Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૧૦ હજાર ખેડુતો ગુજરાતથી દિલ્હી કુચ કરશે

હાલ ગુજરાતના ખેડૂતોની ઇમરજન્સી જેવી પરિસ્થિતિ, તેના ફોન પણ ટેપ થઇ રહયાનો ધડાકો : ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કેટલાક ખેડૂત આગેવાનો દિલ્હી બોર્ડરે ખેડૂતોના આંદોલનમાં જઇ આવ્યાઃ પાલભાઇ આંબલીયા, ડાયાભાઇ ગજેરા અને હેમંત વિરડા કહે છે ઐતિહાસીક આંદોલન શિસ્તબધ્ધ રીતે ચાલી રહયું છે, આંદોલનને બદનામ કરવાના પ્રયાસો નિષ્ફળ

રાજકોટ, તા. ૬ : ગુજરાતભરમાંથી ૧૦ હજાર જેટલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. ગુજરાતમાંથી ગુપચૂપ રીતે ખેડૂતો દિલ્હી બોર્ડર ખાતે ચાલી રહેલ આંદોલનોમાં પહોંચી ગયા હતા અને આ ઐતિહાસિક આંદોલન શિસ્તબદ્ધ રીતે ચાલી રહ્યાનું જણાવેલ. ખેડૂતો ગુજરાતમાંથી દિલ્હી કૂચ ન કરી શકે તે માટે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે અને તેમના ફોન પણ ટેપ થઈ રહ્યાનું જણાવેલ હતું.

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના આગેવાનો સર્વશ્રી પાલભાઈ આંબલીયા, ડાયાભાઈ ગજેરા અને હેમંત વીરડાએ જણાવેલ કે અત્યારે દેશમાં ખેડૂતોનું આંદોલન જન આંદોલન બની ચૂકયુ છે. કેન્દ્ર સરકારે કરેલ ત્રણ કાળા કાયદાનો વિરોધ દેશભરના ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આ આંદોલનને ખેડૂતો ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ, ડોકટર, વકીલ - શિક્ષક જેવા બુદ્ધિજીવી વર્ગનું પણ સમર્થન મળી રહ્યુ છે. ટ્રક એસોસીએશન હોય, મજૂર યુનિયન હોય કે ટ્રેડ યુનિયન હોય તેઓનો આંદોલનમાં સામેલ થઈ ખેડૂતો સાથે ખભે ખભો મિલાવી લડત કરી રહ્યા છે. આ આંદોલનના કારણે જ્ઞાતિ - જાતિ, સમુદાય કે ધર્મના વાળાઓથી ઉપર ઉઠી અનેકતામાં એકતાની ઉકિત સાર્થક થતી હોય તે રીતે સૌ સાથે મળી આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલન તોડવાના અનેક પ્રયાસો, આંદોલનને બદનામ કરવાના અનેક પ્રયાસ પછી પણ આજે ખેડૂતો એક બની નેક બની લડત ચલાવી રહ્યા છે. પલવલ બોર્ડર હોય, સિંધુ બોર્ડર હોય, ટિકરી બોડૃર કે શાહજહાનપુર બોર્ડર હોય દરેક સ્થળે દિવસે ને દિવસે હજારો લોકો આંદોલનમાં ઉમેરાઈ રહ્યા છે. આંદોલનકારીઓનું જોમ, જુસ્સો, જઝબા અને ઝનુન દિવસે દિવસે વધતુ જાય છે. સરકાર નિર્ણય લેવામાં જેટલો વિલંબ કરશે તેટલુ આંદોલન વધારે મજબૂત બનશે.

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનનું આયોજન અને વ્યવસ્થાની કામગીરી કાબીલેદાદ છે. ખેડૂતો રોડ પર જ ટ્રેકટરને પોતાનું ઘર બનાવીને રહે છે. દર એક કિલોમીટર પર એમ્બ્યુલન્સ, દર ૫૦૦ મીટર પર મેડીકલ કેમ્પ, દર બસો મીટરે જમવાના લંગર ઉભા કરવામાં આવ્યા છે. ગામડાઓમાંથી દૂધ, છાશ અને તાજા શાકભાજીના ટ્રેકટર લાવી ખેડૂતો સેવાભાવે વહેંચે છે. દર પાંચ ટ્રેકટર પર એક જથ્થેદાર નિમવામાં આવ્યા છે. આખુય આંદોલન શિસ્તબદ્ધ છે. આંદોલન સંપૂર્ણ એકબીજાના સાથ, સહકાર, સમર્થન અને સમર્પણની ભાવનાથી ચાલે છે. દરેક બોર્ડર પર ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે. જયાં દરેક ધર્મના ધાર્મિક પ્રવચન અને સત્સંગ થાય છે.

