઉ.ર૯) ફરીયાદમાં જણાવ્‍યું છે કે તેણે આરોપી નિરવ મોલીયા (રહે. ગીતાંજલી સોસાયટી) અને બીગ બજાર પાસે રહેતા કમલેશ સાંગાણી પાસેથી ૩૦ લાખ ગોંડલના વિપુલ લાવડીયા પાસેથી ૩ લાખ ઉપરાંત જીલ્લા ગાર્ડન અને ભકિતનગર પોસ્‍ટ ઓફીસ પાછળ ઓફીસ ધરાવતા રૂપેશ શાહ, બીપીન શાહ, અને ભાવેશ શાહ પાસેથી ૧૧ લાખ વ્‍યાજે લીધા હતાં. તેણે આરોપીઓને મુળ રકમ કરતા ડબલ રકમ ચૂકવી દીધી છતાં આરોપીઓ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી  આપતા હતાં. અને અગીયારમી ફરીયાદ એ. ડીવીઝન પોલસ મથકમાં થઇ છે. હસનવાડી-૩ કોર્નર પર રહેલા અને સોની કામ કરતા તેજસ વિનોદરાય આડેસરાએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે આરોપી  નિતીન ભુપત મેવાડા અને તેનો ભાઇ દિપક (રહે. બંને પેલેસ રોડ) ઉપરાંત ગુંદાવાડી-રપ નો ઋષિ મેવાડા અગાઉની ફરીયાદ કેમ ખેંચી નથી તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી. આ મામલામાં અગાઉ પૈસાની લેતી દેતીને લગતી હોવાનું જણાવ્‍યું હતું. 

 

મેમણ દંપતિ આવાસ યોજનાના પોણા બે લાખ હજમ કરી જતા અનિલ કુંભારે આપઘાત કર્યો'તો

ટેન્‍શનના કારણે આપઘાત કર્યાનુ ખુલ્‍યા બાદ સ્‍યુસાઇડ નોટ મળતા વહીદા તથા તેના પતિ હારૂન સામે ગુનો નોંધાયોઃ મેમણ દંપતિ ભાજપના કાર્યકર છે

રાજકોટ તા.પ : શહેરની ભાગોળે પરાપીપળીયા ખાતે સાત મહિના પુર્વે કુંભાર યુવાને આપઘાત માટે મજબુર કરનાર મેમણ દંપતિ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે. આ મેમણ દંપતિએ આવાસ યોજનાના પોણા બે લાખ હજમ કરી જતા કુંભાર યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્‍ત વિગતો મુજબ પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભારતીબેન અનિલભાઇ મછોયા જાતે કુંભાર (ઉ.વ.૪૩)એ તેના પતિને આપઘાત માટે મજબુર કરનાર વહીદાબેન હારૂનભાઇ મેમણ તથા વહીદાબેનના પતિ હારૂનભાઇ મેમણ રહે.બંને ગુજરાત હા. બોર્ડ, દુધની ડેરી પાસે, રાજકોટ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ફરિયાદીના પતિ અનિલભાઇ પ્રવિણભાઇ મછોયાએ ગત તા.૧૪-૭-ર૦૧૭ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે આર્થિક ખેંચ અને ટેન્‍શનના કારણે આ પગલુ ભર્યુ હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્‍યુ છે. જો કે ત્‍યારબાદ ઘરમાંથી એક મૃતક અનિલભાઇએ લખેલી સ્‍યુસાઇડ નોટ મળી આવી હતી. આ સ્‍યુસાઇડ નોટમાં આરોપી મેમણ દંપતિએ મૃતક અનિલભાઇ પાસેથી આવાસ યોજનાના કવાટર અપાવી દેવાના બહાને ૧ લાખ, ૮૦ હજાર કટકે-કટકે લઇ લીધા હતા અને કવાટર કે રૂપિયા પાછા ન મળતા પોતે આપઘાત કર્યાનું જણાવ્‍યુ હતુ.

પોલીસે આ સ્‍યુસાઇડ નોટ કબ્‍જે કરી મેમણ દંપતિ સામે આઇપીસી ૩૦૬, પ૦૬ (ર) તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્‍યા મુજબ મેમણ દંપતિ ભાજપના કાર્યકર છે. આ બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. વધુ તપાસ પીએસઆઇ જે.એન.વાઘેલા ચલાવી રહ્યા છે.

(9:26 am IST)