દેશમાં કદાચ આવડી મોટી જનસંખ્યામાં સતત દોઢ મહિના જેટલુ ચાલ્યુ હોય તેવું આ પ્રથમ આંદોલન હશે. આંદોલન સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન છે. પોલીસ લાઠીચાર્જ કરે તેમ છતાં એ જ પોલીસના જવાનોને ખેડૂતો જમાડે એ અજોડ ઘટનાઓ આ આંદોલનમાં બનેલ છે.

આગેવાનોએ વધુમાં જણાવેલ કે આ આંદોલનને લઈને ગુજરાતમાં ભારેલો અગ્નિ છે. ગુજરાતમાંથી હજારો ખેડૂતો દિલ્હી જવાની રાહમાં છે આજે પણ ગુજરાતમાંથી ઓછામાં ઓછા ૧૨૦૦ થી ૧૫૦૦ ખેડૂતો દિલ્હીની અલગ અલગ બોર્ડર પર છે. તા.૬-૧૨-૨૦૨૦ના રોજ ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો, મજૂર યુનિયનોએ અમદાવાદ ખાતે એકઠા થઈ 'ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિ' બનાવી ૧૧ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે 'કિશાન સંસદ'નું આયોજન કરી દિલ્હી પ્રયાણનું આયોજન કર્યુ હતું. પરંતુ ખેડૂતોથી ડરતી આ ડરપોક સરકારે 'કિશાન સંસદ'ની છેલ્લે સુધી મંજૂરી ન આપી એટલુ જ નહિં તમામ ખેડૂત આગેવાનોને બે દિવસ પહેલા તેમના ઘરે જ નજરકેદ કરી લીધા. સરકાર દ્વારા 'અનડીકલેરેડ ઈમરજન્સી' જેવી કામગીરી છતા કેટલાક ખેડૂત આગેવાનો અને ૩૫૦ કરતા વધારે ખેડૂતો ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ દિલ્હી પહોંચ્યા.

ગુજરાત સરકારે આજે પણ ખેડૂતોને દિલ્હી જતા રોકે છે. નામદાર સુપ્રિમ કોર્ટના માર્ગદર્શનમાં જણાવ્યુ છે કે 'ખેડૂતોને અહિંસક આંદોલન કરતા રોકવા જોઈએ નહિં ખેડૂતોને આંદોલનમાં ભાગ લેવા જતા રોકવા જોઈએ નહિં' તેમ છતા ગુજરાત સરકાર ખેડૂતોને રોકી રહી છે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાજકોટ ખાતે એક બેઠક યોજી આગળની રણનીતી તૈયાર કરવામાં આવી છે જેના ભાગરૂપે પહેલા તબકકામાં અત્યારે ગામે ગામ પત્રિકા વિતરણ કરી ખેડૂત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં સામેલ તમામ ખેડૂત સંગઠનોને વિસ્તાર નકકી કર્યા મુજબ ખેડૂત સંપર્ક અને જાગૃતિ અભિયાન ચાલે છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ આંદોલન દરેક જીલ્લા મથકે કેમ વેગવંતુ બને અને સાથે સાથે દિલ્હીમાં ઓછામાં ઓછા ૧૦ હજાર ખેડૂતોને કેવી રીતે પહોંચાડવા તેની ગર્ભીત રીતે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતના તમામ ખેડૂત સંગઠનોએ એકી સુરે અવાજ ઉઠાવતા નારો આપ્યો છે કે ગુજરાત સરકારે જેટલા પ્રયત્નો કરવા હોય એ કરે ગુજરાતના ખેડૂતો જરા પણ પીછેહઠ નહિ કરે ખેડૂતો પોતાના માન, સન્માન અને સ્વાભામિનની સાથે હકક અને અધિકારની લડત તાકાતથી લડશે. ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પણ જશે અને ગુજરાતમાં રહીને પણ દરેક જીલ્લામાં પણ લડતના મંડાણ થશે.

તસ્વીરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સર્વશ્રી પાલભાઇ આંબલીયા મો.૯૯૨૪૨૫૨૪૯૯ , ડાયાભાઇ ગજેરા ૯૯૦૯૫ ૬૨૯૧૨ અને હેમંત વિરડા ૯૯૭૮૪ ૧૧૩૬૦ નજરે પડે છે.

(4:07 pm IST)